
- ચેમ્પિયન ટ્રોફીમાં ભારત સામે મળેલી હાર પછી ન્યૂઝીલેન્ડનું મીડિયા શું કહી રહ્યુ છે?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ભારત સામે હાર્યા બાદ ન્યુઝીલેન્ડની ટીમ પોતાના વતનમાં વાપસી કરી ચૂકી છે, પરંતુ હવે ત્યાંના મીડિયામાં તેના વિશે ઘણી ચર્ચા થઈ રહી છે.
ન્યુઝીલેન્ડના અગ્રણી અખબાર, ધ ન્યુઝીલેન્ડ હેરાલ્ડે તેના અહેવાલમાં લખ્યું છે કે, “1.438 અબજની વસ્તી અને ક્રિકેટ માટે ક્રેઝી ફેન ફોલોઇંગ ધરાવતા ભારતે મુંબઈ કરતા ઓછી વસ્તી ધરાવતા દેશ ન્યુઝીલેન્ડને હરાવ્યું.”
ભારતના વિજયના કારણો જણાવતા ન્યુઝીલેન્ડ હેરાલ્ડે લખ્યું, “આ વિજયમાં ભારતની સ્પિન બોલિંગે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ટુર્નામેન્ટમાં ભારતની ટીમ શ્રેષ્ઠ હતી, પરંતુ અન્ય પણ ઘણી બધી બાબતો તેના પક્ષમાં પણ ગઈ હતી. પાકિસ્તાન યજમાન હતું પણ ભારતે ત્યાં રમવાનો ઇનકાર કર્યો. આવી સ્થિતિમાં ભારતે પાંચેય મેચ ફક્ત દુબઈમાં જ રમી હતી. ભારતીય ટીમ દુબઈના મેદાનોથી ટેવાઈ ગઈ હતી અને મુસાફરીથી પણ પોતાને બચાવી લીધી હતી. જ્યારે તમને પહેલાથી જ ખબર હોય કે મેચ ક્યાં યોજાવાની છે, તો તમારા માટે તે મુજબ 15 ખેલાડીઓની ટીમ બનાવવી સરળ છે.
ન્યૂઝીલેન્ડ હેરાલ્ડે લખ્યું, “રવિવારે ફાઇનલમાં 11 ભારતીય ખેલાડીઓમાં કુલ છ બોલર હતા, જેમાં ચાર સ્પિનરનો સમાવેશ થાય છે. ભારત માટે 50 માંથી 38 ઓવર તેના સ્પિનરો દ્વારા ફેંકાઈ હતી. બીજી બાજુ ન્યુઝીલેન્ડ પાસે બે સ્પિનર હતા. એક સેન્ટનર અને બીજો મિશેલ બાર્સવેલ. જોકે ગ્લેન ફિલિપ્સ અને રચિન રવિન્દ્ર પણ ત્યાં હતા, તેઓ રેગ્યુલર સ્પિનરો નથી. ઉદાહરણ તરીકે ભારતના ચોથા સ્પિનર રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ મેચોમાં 300થી વધુ વિકેટ અને ODI મેચોમાં 200 થી વધુ વિકેટ લીધી છે. બીજી તરફ ન્યુઝીલેન્ડના ચોથા સ્પિનર ફિલિપ્સે વિકેટકીપર તરીકે પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી.
ભારતના દબદબાની ચર્ચા
ન્યૂઝીલેન્ડ હેરાલ્ડે લખ્યું છે કે બધું જ ભારતના પક્ષમાં અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હતું, છતાં ન્યૂઝીલેન્ડની ટીમે સરળતાથી હાર સ્વીકારી નહતી.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે કહ્યું, “મને મારી ટીમ પર ગર્વ છે. આવી ટુર્નામેન્ટમાં હંમેશા કેટલાક પડકારો હોય છે અને તમે તેમાંથી અલગ અલગ વસ્તુઓ શીખી શકો છો. હું કંઈપણ વિશે ફરિયાદ કરી શકતો નથી. અમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન વિરોધી ટીમને સંપૂર્ણ તાકાતથી પડકાર આપ્યો છે.”
