
- ભગવાન બનવાની ફેક્ટરી ! કૃષ્ણને ઈષ્ટદેવ ગણાવનારાઓ હવે તેમનાથી સર્વોપરિ બની ગયા
રમેશ સવાણી; પૂર્વ આઈપીએસ: સ્વામિનારાયણ શિક્ષાપત્રીના પ્રથમ શ્લોકમાં સહજાનંદજી કહે છે કે ‘કૃષ્ણ અમારા ઈષ્ટદેવ છે.’ પરંતુ પાછળથી સહજાનંદજી પોતાના ઈષ્ટદેવથી સર્વોપરી થઈ ગયા ! એટલું જ નહીં અક્ષરધામમાં સહજાનંદજી સમક્ષ કૃષ્ણ ‘એક પગે ઊભા રહી’ સહજાનંદજીની સ્તુતિ કરતા થઈ ગયા ! આવું કેમ થયું? શિક્ષાપત્રીનો જ ઊલાળિયો કેમ કરી દીધો તે પ્રશ્ન છે. આ અંગે સ્વામિનારાયણ વડતાલ/ અમદાવાદની ગાદીના આચાર્યોએ સ્પષ્ટતા કરવી જોઈએ. અથવા આ બન્ને ગાદીઓથી વિમુખ બનેલા ફાંટાઓના પ્રગટ બ્રહ્મસ્વરુપોએ સ્પષ્ટતા કરવી જોઈએ. આવી સ્પષ્ટતાના અભાવે સ્વામિનારાયણ સંપ્રદાયની આલોચના થાય છે.
કેટલાંક હરિભક્તોને ‘છળકપટ’ પુસ્તકના કારણે બહુ માઠું લાગ્યું છે. આ પુસ્તક એટલા માટે લખ્યું છે કે ભોળા શ્રધ્ધાળુ-લોકોને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ/ પ્રગટ બ્રહ્મસ્વરુપો કૃષ્ણને નીચા દેખાડી સહજાનંદજીને સર્વોપરી ભગવાન માને છે/ મનાવે છે અને એ પ્રકારનું સાહિત્ય રચેલ છે. ધર્મના નામે અધર્મ, અસત્ય, જૂઠાણાં ચલાવનારાઓનો પર્દાફાશ કરવો પડે. સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવી સ્વાર્થ સાધનારાઓને પડકારવા પડે. માણસાઈના બદલે જન્મગત વર્ણવ્યવસ્થાના સમર્થકોનો દંભ ચીરવો પડે. શૂદ્રોએ ઉપલા ત્રણ વર્ણની સેવા કરવી તેવો ઉપદેશ લોકશાહીમાં કોઈ આપી શકે નહી.
સ્વામિનારાયણ સંપ્રદાયની અમદાવાદ ગાદીથી 1972માં, મણીનગર સ્વામિનારાયણ ગાદી અલગ થઈ. તેના મુક્તજીવનદાસ સ્વામીએ પોતાને ‘આદ્યપીઠાધિશ્વર’ ઘોષિત કર્યા ! સહજાનંદજીની માફક, મુક્તજીવનદાસ સ્વામીએ પોતાની પાષાણમૂર્તિની પૂજા શરુ કરાવી, પોતાને ભગવાન ઘોષિત કર્યા ! સ્વાભાવિક છે મૂળ સંપ્રદાયથી અલગ થાય એટલે સંસ્કાર/ સંસ્કૃતિની વાતો કરનારા વચ્ચે ઝઘડો થાય જ. વડતાલ ગાદી અને BAPSના સ્થાપક યજ્ઞપુરુષદાસ સ્વામી વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડો કોર્ટે ચડ્યો હતો. તેનો ઈતિહાસ ‘બોચાસણ બંડનો ઈતિહાસ’ પુસ્તકમાં છે જ. મુક્તજીવનદાસના હરિભક્ત હરજી રામજી અને કાનજીએ લંડનમાં, મુક્તજીવનદાસનો વિરોધ કરનારાઓને મારઝૂડ કરી હતી તેથી લંડન પોલીસે તેમને જેલમાં પૂર્યા હતા અને તેમને 2 વર્ષની સજા થઈ હતી. ‘આદ્યપીઠાધિશ્વર’ મુક્તજીવનદાસ છટકીને નાસી ગયા તેથી જેલ જતાં બચી ગયેલ.
આ પણ વાંચો-સીરિયામાં ખુની ખેલ: બે દિવસમાં 1000 લોકોના મોત; 450 લોકોને ગોળી મારીને ઉતાર્યા મોતને ઘાટ
‘ધર્મ કૌભાંડ’ પુસ્તકમાં લેખક નટવરલાલ દવે લખે છે : મુક્તજીવનદાસે, પોતાના હાથમાંથી દિવ્ય કિરણો છૂટે છે અને પાંચ ખંડોવાળી પૃથ્વીના નકશાને આશીર્વાદ આપે છે, તેવું ચિત્ર બનાવેલ હતું. એક બાજુ આશીર્વાદનો ઢોંગ બીજી બાજુ સગીર સાધુઓ/ પાર્ષદોનું શોષણ કરે છે. ગરીબી, બેકારી અને અંધશ્રદ્ધાના કારણે સગીર વયના બાળકોને લલચાવી શિષ્ય બનાવે છે. કસાઈ ખાને પશુઓની જે સ્થિતિ થાય તે સ્થિતિ સગીર શિષ્યોની થાય છે. આવા અનેક શિષ્યોએ ભાગી જઈ સંસારમાં સ્થાયી થયાં છે.
