
Amreli: અમરેલી જિલ્લાની ધારી વિધાનસભા બેઠકમાં ગીગાસણ ગામે રૂ. 1.20 કરોડના ખર્ચે મેઈન બજારમાં નિર્માણ પામનારા સુવિધાપથના ખાતમુહૂર્તને લઈ રાજકીય ચકચાર સર્જાઈ છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપના ધારાસભ્ય જે.વી. કાકડિયા ખાતમુહૂર્ત કરે તે પહેલાં જ ગામના વડીલોના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરી દીધું, જેનાથી રાજકીય વાતાવરણ ગરમાયું છે.
ધારાસભ્ય જે.વી.કાકડિયા ખાતમુહૂર્ત કરે તે પહેલા AAP કાર્યકરોએ ખાતમુહૂર્ત કરી દીધું
મળતી માહિતી મુજબ ગીગાસણ ગામે આ સુવિધાપથનું ખાતમુહૂર્ત આપના કાર્યકરોએ આયોજનપૂર્વક કર્યું હતું, જેમાં ગામના આગેવાનો અને વડીલોને સામેલ કરવામાં આવ્યા. આ ઘટનાને આપ દ્વારા સ્થાનિક સ્તરે પોતાની હાજરી નોંધાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. જોકે, આ ઘટના બાદ ધારાસભ્ય જે.વી. કાકડિયા પણ ગામે પહોંચ્યા અને તેમણે ફરીથી ખાતમુહૂર્ત કર્યું, જેનાથી બે પક્ષો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ.
આપનો પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ
આ ઘટનાએ ધારી વિધાનસભા વિસ્તારમાં રાજકીય ગતિશીલતાને ઉજાગર કરી છે, જ્યાં ભાજપનું વર્ચસ્વ હોવા છતાં આપ પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહી છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. કેટલાકે આપના આ પગલાને ગામના વિકાસમાં સહભાગીદારીનું પગલું ગણાવ્યું, જ્યારે અન્યોએ તેને રાજકીય ચાલ તરીકે જોયું. આ ઘટના ધારીમાં આગામી રાજકીય સમીકરણોને કેવી રીતે અસર કરશે, તે જોવું રહ્યું.
આ પણ વાંચો:
Kheda: દારુ કેસમાંથી બચાવવા ખેડા LCBનો પોલીસકર્મી 25 હજારની લાંચ લેતાં ઝડપાયો, જુઓ પછી શું થયા હાલ?
Lumpy virus in Gujarat: ગુજરાતના પશુપાલકો માટે માઠાં સમાચાર, ફરી આવ્યો આ ખતરનાક વાયરસ






