
Rahul Gandhi Israel Statement: ઇઝરાયેલ સાથે મજબૂત વ્યૂહાત્મક સંબંધો જાળવવા અને ભારતીય સશસ્ત્ર દળો માટે ત્યાંથી હથિયારો ખરીદવાના સમર્થનમાં રાહુલ ગાંધીના નિવેદનથી કોંગ્રેસ અને તેના ડાબેરી રાજકીય સાથી પક્ષો વચ્ચે નવો વિવાદ ઊભો થયો છે. શિકાગો યુનિવર્સિટીમાં એક ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતની વિદેશ નીતિ દેશના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને નક્કી થવી જોઈએ. જોકે, તેમના આ નિવેદન સામે CPMના નેતા પિનરાઈ વિજયન અને CPI (ML) લિબરેશનના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્યએ વાંધો ઉઠાવ્યો છે.
આ વિવાદનું મુખ્ય કારણ એ છે કે કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓ અગાઉ ગાઝામાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહી સામે આકરું વલણ અપનાવી ચૂક્યા છે. બીજી તરફ, રાહુલ ગાંધીએ ઇઝરાયેલ સાથે વ્યૂહાત્મક સંબંધો જાળવવાની વાત કરતાં ગાઝામાં નિર્દોષ નાગરિકોની હત્યાની પણ નિંદા કરી છે. તેમના મતે, ભારતના સુરક્ષા હિતો અને ગાઝામાં ચાલી રહેલી હિંસાનો વિરોધ, બંને બાબતોને અલગ રીતે જોવી જોઈએ.
India’s foreign policy must be guided by what is good for India.
I support a strong relationship with Israel. We have strategic interests, including buying the best weapons for our armed forces. But that cannot mean silence on Gaza.
I condemn the October 7th attacks and the killing of innocent people. I also condemn what Israel has done in Gaza. One wrong cannot justify another.
We are a nation of 1.5 billion people. No country – Israel, USA, Russia or China – should hold us back from playing our rightful role on the global stage.
India must stand for what it believes in.
— Rahul Gandhi (@RahulGandhi) November 19, 2026
રાહુલ ગાંધીએ ઇઝરાયેલ સાથે મજબૂત સંબંધોની વકીલાત કરી
રાહુલ ગાંધીએ શિકાગો યુનિવર્સિટીમાં પ્રોફેસર રોબર્ટ પેપ સાથેની ચર્ચા દરમિયાન ભારતની વિદેશ નીતિ અને ઇઝરાયેલ સાથેના સંબંધો અંગે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતે કોઈ અન્ય દેશના દૃષ્ટિકોણને બદલે પોતાના હિતોને ધ્યાનમાં રાખીને વિદેશ નીતિ નક્કી કરવી જોઈએ.
રાહુલ ગાંધીએ ઇઝરાયેલ સાથે મજબૂત સંબંધોનું સમર્થન કરતાં કહ્યું હતું કે ભારતના પોતાના વ્યૂહાત્મક હિતો છે અને દેશના સશસ્ત્ર દળોને શ્રેષ્ઠ હથિયારો ઉપલબ્ધ કરાવવા જોઈએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘ભારતની વિદેશ નીતિ એ વાતથી નક્કી થવી જોઈએ કે ભારત માટે શું સારું છે. હું ઇઝરાયેલ સાથે મજબૂત સંબંધોનું સમર્થન કરું છું. આપણા વ્યૂહાત્મક હિતો છે, જેમાં આપણા સશસ્ત્ર દળો માટે શ્રેષ્ઠ હથિયારો ખરીદવાનો પણ સમાવેશ થાય છે.’
જોકે, તેમણે ઇઝરાયેલ સાથે સંબંધો મજબૂત રાખવાના સમર્થનનો અર્થ ગાઝાની સ્થિતિને અવગણવો એવો નથી તેવું પણ સ્પષ્ટ કર્યું હતું. રાહુલ ગાંધીએ 7 ઑક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા અને તેમાં નિર્દોષ લોકોની હત્યાની નિંદા કરી હતી. સાથે જ ગાઝામાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીને પણ ખોટી ગણાવી હતી. તેમનું કહેવું હતું કે એક પક્ષની ભૂલ બીજા પક્ષની કાર્યવાહીનું સમર્થન બની શકે નહીં.
રાહુલ ગાંધીએ ભારતની વૈશ્વિક ભૂમિકા પર ભાર મૂકતાં કહ્યું હતું કે 1.5 અબજની વસ્તી ધરાવતા ભારતે દુનિયામાં પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. ઇઝરાયેલ, અમેરિકા, રશિયા કે ચીન જેવા કોઈપણ દેશે ભારતને તેની ભૂમિકા ભજવતાં રોકવું જોઈએ નહીં.
