
બનાસકાંઠા જીલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. સ્થાનિક ચૂંટણી યોજાઈ તે પહેલા માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન સહિત આખી બોડીએ રાજીનામું આપી દીધું છે. માઈનોરીટી સેલના મહિલા ઉપ પ્રમુખે પાલિકા કોર્પોરેટર અબરાર શેખ પર કર્યા ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે ધમકી આપ્યાના આક્ષેપ કર્યા છે.
એક તરફ સ્થાનિક સ્વરાજ્ય તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીની રણનીતિઓ ઘડાઈ રહી છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ગ્રાઉન્ડ લેવલે પહોંચી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને તે વચ્ચે જ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે.
કોંગ્રેસની વોટબેંક હાથથી ગઈ?
માઇનોરીટી વોટબેંક એ કોંગ્રેસ સિક્યોર વોટબેંક ગણાય છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ બનાસકાંઠા જિલ્લા માઇનોરીટી સેલના પ્રમુખ સાજીદ મકરાણી સહિત માઇનોરીટી સેલના અનેક લોકોએ માઇનોરીટી સેલના હોદ્દા સહિત કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું સોંપી દીધું છે.
કોંગ્રેસમાંથી જ હેરાન કરતાં હોવાનો આરોપ
માઇનોરીટી સેલના પ્રમુખ સાજીદ મકરાણીએ રાજીનામું આપતા પહેલા એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ અને પ્રદેશના નેતા દિનેશ ગઢવી પર તેમજ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઝાકીર ચૌહાણ પર આક્ષેપો કર્યા અને કહ્યું કે આ બંને નેતાઓ મુસ્લિમ સમાજને કંઇક ગણતા નથી. દિનેશ ગઢવી આરએસએસની વિચારધારા ધરાવે છે અને તેઓ નાનામાં નાના કાર્યકરને નડવા તેમજ દૂર કરવાનું કામ કરે છે.
તો સાથે જ સાજીદ મકરાણીએ પાલિકાના કોંગ્રેસના નગરસેવક અબરાર શેખ પર પણ આક્ષેપ કર્યા અને કહ્યું કે અબરાર શેખ દિનેશ ગઢવી અને ઝાકીર ચૌહાણ ની વાતોમાં આવી તેમનો વોર્ડ મુસ્લિમ વિસ્તાર હોઇ ત્યાં કામ થવા દેતા નથી અને પાલિકામાં રજૂઆત કરવા જઈએ તો અબરાર શેખ અમારી મુસ્લિમ સમાજની દીકરીને ઘરે આવીને ધમકી આપી જાય છે.
દિલ્હી સુધી રજૂઆત કરવા છતાં કોઈ પગલા ન લેવાયા!
આ તમામ બાબતો અંગે જીલ્લા કોંગ્રેસના પ્રમુખથી લઇ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને રજૂઆત છતાં કોઈ પગલા ન લેવતાં માઇનોરીટી સેલના પ્રમુખ સાજીદ મકરાણી, મહિલા પ્રમુખ મરિહમ મિર્ઝા સહિતના લોકોએ પોતાના પદ અને કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું આપી દેતાં ચકચાર મચી ગઈ છે. જે માઇનોરીટી સમાજને કોંગ્રેસ પોતાની વોટબેંક ગણતું હતું. તે માઇનોરીટી સેલે જ કોંગ્રેસ છોડી દેતાં કોંગ્રેસને મોટું નુકસાન થયું છે. કોંગ્રેસ છોડીને કયા પક્ષમાં જશે તે ચર્ચાઓએ જોર પકડ્યું છે.