
ઉત્તર પ્રદેશ (UP) ના પીલીભીતમાં STF અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. આજે સોમવારે વહેલી સવારે ટીમે ઓપરેશન હાથ ધરી એન્કાઉન્ટરમાં 3 ખાલિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા. માર્યા ગયેલા તમામ આતંકીઓ ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના હોવાનું કહેવાય છે. ત્રણેયએ પંજાબના ગુરદાસપુર જિલ્લામાં પોલીસ ચોકી પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે એકે-47 રાઈફલ, બે ગ્લોક પિસ્તોલ અને મોટી માત્રામાં કારતુસ મળી આવ્યા હતા.
આ એન્કાઉન્ટર પીલીભીતના પુરનપુર કોતવાલી વિસ્તારમાં થયું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓમાં ગુરદાસપુરના રહેવાસી ગુરવિંદર સિંહ, વીરેન્દ્ર સિંહ ઉર્ફે રવિ અને જસપ્રીત સિંહ ઉર્ફે પ્રતાપ સિંહનો સમાવેશ થાય છે. એન્કાઉન્ટરમાં ગોળી વાગ્યા બાદ તમામ ઘાયલોને પુરનપુર સીએચસીમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તમામને મૃત જાહેર કર્યા હતા.
આતંકીઓની ઉંમરથી 25થી નીચી
પીલીભીતના એસપી અવિનાશ પાંડેએ જણાવ્યું કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ પંજાબના ગુરદાસપુરના રહેવાસી હતા. તેમની ઓળખ ગુરવિન્દર સિંહ, આશરે 25 વર્ષ, મોહલ્લા કલાનૌરનો રહેવાસી, વીરેન્દ્ર સિંહ ઉર્ફે રવિ, આશરે 23 વર્ષ, ગામ અગવાન, કલાનૌરનો રહેવાસી અને જસન પ્રીત સિંહ, આશરે 18 વર્ષ, ગામ નિક્કા સુરના રહેવાસી છે.
આરોપી પાસેથી ચોરાયેલી બાઇક પણ મળી આવી હતી. આ સાથે આરોપીઓ પાસેથી બે એકે-47, બે રેડીમેડ પિસ્તોલ અને મોટી માત્રામાં કારતુસ મળી આવ્યા હતા. આરોપીઓ પંજાબમાં પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલાના મુખ્ય આરોપી હતા. એન્કાઉન્ટરમાં આરોપીઓએ કરેલા ફાયરિંગમાં બે પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયા હતા.
UPના ડીજીપીએ શું કહ્યું?
ઘટના અંગે યુપીના ડીજીપી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે પીલીભીતના એસપી અવિનાશ પાંડેની આગેવાનીમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. પંજાબ પોલીસે યુપી પોલીસને આ ત્રણ આતંકવાદીઓ જિલ્લામાં છુપાયેલા હોવાની માહિતી આપી હતી. ત્રણેય પંજાબના ગુરુદાસપુર જિલ્લામાં પોલીસ ચોકી પર હુમલામાં સામેલ હતા.
STF અને પંજાબ પોલીસે ત્રણેયને ઘેરી લીધા અને તેમને આત્મસમર્પણ કરવા કહ્યું. પરંતુ, આત્મસમર્પણ કરવાનો ઇનકાર કરતા, ત્રણેયએ પોલીસ ટીમ પર ફાયરિંગ શરૂ કર્યું. જવાબી કાર્યવાહીમાં ત્રણેયને ગોળી વાગી હતી. ત્રણેયને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પંજાબ અને UPની પોલીસ સાથે મળીને હાથ ધરાયેલા ઓપરેશનમાં આ મોટી સફળતા મળી છે.





