
- તેલંગાણા સરકારની મોટી જાહેરાત; શિક્ષણ-નોકરીમાં OBC સમાજને 42 ટકા અનામત
તેલંગાણાની કોંગ્રેસ સરકારે ઓબીસી સમાજ માટે અનામત વધારવાની મોટી જાહેરાત કરી છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું છે કે રાજ્યમાં શિક્ષણ અને રોજગાર ઓબીસીને 42 ટકા અનામત આપવામાં આવશે.
તેલંગાણાના મુખ્યમંત્રી રેડ્ડીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેરાત કરતાં લખ્યું હતું, કે ‘તેલંગાણામાં ઓબીસીની વસતિ 56.36 ટકા છે. તેથી અમે શિક્ષણ અને રોજગારમાં 42 ટકા અનામત આપવાનો સંકલ્પ લઇએ છીએ. મને ગર્વ છે કે તેલંગાણા ભારતમાં સામાજિક ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે.’
નોંધનીય છે કે અગાઉ પણ રેડ્ડીએ વિધાનસભામાં કહ્યું હતું, કે ‘કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 42 ટકા ઓબીસી અનામતનો વાયદો કર્યો હતો. સત્તા સંભાળ્યા બાદ અમારી સરકારે ઓબીસી વસતિ ગણતરી કરી. અગાઉની સરકારે ઓબીસી અનામત 37 ટકા અનામત કરવાનો પ્રસ્તાવ રાજ્યપાલને પાઠવ્યો હતો. એ અમે પરત લઈશું અને 42 ટકા ઓબીસી અનામતનો નવો પ્રસ્તાવ પાઠવીશું. મારી તમામ પક્ષના નેતાઓને અપીલ છે કે આ મુદ્દે વડાપ્રધાન સાથે મુલાકાત કરો. ઓબીસી અનામત માટે અમે કાયદાકીય સલાહ પણ લઈ રહ્યા છીએ. જ્યાં સુધી 42 ટકા અનામત મળી નહીં જાય, અમે શાંત નહીં બેસીએ.’
નોંધનીય છે કે અત્યારે તેલંગાણામાં OBC વર્ગને 23 ટકા અનામત આપવામાં આવે છે. જો 42 ટકા અનામત આપવામાં આવે તો SC-ST અને OBC કુલ મળીને અનામતની સીમા વધીને 62 ટકા થઈ જાય. જ્યારે સુપ્રીમ કોર્ટે 50 ટકા સુધી જ અનામત રાખવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો- અમદાવાદ: પાલડીમાં ATS-DRIના સંયુક્ત દરોડામાં ઝડપાયું 90 કિલો સોનું- કરોડોની કેશ