રેડિયો ન્યુઝીલેન્ડે તેની વેબસાઇટ પર લખ્યું, “ભૌગોલિક રાજકીય વાસ્તવિકતાઓ, ઉદાસીનતા અને યજમાન દેશ પાકિસ્તાનમાં સામાન્ય ક્રિકેટના કારણે ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ ICC દ્વારા નક્કી કરાયેલી યોજના મુજબ ચાલી શકી નથી.” વન ડે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ ચેમ્પિયન ટ્રોફી ICC માટે ભંડોળ એકત્ર કરવાનું એક માધ્યમ બની ગયું હતું, પરંતુ T-20 ની અપાર સફળતા વચ્ચે વન ડેની સુસંગતતા પર પ્રશ્નાર્થ ચિહ્ન હજુ પણ એ જ છે.
રેડિયો ન્યુઝીલેન્ડે લખ્યું, “કોઈપણ ટુર્નામેન્ટની સફળતામાં ભારત એક નાણાકિય એન્જિન જેવું છે અને 1996 પછી જ્યારે પાકિસ્તાનને કોઈપણ ICC ટુર્નામેન્ટના હોસ્ટિંગ અધિકારો આપવામાં આવ્યા ત્યારે ભારતની ભાગીદારી અંગે શંકાનું વાતાવરણ હતું.”
રેડિયો ન્યુઝીલેન્ડે લખ્યું, “ભારત પાકિસ્તાનમાં ન રમવાની તેની નીતિ પર અડગ રહ્યું કારણ કે બંને દેશો વચ્ચેનો રાજકીય તણાવ હજુ પણ સમાપ્ત થયો નથી. બંને દેશો ફક્ત ICC ટુર્નામેન્ટમાં જ એકબીજા સાથે રમે છે અને તે પણ હવે ત્રીજા દેશમાં.
એવોર્ડ વિજેતા ક્રિકેટ લેખક નિકોલસ બ્રુક્સે કહ્યું છે કે મને ભારતીય ક્રિકેટરો માટે દુ:ખ થાય છે. મારા મતે ભારતીય ટીમ ઉત્તમ છે અને કોઈપણ પરિસ્થિતિમાં આગળ રહેવાની ક્ષમતા ધરાવે છે. આ ટુર્નામેન્ટમાં તેની જીત તેની ક્ષમતા પર આધારિત છે પરંતુ બીજી વાતો પણ થઈ રહી છે કે તેને તે જ જગ્યાએ રમવાનો ફાયદો મળ્યો.
ભારતની ટીકા અને પ્રશંસા એકસાથે
ન્યૂઝીલેન્ડની ન્યૂઝ વેબસાઈટ ‘સ્ટફ’ લખે છે કે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની જીત વધુ ખાસ બની જાય છે, કારણ કે જસપ્રિત બુમરાહ ફિટનેસના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર હતા અને વિરાટ કોહલી બીજી જ બોલ પર આઉટ થઈ ગયા હતા.
સ્ટફ લખે છે, “છેલ્લા બે વર્ષમાં ભારતે ત્રણ ICC ટૂર્નામેન્ટમાં 24માંથી 23 મેચ જીતી છે. તેમાં 2023 નું ODI વર્લ્ડ કપ 2022 નું T-20 વર્લ્ડ કપ અને હવે ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ થાય છે. પરંતુ આ ચેમ્પિયન્સ ટ્રોફી અંગે એવું કહેવાય છે કે જે ફાયદો યજમાન દેશને મળવો જોઈએ, તે ભારતને મળ્યો. કોઈપણ ટૂર્નામેન્ટમાં યજમાન દેશને હોમ એડવાન્ટેજ મળે છે. છેલ્લા ચાર ODI વર્લ્ડ કપમાંથી ત્રણમાં યજમાન ટીમે જીત મેળવી છે. મોટાભાગની ટૂર્નામેન્ટમાં ગૈર-યજમાન દેશને એટલો ફાયદો મળતો નથી, જેટલો ભારતને આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં મળ્યો.”