Rahul Gandhi’s remarks at the University of Chicago expose the Congress party’s glaring hypocrisy on Palestine. At a time when Gaza is witnessing one of the most devastating genocides of our time, with thousands of innocent children among its victims, he openly advocates stronger ties with Israel and arms purchases from a state responsible for their slaughter.
His attempt to strike a diplomatic balancing act in the face of this catastrophe is indefensible. His pro-imperialist position also undermines the legacy of Nehru, whose foreign policy stood firmly against imperialism and in solidarity with the Palestinian struggle. There can be no balancing act when humanity is on trial.
— Pinarayi Vijayan (@pinarayivijayan) November 21, 2026
પિનરાઈ વિજયને કોંગ્રેસના બેવડા વલણનો મુદ્દો ઉઠાવ્યો
રાહુલ ગાંધીના નિવેદન સામે CPMના નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે રાહુલ ગાંધીની ટિપ્પણી પેલેસ્ટાઇનના મુદ્દે કોંગ્રેસના બેવડા અભિગમને ઉજાગર કરે છે.
વિજયનના મતે, ઇઝરાયેલ સાથે મજબૂત સંબંધો જાળવવા અને તેની પાસેથી હથિયારો ખરીદવાનું સમર્થન કરવું સામ્રાજ્યવાદ તરફી વલણ છે. તેમણે આ અભિગમને જવાહરલાલ નેહરુની વિદેશ નીતિના વારસાથી વિપરીત ગણાવ્યો હતો.
વિજયને કહ્યું હતું કે નેહરુની વિદેશ નીતિ સામ્રાજ્યવાદનો વિરોધ કરવા અને પેલેસ્ટાઇનના સંઘર્ષ સાથે એકતા દર્શાવવા પર આધારિત હતી. ગાઝામાં બાળકો સહિત મોટી સંખ્યામાં નિર્દોષ લોકોનાં મોત થઈ રહ્યાં હોય ત્યારે ઇઝરાયેલ સાથેના સંબંધો મજબૂત કરવાની વાત કરવી યોગ્ય નથી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે માનવતાનો પ્રશ્ન ઊભો થાય ત્યારે સંતુલન જાળવવાના નામે મૌન રહી શકાય નહીં.
દીપાંકર ભટ્ટાચાર્યની ઇઝરાયેલ સાથે સંબંધો તોડવાની માગ
CPI (ML) લિબરેશનના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્યએ પણ રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કર્યો હતો. તેમણે ઇઝરાયેલને નરસંહારના આરોપોનો સામનો કરી રહેલી શાસનવ્યવસ્થા ગણાવી હતી અને આવી સ્થિતિમાં તેની સાથે વ્યૂહાત્મક સંબંધો જાળવવા સામે સવાલો ઉઠાવ્યા હતા.
ભટ્ટાચાર્યએ નાઝી જર્મની અને દક્ષિણ આફ્રિકાની રંગભેદની વ્યવસ્થાનાં ઉદાહરણ આપીને કહ્યું હતું કે જે રીતે આવી વ્યવસ્થાઓ સાથે સામાન્ય અથવા વ્યૂહાત્મક સંબંધો રાખવા યોગ્ય નહોતા, તેવી જ રીતે ગાઝામાં નરસંહારના આરોપો અને પેલેસ્ટાઇન પરના કબજાની સ્થિતિ વચ્ચે ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય રાખવા જોઈએ નહીં.
તેમણે ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંરક્ષણ તથા વેપારી સંબંધો, અદાણી ગ્રુપના નેતૃત્વ હેઠળ વધતા વ્યાપારી સહયોગ અને ઇઝરાયેલી દેખરેખ ટેક્નોલોજીના ઉપયોગ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. ભટ્ટાચાર્યના જણાવ્યા મુજબ, આ સંબંધો ભારતની આંતરરાષ્ટ્રીય છબી, વિદેશ નીતિની વિશ્વસનીયતા અને દેશની લોકશાહી વ્યવસ્થા પર અસર કરી શકે છે. તેમણે ભારતને ઇઝરાયેલ સાથેના વ્યૂહાત્મક સંબંધો ઝડપથી સમાપ્ત કરવાની માગ કરી હતી.
સોનિયા અને પ્રિયંકા ગાંધી પણ ઇઝરાયેલની કાર્યવાહીનો વિરોધ કરી ચૂક્યાં છે
રાહુલ ગાંધીના નિવેદન બાદ કોંગ્રેસના અન્ય નેતાઓનાં અગાઉનાં નિવેદનો પણ ચર્ચામાં આવ્યાં છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જૂનમાં લખેલા એક લેખમાં ગાