
આજે વર્ષ 2024ના વર્ષનો છેલ્લા દિવસ છે. ત્યારે ગઈકાલે સાંજે બોટમાં થતી દારુની થતી હેરાફેરીનો પર્દાફાશ થયો છે. બુટલેગરો દમણથી દારૂ ભરી બોટને દરિયાઈ માર્ગે ચોરવાડ ખાતે ડિલેવરી કરવા જઈ રહ્યા હતા. જોકે થર્ટી ફસ્ટની પૂર્વ સંધ્યાએ વેરાવળના દરીયામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ફિશિંગ બોટને ગીર સોમનાથ LCBએ ઝડપી પાડી હતી. દમણથી બોટમાં દારૂનો જથ્થો ભરી મૂળ દ્વારકાના બે બુટલેગરો નિકળેલા હતા.
દમણમાંથી બોટ મારફતે દારુની હેરાફેરી
થર્ટી ફસ્ટની પૂર્વ સંઘ્યાએ હોડી મારફતે દરિયાઈ માર્ગે દમણથી દરિયાઈ માર્ગે ચોરવાડ તરફ દારૂનો જથ્થો ઘૂસાડવાનો પ્રયત્ન ગીર સોમનાથ LCBએ નાકામ કર્યો છે. જેમાં વેરાવળ નજીકના દરિયામાંથી પોલીસે 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 2 ઇસમોને પકડી વધુ 10 ઇસમોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. 180ML ની દારૂની 5376 બોટલ અને 456 બિયરના ટીન, હોડી અને મોબાઈલ મળી કુલ 12.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
સંઘ પ્રદેશ દમણમાંથી એક ફિશિંગ બોટ વિદેશી દારૂનો જથ્થો ભરીને ગીર સોમનાથના દરિયામાં આવી રહી હોવા અંગે પોલીસને બાતમી મળી હતી. જેને લઇ ગઇકાલે LCB PI અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. જેથી વેરાવળના દરિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ફિશીંગ બોટ આવતાં જ ઝડપી પાડી હતી.
31 ડિસેમ્બરનો પ્લાન કર્યો નાકામ
આ મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. બોટ ઝડપાઈ જતાં 31 ડિસેમ્બરે મોટી માત્રમાં દારુ વેચાણ કરવાનો બૂટલેગરોનો કારસો નાકામ રહ્યો છે.