
ગુજરાત ભાજપના સંગઠનની સંરચના ચાલી રહી છે. મંડળ પ્રમુખોની નિમણૂકો બાદ જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની નિમણૂકનું કોકડું ગૂંચવાયુ છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને કેન્દ્રીય મંત્રી બનાવતા સંગઠન માટે ઓછો સમય ફાળવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી જાહેર થતાં સંગઠનની જવાબદારી વધી ગઈ છે. તેવામાં ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલની કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
ભાજપ પ્રદેશ પવક્તાએ કર્યો ખુલાસો
ભાજપના જ પ્રદેશ પવક્તા યજ્ઞેશ દવેએ સમગ્ર મામલે એક પોસ્ટ વાઈરલ કરી હતી અને સમગ્ર મામલે ખુલાસો પણ કર્યો હતો. દવે દ્વારા પોસ્ટ મૂકી ખુલાસો કર્યો હતો કે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલ કાર્યરત છે હાલ કોઈ કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ Surendranagar: ગેસ ગળતરની ઘટનામાં ચીફ ઓફિસર અને એસ.આઈ. ફરાર!
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે તેમ છતાં પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક બાકી છે. હાલના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ કેન્દ્રીય જળ શક્તિ મંત્રીની જવાબદારી હોવાથી ચૂંટણીમાં સમય ફાળવી શકે તેમ નથી. નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી બાદ થાય તેમ છે. તેથી સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી રજની પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપર વિશેષ જવાબદારી આવી ગઈ છે.
નવું માળખું અધૂરું કેમ રહ્યું?
હાલમાં નવા સંગઠનની પ્રક્રિયા ચાલી રહી છે. મંડળ પ્રમુખોની નિમણૂક બાદ જિલ્લા અને મહાનગરોના પ્રમુખની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ માટે 1300 જેટલા દાવેદારોએ ફોર્મ ભર્યા હતા. પરંતુ, કેટલાંક કારણોને લઈ નવા સંગઠનની પ્રક્રિયા ઘોંચમાં પડતાં નવું માળખું અધૂરું રહ્યુ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવા સંગઠન માળખાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પોસ્ટ વાઈરલ થતાં અભિનંદન પણ પઠવાઈ ગયા
કાર્યકારી પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે રજની પટેલની નિમણૂક કરાયાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વોટ્સએપ ગૃપોમાં કાર્યકરોએ રજની પટેલને અભિનંદન આપવાનું શરૂ કર્યુ હતુ. આ બાબતે પ્રદેશ મહામંત્રી રજની પટેલનો બેનિફિટ ન્યૂઝે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. તેઓએ જણાવ્યુ હતુ કે, કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકેની નિમણૂકની બાબત અફવા છે. ભાજપમાં કાર્યકારી પ્રમુખ જેવું કંઈ હોતુ નથી. કેટલાક મીડિયા દ્વારા ઉપજાવી કાઢેલી વાત છે. ભાજપમાં પ્રદેશ પ્રમુખની નિમણૂક રાષ્ટ્રીય કક્ષાએથી થતી હોય છે. તેથી હાલમાં આ સમાચારમાં કોઈ દમ નથી.
ભાજપના મીડિયા કન્વિનર ડૉ. યજ્ઞેશ દવેએ આ બાબતે જણાવ્યું હતું કે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલ કાર્યરત છે, હાલ કોઈ કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કે જવાબદારી અપાયેલ નથી.
આ પણ વાંચોઃ BZ કૌભાંડમાં અરવલ્લી જિલ્લાના શિક્ષકની સંડોવણી
આ પણ વાંચોઃ Surendranagar: ગેસ ગળતરની ઘટનામાં ચીફ ઓફિસર અને એસ.આઈ. ફરાર!