Indian economy: ભારતીય અર્થવ્યવસ્થા ‘ડેડ ઇકોનોમી-મૃત અર્થવ્યવસ્થા’તો નથી, નથી, ને નથી જ…

ડૉ. જયનારાયણ વ્યાસ

Indian economy: ટ્રમ્પને કારણ ગમે તે હોય પણ ભારત સાથે કે પછી વ્યક્તિગત રીતે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કાંઈક જબરદસ્ત વાંકું પડ્યું હોવાનું લાગે છે. જેમ માતેલા સાંઢને તમે લાલ લૂગડું બતાવો અને એ ભુરાયો થઈને છીંકોટા નાખવા લાગે બરાબર તે જ રીતે જ્યારે પણ ભારતનો કોઈ ઉલ્લેખ આવે ત્યારે ટ્રમ્પ છીંકોટા નાખવા લાગે છે. 7 ઑગસ્ટથી એમણે ભારતમાંથી અમેરિકા આયાત થતા ભારતીય માલસામાન ઉપર25 ટકાની આયાત જકાત વત્તા દંડ (જે હજુ જાહેર નથી કરવામાં આવ્યો.) લાદશે તે મુજબની જાહેરાત કરી છે. આમ, ઊંચા ટેરિફ ધરાવતા દેશોમાં ભારત અગિયારમા નંબરે મુકાયો છે.

આની અસરરૂપે શેરબજારમાં સતત પછડાટ જોવા મળી રહી છે અને તેને કારણે શૅ૨બજા૨માં મોટો કડાકો બોલી ગયો હોવાનું જોવા મળે છે. 2025 માં ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ દ્વારા એક લાખ કરોડ કરતાં વધુ રકમના શૅરો વેચાયા. તેને કારણે આમેય શૅરબજારમાં ઝોલ પડી હતી. જોકે ઘરઆંગણાના રીટેઇલ ખરીદારોએ આ અસર લગભગ ધોઈ નાખી હતી પણ ટ્રમ્પે ભારત સાથે મંત્રણાઓ ચાલતી હોવા છતાં એકતરફા પોતાની રીતે જ 25 ટકા જેટલો ટેરિફનો દર ભારતીય ઉત્પાદનો પર નાખી દીધો, જે અપેક્ષા કરતાં વધારે છે.

આની સાથોસાથ રશિયામાંથી આવતો તેલનો પુરવઠો પણ ભારતને નહીં મળી શકે એ હકીકતે ઘરઆંગણાની અર્થવ્યવસ્થા માટે મોટા પડકારો અને પ્રશ્નો ઊભા થયા છે. ભારત રોજનું 20 લાખ બેરલ રશિયન ક્રૂડ આયાત કરે છે, જે ભારતમાં આયાત કરાતા ક્રૂડના કુલ પુરવઠાના ૪૦ ટકા જેટલું છે. ભારત રોજના 50 લાખ બેરલ ક્રૂડ ઑઇલની આયાત કરે છે. 2022બાદની પરિસ્થિતિ જે રીતે ઉપસ્થિત થઈ તેને કારણે રશિયા ભારતનો સૌથી મોટું ક્રૂડ ઑઇલનો પુરવઠો પૂરો પાડનાર દેશ બન્યો. બધું સમુંસૂતર ચાલતું હતું ત્યાં યુરોપિયન યુનિયને યુક્રેન યુદ્ધનું બહાનું આગળ ધરી રશિયન ક્રૂડ ઑઇલની આયાત ઉપર પ્રતિબંધ મૂકવાનું જાહેર કર્યું છે.

આને પગલે પગલે ટ્રમ્પે એવી પણ જાહેરાત કરી છે કે, ‘જો રશિયા અને યુક્રેન વચ્ચે આ મહિના (ઑગસ્ટ, 2025)ના અંત સુધીમાં સંધિ નહીં થાય અને યુદ્ધ ચાલુ રહેશે તો જે કોઈ દેશ રશિયા પાસેથી ક્રૂડ ઑઇલ ખરીદતો હશે તેની ઉપર 100 ટકા સુધી ટેરિફ નાખતાં પોતે અચકાશે નહીં.

