
Ram Rahim: તાજેતરમાં જ બળાત્કાર(Rape)ના ગુનામાં જેલની સજા ભોગવી રહેલા આસારામ(Asaram)ને શરતી જામીન પર છૂટો કરવામાં આવ્યો છે. ત્યારે હવે બીજો બળાત્કારી ગુરમીત રામ રહીમ(Gurmeet Ram Rahim) પણ પેરોલ પર છૂટો થઈ જેલ બહાર આવ્યો છે. સત્સંગના નામે દુષ્ટકૃત્યો આચરનારા બંને શખ્સો જેલ બહાર આવી ગયા છે.
ડેરા સચ્ચા સૌદાના મુખ ગુરમીત રામ રહીમ ફરી એકવાર પેરોલ(Parole) છૂટો થઈ જેલ બહાર આવ્યો છે. મળતી માહિતી મુજબ, હરિયાણાની રોહતક જેલ તંત્રએ મંગળવારે સવારે 5:26 વાગ્યે ગુરમીત રામ રહીમને ગુપ્ત રીતે જેલમાંથી મુક્ત કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, રામ રહીમને આ વખતે 20 દિવસની પેરોલ મળી છે. આ વખતે બાબા બાગપતના બર્નવામાં નહીં પરંતુ સિરસામાં સ્થિત કેમ્પમાં રહેશે. તે લગભગ 8 વર્ષ પછી સિરસા પહોંચ્યો છે. વર્ષ 2017 પછી, ગુરમીત રામ રહીમ 12મી વખત જેલમાંથી બહાર આવ્યો છે.
કડક સુરક્ષા વચ્ચે તેને જેલની બહાર કાઢવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, હનીપ્રીત પોતે ડેરાના બે વાહનો સાથે સિરસા ડેરા પ્રમુખ રામ રહીમને લેવા જેલ પહોંચી હતી. આ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રામ રહીમ છેલ્લા 8 વર્ષમાં પહેલી વાર સિરસામાં ડેરા મુખ્યાલય પહોંચ્યા છે.
રામ રહીમ જેલમાંથી ક્યારે ક્યારે બહાર આવ્યો?
24 ઓક્ટોબર 2020 – હોસ્પિટલમાં દાખલ તેની માતાને મળવા 1 દિવસના પેરોલ
21 મે 2021- માતાને મળવા માટે 12 કલાકના પેરોલ
7 ફેબ્રુઆરી 2022- પરિવારને મળવા માટે 21 દિવસનો ફર્લો
જૂન 2022- 30 દિવસના પેરોલ
14 ઓક્ટોબર 2022- 40 દિવસના પેરોલ પર યુપીના બાગપત આશ્રમમાં વિતાવ્યા
21 જાન્યુઆરી 2023- શાહ સતનામ સિંહની જન્મજયંતિમાં હાજરી આપવા માટે 40 દિવસના પેરોલ
20 જુલાઈ 2023- 30 દિવસના પેરોલ મળ્યા
21 નવેમ્બર 2023 – 21 દિવસની પેરોલ પર બાગપત આશ્રમ પહોંચ્યો
19 જાન્યુઆરી 2024- પેરોલ પર 50 દિવસ જેલની બહાર
13 ઓગસ્ટ 2024- 21 દિવસની પેરોલ પર બાગપત આશ્રમ પહોંચ્યો
2 ઓક્ટોબર 2024- 20 દિવસના પેરોલ પર યુપીના બર્નાવા આશ્રમ પહોંચ્યો
28 જાન્યુઆરી 2025- રામ રહીમ હવે 20 દિવસના પેરોલ પર સિરસા આશ્રમ પહોંચ્યો
વીડિયો જાહેર કરીને ભક્તોને સંદેશ
જેલમાંથી બહાર આવ્યા પછી, રામ રહીમે એક વીડિયો સંદેશ જારી કરીને કહ્યું કે ભગવાનની કૃપાથી તે પોતાના અનુયાયીઓને મળવા બહાર આવ્યો છે. આ વખતે તે સિરસા આવ્યો છે. તેમણે પોતાના સમર્થકોને સિરસા ન આવવા અપીલ કરી અને કહ્યું કે દરેક વ્યક્તિએ પોતપોતાના સ્થળોએ રહીને દર્શન કરવા જોઈએ.સેવકો જે કહે તે ચોક્કસ અનુસરો.
રામ રહીમ પહેલી વાર સિરસા ડેરા મુખ્યાલય પહોંચ્યો
2017 માં સજા સંભળાવ્યા બાદ, રામ રહીમ સિરસા ડેરામાં જઈ શક્યો નહીં. હવે તે સિરસામાં ડેરા મુખ્યાલય પહોંચી ગયો છે. રામ રહીમને 2017 થી 12 વખત પેરોલ અને ફર્લો આપવામાં આવ્યો છે. આ અંગે રાજ્ય સરકારો પર ઘણી વખત પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. હવે ફરી એકવાર તે જેલની બહાર છે.
રામ રહીમને કયા કેસમાં સજા થઈ?
ગુરમીત રામ રહીમ બે સાધ્વીઓ પર બળાત્કાર ગુજારવાના, કિડનેપ, હત્યા સહિતના કેસમાં ગુનેગાર છે. આ દરેક કેસમાં તેને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તે જ સમયે, બાબાને પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસ અને ડેરાના ભૂતપૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યા કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 25 ઓગસ્ટ, 2017 ના રોજ તેમને રોહતકની સુનારિયા જેલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સજા ફટકારવામાં આવી હતી.
આ પણ વાંચોઃ આસારામએ શરતી જામીનનો કર્યો ભંગઃ સારવાર માટે આપ્યા જામીન અને કર્યો સત્સંગ!
આ પણ વાંચોઃ KATCH: મુન્દ્રામાં ACના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ, પિતા-પુત્રીનું મોત, પત્ની ગંભીર