11 ફેબ્રુઆરી 1975ના રોજ, અમદાવાદના રોડ પર રાજવી ઠઠારા સાથે મુક્તજીવનદાસ સ્વામીએ સરઘસ કાઢ્યું. આ સરઘસ પર પુષ્પવર્ષા કરવા લોકોને ફૂલ અપાતાં હતાં. મુક્તજીવનદાસ સ્વામીનો પરિચય આપતી ચાર પાનાની પત્રિકા વહેંચવામાં આવતી હતી. તેમાં વિશેષણો અને વાહવાહી હતી. પોતે ‘બારત ભાસ્કર’ છે, ભગવાન છે, ‘વિશ્વધર્મ ચૂડામણિ’ છે, ‘ધર્મસમ્રાટ’ છે, ‘ધર્મધુરંધર’ છે, સહુના જીવનમાં દિવ્ય જીવનની જ્યોત જગાવી છે, દેહમોક્ષ પ્રાપ્તિની પ્રતીતિ કરાવી છે. 1957માં સુવર્ણતુલા થઈ, 1967માં પ્લેટિનમતુલા થઈ હતી !’ સર્વ પ્રથમ વિદેશમાં ભારતીય સંસ્કૃતિને પહોંચાડી. તેવો દાવો કર્યો હતો. સવાલ એ છે કે દેહમોક્ષની પ્રાપ્તિની પ્રતીતિ કરવનારને આ ઠાઠમાઠની/ પ્રપંચની જરુર કેમ પડી હશે? વિદેશમાં ભારતની સંસ્કૃતિનો ધ્વજ લહેરાવનાર તો વિવેકાનંદ હતા ત્યારે આ મુક્તજીવનદાસનો-ભગવાનનો જન્મ પણ થયો ન હતો ! સરિયામ જૂઠાણું ફેલાવવામાં આ સંપ્રદાયના બાવાઓને કોઈ ન પહોંચે ! સ્વઘોષિત ‘ભારત ભાસ્કર’/ ‘વિશ્વધર્મ ચૂડામણિ’/ ‘ધર્મસમ્રાટ’/ ‘ધર્મધુરંધર’ને કોઈ ઓળખે છે? કેવી આત્મશ્લાઘા ! કેવું છળકપટ !
પંચાયતનો સભ્ય કોઈ ગડબડ કરે તો તેના વર્તનના કારણે તેનું સભ્યપદ ગુમાવે છે. પરંતુ ધર્મમાં અયોગ્ય વ્યક્તિ કેવા ઊંચા આસને બિરાજે છે; લોકોને ધર્મના નામે પોતાના ભક્તો બનાવે છે; કેવી લાલચો અને પ્રલોભનમાંથી પાશવી લીલા અને ભયંકર અત્યાચાર ખેલાય છે; છેક ઉપરથી નીચે સુધી કેવી વ્યવસ્થા ગોઠવાઈ છે; ધર્મના બહાના નીચે બહારના દેશમાંથી દાન ઉઘરાવી તે નાણાંનો વ્યય કરે છે; મંદિરોનો ભપકાભર્યો પ્રચાર તથા ચમત્કારોની વાતો રજૂ કરી પોતાની જાતને ભગવાન તરીકે પૂજાવે છે !
સર્વોપરી ભગવાન બનવાનું પાખંડ કંઈ અટકી જવાનું નથી, કેમકે સહજાનંદજીએ જે કર્યું તેનું અનુકરણ તેમના શિષ્યો કરી રહ્યા છે. BAPSમાં સર્વોપરી ભગવાન કરતાં ચડિયાતી પ્રગટ બ્રહ્મસ્વરુપની કલ્પના ઊભી કરવામાં આવી. સ્વામિનારાયણ સંપ્રદાય એવો છે જ્યાં ભગવાન બનવાની ફેક્ટરી છે ! અહીં સર્વોપરી ભગવાન બની શકાય છે, પ્રગટ બ્રહ્મસ્વરુપ બની શકાય છે. ‘આદ્યપીઠાધિશ્વર’ બની શકાય છે. આગળ જતાં, ભવિષ્યમાં હજુ આપણને બીજા સર્વોપરી ભગવાન મળશે ! આશ્ચર્યની બાબત એ છે કે આ સર્વોપરી ભગવાન/ પ્રગટ બ્રહ્મસ્વરુપો ભલે કૃષ્ણથી ચડિયાતા હોવાનો દાવો કરતા હોય પણ તેઓ બહુ લાચાર હતા, નબળા હતા, અંગ્રેજોના ગુલામ હતા !rs [કાર્ટૂન સૌજન્ય : ‘ધર્મ કૌભાંડ’, લેખક : નટવરલાલ દવે]
આ પણ વાંચો- ભરૂચમાં દિવ્યાંગ યુવતી સાથે રેપ કરવા બનાવ્યો પ્લાન; બે નરાધમોએ ઘરમાં ઘુસીને આચર્યું દુષ્કર્મ