
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. પાકિસ્તાનની કોર્ટે તેમને જમીન ભ્રષ્ટાચાર કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસ તેમની અને તેમની પત્ની બુશરા બીબી વિરુદ્ધ છે. શુક્રવારે પાકિસ્તાનના રાવલપિંડી શહેરની ગેરિસન જેલમાં ચુકાદો સંભળાવવામાં આવ્યો, જેનાથી ઇમરાન ખાનની રાજકીય અને કાનૂની સ્થિતિ વધુ જટિલ બની ગઈ છે.
અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં સજા
ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ‘અલ-કાદિર ટ્રસ્ટ’ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસમાં, એવો આરોપ છે કે ઇમરાન ખાને પોતાના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને જમીન કૌભાંડ અને સરકારી મિલકતના સંપાદનમાં ગેરરિતી આચરી હતી. આ કેસમાં કોર્ટે તેને 14 વર્ષની સજા ફટકારી છે. તે જ સમયે, તેમની પત્ની બુશરા બીબીને પણ આ કેસમાં 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત બુશરા બીબીની ધરપકડ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
ઇમરાન પહેલેથી જ જેલમાં બંધ છે
નોંધનીય છે કે ઇમરાન ખાન ઓગસ્ટ 2023 થી જેલમાં બંધ છે. પાકિસ્તાનમાં અન્ય ઘણા કેસોમાં પણ તેમની સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. હાલમાં, તે રાવલપિંડીની ગેરીસન જેલમાં બંધ છે. આ ઉપરાંત, ઇમરાન ખાન પર અન્ય ઘણા આરોપો પણ છે, જેમાંથી કેટલાક ગંભીર છે અને તેમની સજાની લંબાઈ વધુ વધી શકે છે.
આ પણ વાંચોઃ અમેરિકન કોર્ટે ભારતીય મૂળના એક વ્યક્તિને 8 વર્ષની જેલની સજા ફટકારી? જાણો કારણ!