આ ક્ષેત્રના જાણકારોનું એમ પણ કહેવું છે કે, જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઑઇલ ખરીદવાનું બંધ કરશે તો રશિયા સીપીસી પાઇપલાઇનમાં ભંગાણ પાડીને એનો જવાબ આપશે. સેવરોન અને એક્સોન જેવી અમેરિકન તેલ કંપનીઓ માટે સીપીસી પાઇનલાઇન એ મહત્ત્વનો રૂટ હોઈ જો આ પાઇપલાઇનમાં ભંગાણ પડે તો આ કંપનીઓને મુશ્કેલીઓ પડે તેમાં કોઈ બેમત નથી. આ પાઇપલાઇન દ્વારા રોજનું17 લાખ બેરલ ઑઇલ વહન કરવામાં આવે છે અને એમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો થાય તો એને કારણે ક્રૂડ ઑઇલની વૈશ્વિક સપ્લાય ચેન નેટવર્કમાં મોટી કટોકટી ઊભી થશે, જો આમ થાય તો વિશ્વબજારમાં ક્રૂડ ઑઇલના ભાવ ઊંચકાઈ જવાની શક્યતાઓ નકારી શકાય નહીં.

કેસ્પિયન પાઇપલાઇન કન્સોર્ટિયમ (CPC) એ એક કન્સોર્ટિયમની તેલ પાઇપલાઇન છે જે કઝાકિસ્તાનના ટેંગિઝ તેલ ક્ષેત્રથી કાળા સમુદ્રમાં આવેલ રશિયન બંદર નોવોરોસિયસ્ક ખાતેના નિકાસ ટર્મિનલ નોવોરોસિયસ્ક-2 મરીન ટર્મિનલ સુધી કેસ્પિયન તેલનું પરિવહન કરે છે. તે વિશ્વની સૌથી મોટી પાઇપલાઇનોમાંની એક છે અને કાશાગન અને કારાચાગનક ક્ષેત્રોમાંથી તેલ માટેનો મુખ્ય નિકાસ માર્ગ છે. CPC પાઇપલાઇન વૈશ્વિક તેલ પુરવઠાના લગભગ 1% પરિવહન કરે છે અને કઝાકિસ્તાનની લગભગ તમામ તેલ નિકાસ આ પાઇપલાઇન થકી થાય છે.

ઈ.સ. 2001થી કાર્યરત બનેલ આ પાઇપલાઇન 1500 કિ.મી. લાંબી છે અને 15 લાખ બેરલ પ્રતિદિન કરતાં વધુ ક્રૂડ ઑઇલ ટ્રાન્સફર કરે શકે છે. યુરોપ તેમજ વિશ્વના અન્ય બજારોમાં આ પુરવઠો જાય છે. સેવરોન, એક્સોન મોબીલ શેલ, લ્યૂકોઇલ જેવી કંપનીઓ આમાં ભાગીદાર છે. ૨૦૨૧માં કઝાકિસ્તાનના ૧૬ લાખ બેરલ્સ પ્રતિદિન ફ્રૂડ ઑઇલ ઉત્પાદનમાંથી 80 ટકા જેટલું આ પાઇપલાઇન દ્વારા નિકાસ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં યુક્રેનિયન ડ્રોન ઍટેકના કારણે આ પાઇપલાઇનની વહન ક્ષમતામાં 30થી 40 ટકાનો ઘટાડો થયો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે જે કાંઈ ધમકીઓ આપી છે તેનો અમલ થાય અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલના ભાવમાં મોટો વધારો થાય તો તેને કારણે રોજનું 50 લાખ બેરલ ક્રૂડ આયાત કરનાર ભારતને અત્યારે 20 લાખ બેરલનો જે પુરવઠો રશિયન ક્રૂડનો મળે છે તે બંધ થઈ જાય વત્તા તેના બદલામાં જે આયાત કરવી પડે તે મોંઘી પડે. કોઈ પણ અર્થવ્યવસ્થામાં ઊર્જા એક મહત્ત્વનું પરિબળ ગણવામાં આવ્યું છે. જો ઊર્જાની કિંમતોમાં બેફામ વધારો થાય તો સરવાળે એને કારણે વધારાનું વિદેશી હૂંડિયામણ તો જોઈએ પણ એના સિવાય પરિવહનથી માંડીને ઉત્પાદનના દરેક ક્ષેત્રે અને વપરાશી માલ-સામાનથી માંડીને ઔદ્યોગિક માલ-સામાન સુધીના દરેક માલસામાનને લગતી કિંમતોમાં વધારો થાય, જે સરવાળે મોંઘવારી અને ફુગાવાજન્ય પરિબળોને વેગ આપે.