સ્ટફે લખ્યું છે કે, “2021માં પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની આપવાની જાહેરાત કરવામાં આવી હતી, અને ICC એ તમામ 15 મેચ પાકિસ્તાનમાં યોજાવા માટે ફાળવી હતી. તે સમયે ભારત માટે કોઈ અન્ય દેશમાં મેચ રમવાનો કોઈ વિકલ્પ ન હતો. 2008ના મુંબઈ આતંકી હુમલાઓ બાદ ભારત પોતાની ટીમને પાકિસ્તાનમાં રમવાની મંજૂરી આપતું નથી. તેથી ICCએ ભારત માટે તમામ મેચો દુબઈમાં આયોજિત કરી, જ્યારે બાકીના સાત દેશોના તમામ મેચો પાકિસ્તાનમાં યોજવામાં આવી.”
“ફાઈનલ મેચ પહેલા મોહમ્મદ શમી એ કહ્યું હતું કે, ‘અમે પિચની સ્થિતિથી સારી રીતે પરિચિત છીએ, એટલે અમને ચોક્કસ ફાયદો મળી રહ્યો છે.’ ન્યૂઝીલેન્ડે પોતાના બધા જ મેચ પાકિસ્તાનના ત્રણ અલગ-અલગ શહેરોમાં રમી, જ્યારે ભારતે તમામ મેચ માત્ર દુબઈમાં જ રમી.”
ન્યૂઝીલેન્ડની ન્યૂઝ વેબસાઇટ ધ પોસ્ટે લખ્યું છે કે 25 વર્ષ પહેલા કેન્યાના નૈરોબીમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને ચાર વિકેટથી હરાવ્યું હતું. ત્યારથી ન્યુઝીલેન્ડને સફેદ બોલની ફાઇનલમાં સતત પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે. જે દિવસથી ભારતે પોતાની ટીમ પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કર્યો, ત્યારથી અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થવા લાગ્યા હતા. ભારતની ટીમ પહેલાથી જ મજબૂત છે. આ સિવાય ઘણી બધી બાબતો તેના પક્ષમાં આવી હતી.
વેબસાઇટે આગળ લખ્યું, “ICC એ બાકીની ટીમોને કહ્યું કે કાં તો પાકિસ્તાનની બહાર રમવા માટે સંમત થાય અથવા નાણાકીય નુકસાનનો સામનો કરે. ભારતીય ટીમે દુબઈમાં કેમ્પ કર્યો અને હોમ પીચની જેમ મદદ મળી. બીજી તરફ ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાનથી દુબઈ આવતી-જતી રહી.”
પોસ્ટમાં લખ્યું છે કે, “ભારતને જે સુવિધાઓ મળી છે તે કોઈપણ વૈશ્વિક રમતમાં કોઈપણ દેશને ઉપલબ્ધ નથી, ભલે ભારત સફેદ બોલ ક્રિકેટમાં પ્રભુત્વ ધરાવે છે.” આમ છતાં ન્યુઝીલેન્ડ પાસે ફાઇનલ જીતવાની તક હતી, પરંતુ આ પહેલી વાર નથી જ્યારે ન્યુઝીલેન્ડ કોઈ મોટી મેચ ચૂકી ગયું હોય.
પોસ્ટે યાદ અપાવ્યું કે જ્યારે ન્યુઝીલેન્ડે 2000 માં કેન્યામાં ભારતને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, ત્યારે પણ ફાઇનલમાં મેચ તેમના હાથમાંથી સરકી રહી હોય તેવું લાગતું હતું. પરંતુ તે સમયે ક્રિસ કેર્ન્સે 102 રનની ઇનિંગ રમી હતી. આ વખતે પણ આવી જ ઇનિંગ્સની જરૂર હતી.