
દર વર્ષે 26 ડિસેમ્બર વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહ જી ના બે નાના સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું.
ત્યારે આ વીર બાળ દિવસની ઉજવણીના ભાગ રુપે અમદાવાદના થલેજમાં આવેલા ગુરુદ્વારામાં શીખ સમાજ દ્વારા અનેક આયોજનો કરાયા છે. આ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રિત કરાયા હતા. મુખ્યમંત્રીએ ખુદના હાથે શીખ સમુદાયના લોકોને લંગર પ્રસાદનું વિતરણ કર્યું હતુ. તેમની સાથે શીખ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ નિમિતે મુખ્યમંત્રીએ હ્યું કે, દેશના સ્વાભિમાન અને સ્વધર્મ રક્ષા માટે પરંપરાનું મહત્વનું યોગદાન ત્યાગ તપસ્યા અને બલિદાનથી ભરેલું છે. તેમણે ઉમેર્યું કે, વીર બાલ દિવસ દેશના યુવાનો અને બાળકોમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ પ્રેરિત કરનારો મહત્વપૂર્ણ દિવસ છે.
26 ડિસેમ્બરે વીર બાળ દિવસ કેમ ઉજવવામાં આવે છે?
વીર બાળ દિવસ દર વર્ષે 26 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. શીખ ઈતિહાસ સાથે સંબંધિત આ એક મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસને વીર બાલ દિવસ તરીકે ઉજવવાનું મુખ્ય કારણ દસમા શીખ ગુરુ ગોવિંદ સિંહજીના નાના સાહિબજાદા જોરાવર સિંહ અને પાંચ વર્ષના તેમના નાના ભાઈ બાબા ફતેહ સિંહની બહાદુરીના સન્માનના માનમાં ઉજવાઈ છે.
26 ડિસેમ્બર 1705ના રોજ જ્યારે બાબા જોરાવર સિંહ (9 વર્ષ) અને બાબા ફતેહ સિંહે (7 વર્ષ) મુગલો સામે ઝુકવાનો ઇનકાર કર્યો અને પોતાનો ધર્મ બદલ્યો ન હતો. જેથી મુગલ સેનાપતિ વઝીર ખાને બન્નેને જીવતા ચણી લીધા હતા. ધર્મની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022થી ભારતમાં 26 ડિસેમ્બરના રોજ ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. શીખ ધર્મના છેલ્લા અને દશમાં ગુરુ ગુરુ ગોવિંદ સિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બર ભારતમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. નાના સાહિબજાદાઓની બહાદુરી અને હિંમતને યાદ કરીને બાળકો અને યુવાનોને શીખવવામાં આવે છે કે નૈતિકતા અને સત્ય માટે ઊભા રહેવું એ જીવનનું સૌથી મોટું મૂલ્ય છે.