જો આમ થાય તો ભારતીય અર્થવ્યવસ્થા માટે ચોક્કસ મુશ્કેલી થઈ શકે છે. તેનાથી મોંઘવારી અને ફુગાવાજન્ય પરિબળો વધે તેની સાથોસાથ વિદેશી હૂંડિયામણોની પુરાંતમાં ઘટાડો તેમજ નાણાંખાધ (ફિસ્કલ ડેફીસીટ)માં વધારો થાય. જો આમ થાય તો વિકાસના કામો માટે વાપરવા ધારેલા નાણાં આ બધા પરિબળો ખાઈ જાય અને તેટલા પૂરતું અર્થવ્યવસ્થામાં સ્થગિતતા આવે. આ બધી શક્યતાઓ ઘણા બધા પરિબળો ઉપર આધારિત છે એટલે ટ્રમ્પે જે શેખીખોરી કરતા ભારતીય અર્થવ્યવસ્થાને ‘ડેડ ઇકોનોમી-મૃતપ્રાયઃ અર્થવ્યવસ્થા’ કહ્યું છે, તેમાં કોઈ વજૂદ નથી.

વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ ઝડપે વધતી અર્થવ્યવસ્થા ભારતીય અર્થવ્યવસ્થા છે અને આજે ભારત પાંચમા નંબરની અર્થવ્યવસ્થા છે તે આ બધા અવરોધો નડે તો પણ 2030 સુધીમાં ચોથા અથવા ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનવાની પ્રબળ શક્યતા ધરાવે છે. આમ, ટ્રમ્પની વાત સંપૂર્ણપણે વાહિયાત છે. જૂન, 2025 ના પહેલા અઠવાડિયામાં મળેલ ભારતીય રિઝર્વ બૅન્કની મોનિટરી પૉલિસી કમિટીની ધારણાઓ મુજબ પણ નાણાકીય વર્ષ, 2025-26 દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થા 6 ટકા કરતા વધુ વાર્ષિક વૃદ્ધિદરથી વિકસશે.

હાલની અસાધારણ વૈશ્વિક પરિસ્થિતિ અને તેમાં પણ ટ્રમ્પ દ્વારા ઊભા કરવામાં આવી રહેલ ટેરિફ યુદ્ધના બખેડાઓને કારણે ઘણી બધી અનિશ્ચિતતાઓ સર્જાઈ શકે છે, એને કારણે 2025-26 ના વર્ષ માટેનો ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર પરિસ્થિતિ અનુસાર 5 .50 થી 6. 50 વચ્ચે ગમે ત્યાં સ્થિર થાય તેવી એક ધારણા મૂકી શકાય. આમ, ભારતને નીચું દેખાડવા માટે ટ્રમ્પે કરેલ વિધાન એનો ભારત દ્વેષ અથવા હતાશા બતાવે છે, એથી વિશેષ કાંઈ નથી. કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયેલે પણ આ જ વાત અને આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું સે કે ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહી છે. રશિયા આજે40 ટકા હિસ્સા સાથે ભારતનું સૌથી મોટું ક્રૂડ ઑઇલનો પુરવઠો પૂરો પાડતો દેશ છે અને એટલે એમાં ખોટકો આવે તો ચિંતાનો વિષય તો બને જ તેમાં પણ શંકા રાખવાનું કોઈ કારણ તો નથી જ.

ટૂંકમાં, યુરોપિયન દેશોના રશિયા સામેના આ પ્રતિબંધને કારણે જે સ્થિતિ ઊભી થઈ છે, તે ચોક્કસ ભારત માટે ચિંતારૂપ છે અને દેશહિત જેના હૈયે તે સૌ કોઈ આ બાબતે ચિંતિત થાય તે સ્વાભાવિક છે. અમેરિકા વિશ્વની પ્રથમ નંબરની અર્થવ્યવસ્થા છે. સ્વાભાવિક રીતે જ એનો પાયો મોટો હોય પણ 2020 થી 2024 વચ્ચેના અમેરિકન અર્થવ્યવસ્થાના વિકાસદરની માહિતી જોઈએ તો2020 માં (-2.2 ટકા), 2021માં (5.8 ટકા), 2022માં (1.9 ટકા), 2023 માં (2.5 ટકા) અને2024 માં (2.8 ટકા) રહેવા પામ્યો છે.
જો છ ટકા કરતા વધુ વૃદ્ધિદરથી વધી રહેલ ભારતીય અર્થવ્યવસ્થાને મૃત કહી શકાતી હોય તો ડોનાલ્ડ ટ્રમ્પે એની પોતાની અર્થવ્યવસ્થાના આંકડા ઉપર પણ નજ૨ નાખવી જોઈએ. તમે જ્યારે દ્વેષવૃત્તિથી પ્રેરિત થઈ કોઈ પણ મુદ્દે વિધાનો કરો છો ત્યારે એમાં તટસ્થતાનો ભોગ લેવાઈ જાય છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

