
Mansukh Vasava on MGNREGA: ગુજરાતમાં મનરેગા કૌભાંડ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યના ભરૂચ અને દાહોદ જિલ્લાઓમાં મોટા પાયે ગેરરીતિઓ સામે આવી છે. આ કૌભાંડમાં કરોડો રૂપિયાની હેરાફેરીના આરોપો લાગ્યા છે, જેમાં રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ અને એજન્સીઓની સંડોવણી હોવાનું જણાયું છે.
મનસુખ વસાવાએ ફરી મનરેગાના કામો અંગે આપ્યું નિવેદન
ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ 7.30 કરોડથી લઈને 400 કરોડ રૂપિયા સુધીની ગેરરીતિઓના આરોપ લાગ્યા છે સૌથી પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, જેમાં તેમણે ભાજપ અને કોંગ્રેસના નેતાઓની સંડોવણી હોવાનો દાવો કર્યો હતો જે બાદ કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાની 1.29 કરોડના કૌભાંડ મામલે ધરપકડ કરવામાં આવી હતી. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ આ કૌભાંડની પુષ્ટિ કરી અને ગાંધીનગરથી લઈને સ્થાનિક સ્તરે અધિકારીઓની સંડોવણી હોવાનો આરોપ કર્યો હતો ત્યારે આજે આ મામલે ફરી એક વાર સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે.
મનસુખ વસાવાએ મનરેગા યોજના પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યાં
નર્મદા જિલ્લાના દિશા સમિતિની બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ મનરેગા યોજના પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યાં છે. તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષથી નર્મદા જિલ્લામાં મનરેગા હેઠળ એક પણ કામ થયું નથી, જેના માટે જવાબદાર અધિકારીઓના ખુલાસા માંગવામાં આવે તે જરૂરી છે. સાંસદે જણાવ્યું કે, ટેન્ડર પ્રક્રિયામાં દોષ હોવા કે અન્ય કોઈ સમસ્યા કારણે નર્મદા જિલ્લાના લોકો મનરેગાના લાભથી વંચિત રહ્યા છે. નવા ટેન્ડર મંજૂર થઇ ગયા હોવા છતાં હજુ સુધી વર્ક ઓર્ડર આપવામાં આવ્યા નથી, જેના કારણે કામો અટકી પડ્યાં છે. તેમણે તાકીદ કરી કે વહેલી તકે વર્ક ઓર્ડર આપવામાં આવે અને નવા કામો શરૂ થાય. સાથે સાથે તેમણે મનરેગાના કામોમાં ગુણવત્તા જાળવવા અને તાલુકા કક્ષાએથી ખાસ દેખરેખ રાખવા પણ સૂચના આપી છે.
મનસુખ વસાવાએ વ્યક્ત કરી ચિંતા
બેઠકમાં તેમણે જિલ્લાની અન્ય વિકાસ યોજનાઓ અને કાર્યોથી સંકળાયેલા મુદ્દાઓ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. નવી એન્જિનિયરિંગ કોલેજ અને આદિવાસી બાળકો માટે હોસ્ટેલની કામગીરી સકારાત્મક અને સમયસર થવી જોઈએ એ અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી.
બેઠકમાં અધિકારીઓ હાજર ન રહેતા મનસુખ વસાવા બગડ્યા
સાંસદે દિશા સમિતિ બેઠકમાં ઘણા અધિકારીઓ હાજર ન રહ્યા હોવાની પણ ગંભીર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં ગેરહાજરી ચલાવી શકાતી નથી, અને આવા અધિકારીઓના ખુલાસા જરૂરથી લેવાં જોઈએ. બેઠકમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિત અનેક સ્થાનિક જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : ઉમેશ રોહિત