
Attack on teacher in Ahmedabad: અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી નૂતન ભારતી વિદ્યાલયમાં શનિવારે (28 જૂન, 2025) એક ખળભળાટ મચાવતી ઘટના ઘટી હતી. જેણે શિક્ષણ જગતમાં ફફડાટ ફેલાવ્યો છે. એક વાલીએ લિવિંગ સર્ટિફિકેટ (LC) બાબતે થયેલી નજીવી દલીલને લઈને શિક્ષક પર હુમલો કર્યો, જેમાં શિક્ષકને માથામાં છરી વાગવાથી ગંભીર ઈજા થઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી હુમલાખોર વાલી વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુસ્તાક અહેમદ નામની વ્યક્તિ પોતાની દીકરીનું LC લેવા માટે નૂતન ભારતી વિદ્યાલયમાં ગયો હતો. તેણે પહેલા પ્રિન્સિપાલ સાથે વાત કરી, જેમણે LC સોમવારે આપવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મુસ્તાકે સ્કૂલના ક્લાર્ક-કમ-શિક્ષક શબ્બીરભાઈ સાથે વાત કરી, જેમણે LC શુક્રવારે લઈ જવા કહ્યું. આ વાતથી મુસ્તાક ગુસ્સે થઈ ગયો અને શબ્બીરભાઈ પર હુમલો કર્યો. તેણે પહેલા શિક્ષકને તમાચો માર્યો અને પછી ખિસ્સામાંથી છરી કાઢીને માથાના ભાગે હુમલો કર્યો, જેનાથી શિક્ષકને ગંભીર ઈજા થઈ હતી.
હોસ્પિટલમાં સારવાર
આ ઘટના બાદ સ્કૂલનો સ્ટાફ એકઠો થયો અને ઈજાગ્રસ્ત શિક્ષક શબ્બીરભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમના માથામાં 7 ટાંકા લેવા પડ્યા. આ સમગ્ર ઘટના સ્કૂલના CCTV કેમેરામાં કેદ થઈ છે, જે પોલીસ તપાસમાં મહત્વનો પુરાવો બની શકે છે.
પોલીસ ફરિયાદ
શિક્ષક શબ્બીરભાઈએ આ ઘટના અંગે મુસ્તાક અહેમદ વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. CCTV ફૂટેજની મદદથી પોલીસ આરોપીની ધરપકડ અને ઘટનાના સંજોગોની તપાસ કરી રહી છે.
આ ઘટનાએ શિક્ષણ જગતમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે. શિક્ષકોની સુરક્ષા અને સ્કૂલોમાં આવી હિંસક ઘટનાઓ અટકાવવા માટેના પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. સ્થાનિક લોકો અને શિક્ષક સંગઠનો દ્વારા આ મામલે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.