બાકી રહી અમેરિકા અને પાકિસ્તાનની તેલ અને ગૅસ સંશોધનમાં ભાગીદારીની, જે બંને દેશો પોતપોતાની અનુકૂળતાએ કરી શકે એમાં ભારતને ચિત્રમાં લાવવાની કોઈ જરૂર નથી અને આંતરરાષ્ટ્રીય બજારમાં માલની ખરીદી અને વેચાણ પણ એની નિર્ધારિત પદ્ધતિ પ્રમાણે થતું હોય એ જોતાં ‘ભારત એક દિવસ પાકિસ્તાન પાસેથી ક્રૂડ ઑઇલ ખરીદતું હશે’ એવાં ટ્રમ્પનાં વિધાનો સંપૂર્ણ રીતે દ્વેષપૂર્ણ છે.

આ બધું હોવા છતાં યુનાઇટેડે નેશન્સની આતંકવાદ વિરોધી કમિટીમાં પાકિસ્તાન ઉપાધ્યક્ષ બને અને છેલ્લા એક વર્ષમાં અમેરિકાની નીતિઓ સતત પાકિસ્તાન તરફી રહે, સામે પક્ષે ચીન સાથે પણ આપણા સંબંધો કોઈ પણ રીતે મધુર કહી શકાય એવા તો છે નહીં એટલે એક વાત પ્રમાણિકતાપૂર્વક સ્વીકારવી રહી કે વિદેશનીતિના મુદ્દે ભારત ઘણું ઊણું ઉતર્યું છે, પ્રધાનમંત્રીની વારંવારની વિદેશયાત્રાઓ તેમજ એસ. જયશંકર જેવા કેરિયર ડિપ્લોમેટ આ દેશના વિદેશમંત્રી હોવા છતાં વિદેશનીતિને મોરચે આપણે સતત માર ખાતા રહીએ એ સ્થિતિ પણ ભારત માટે બહુ ખુશ થવા જેવી બાબત તો નથી જ. ભારતના વિદેશમંત્રી તેમની પાસેથી જે અપેક્ષાઓ હતી તેમાં ઘણા ઊણા ઊતર્યા છે અને એના પણ કેટલાક ઊડીને આંખે વળગે એવા કારણો છે.

Related Posts

Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી
  • December 15, 2025

Injustice to farmers: ગુજરાતમાં કચ્છ સહિત જુદાજુદા જિલ્લાઓમાં વીજ કંપનીઓની દાદાગીરી સામે આવી રહી છે અને ખેડૂતોની પોતાના માલિકીના ખેતરોમાં પરવાનગી વગર ખેતરોમાં હાઈટેન્શન વીજલાઈન નાખવાની પેરવીથી ખેડૂતો ત્રસ્ત થઈ…

Continue reading
Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!
  • December 14, 2025

Defamation claim: રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ કોર્ટમાં રૂ.૧૦૦ કરોડનો માનહાનિનો કેસ કર્યો હોવાની અહેવાલ સંદેશ,દિવ્ય ભાસ્કર વગરે અખબારોમાં છપાયા છે જેમાં કોર્ટે વિવાદિત પોસ્ટ ૪૮ કલાકમાં હટાવી લેવા આદેશ કર્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

  • December 16, 2025
  • 3 views
Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

  • December 16, 2025
  • 4 views
Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

Mexico Plane Crash: મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

  • December 16, 2025
  • 5 views
Mexico Plane Crash:  મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

  • December 16, 2025
  • 7 views
Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’

Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

  • December 16, 2025
  • 11 views
Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

  • December 15, 2025
  • 8 views
BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!