
Pulwama Attack: આજથી છ વર્ષ પહેલા, 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ, બપોરે 3 વાગ્યે, જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં એક આતંકવાદી હુમલો થયો હતો. હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી બોમ્બર આદિલ અહેમદ ડારે વિસ્ફોટકોથી ભરેલા વાહનના CRPF કાફલા સાથે અથડાવી હુમલો કર્યો હતો. આ હુમલામાં 40 સૈનિકો શહીદ થયા હતા અને ઘણા સૈનિકો ગંભી રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ ખૂબ વધી ગયો હતો. કારણ કે આ હુમલા પાછળ પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી સંગઠનનો હાથ હતો.
પુલવામા હુમલો કેવી રીતે થયો?
હુમલાના દિવસે, જમ્મુથી શ્રીનગર જનારા CRPF કાફલામાં 78 બસો હતી, જેમાં લગભગ 2,500 સૈનિકો સવાર હતા. અચાનક, પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીએ વિસ્ફોટકોથી ભરેલી કાર કાફલાની બસ સાથે અથડાવી દીધી હતી. ટક્કર થતાં જ એક જોરદાર વિસ્ફોટ થયો હતો. જેના કારણે બસના ટુકડા થઈ ગયા હતા. વિસ્ફોટનો પડઘો દૂર દૂર સુધી સંભળાયો હતો અને ધુમાડો અને કાટમાળ ચારેકોર ફેલાઈ ગયો હતો.
સૈનિકોની શહાદત અને રાષ્ટ્રીય શોક
હુમલા પછી તરત જ, ઘાયલ સૈનિકોને નજીકના આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ઘણા સૈનિકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ ઘાતકી હુમલાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો જોવા મળ્યો હતો. શહીદોના પાર્થિવ દેહને વાયુસેનાના ખાસ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને પાલમ એર બેઝ પર અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તત્કાલીન ગૃહમંત્રી રાજનાથ સિંહ, ઉચ્ચ સૈન્ય અધિકારીઓ અને અન્ય મહાનુભાવો ત્યાં હાજર હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ હુમલા પર શોક વ્યક્ત કર્યો હતો અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
ભારતે પુલવામા હુમલાનો બદલો લીધો
આ હુમલાના બરાબર 12 દિવસ પછી, ભારતે તેના બહાદુર સૈનિકોની શહાદતનો બદલો લીધો હતો. 26 ફેબ્રુઆરી 2019 ના રોજ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. સવારે લગભગ 3 વાગ્યે, ભારતીય વાયુસેનાના 12 મિરાજ 2000 ફાઇટર જેટ્સે નિયંત્રણ રેખા (LoC) પાર કરી અને જૈશના ઠેકાણાઓનો નાશ કર્યો. આ હુમલામાં લગભગ 300 આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલો હતા. ભારતીય વાયુસેનાએ લગભગ 1000 કિલોગ્રામ વિસ્ફોટકો ફેંકીને આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો હતો.
આતંકવાદીઓ સામે ભારતીય સેનાની કાર્યવાહી
હુમલાનો માસ્ટરમાઇન્ડ, આદિલ અહેમદ ડાર અને તેના સાથીદારોને સુરક્ષા દળો દ્વારા ઠાર મારવામાં આવ્યો હતો. ભારતીય સેના, NIA અને ગુપ્તચર એજન્સીઓએ હુમલાની સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી. NIA એ લગભગ 13,500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં ઘણા આતંકવાદીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટના પછી, વિશ્વના ઘણા દેશોએ ભારત પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ટેકો આપ્યો હતો.
પુલવામા હુમલાની વર્ષગાંઠ પર દેશનો સંકલ્પ
આજે આ હુમલાને છ વર્ષ થઈ ગયા છે, પરંતુ દેશ શહીદ સૈનિકોના બલિદાનને ક્યારેય ભૂલી શકશે નહીં. દર વર્ષે 14 ફેબ્રુઆરીએ સમગ્ર ભારતમાં આ બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. પુલવામા હુમલો માત્ર એક ઘટના નહોતી, પરંતુ દેશની સુરક્ષા માટે એક મોટો પડકાર હતો, જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. આ દિવસ આપણને તે બહાદુર સૈનિકોની યાદ અપાવે છે જેમણે દેશની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતુ.
આ પણ વાંચોઃ AMC Budget: અમદાવાદ મનપાનું 15,502 કરોડનું બજેટ રજૂ, વાંચો સમગ્ર વિગત
આ પણ વાંચોઃ US Deportation: આવતીકાલે અમેરિકા વધુ 119 ભારતીયોને કરશે ડિપોર્ટ, 8 ગુજરાતી
આ પણ વાંચોઃ Surat: મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારવાના મામલામાં મુખ્ય આરોપીની ધરપકડ
આ પણ વાંચોઃ Bharuch: કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના દીકરાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો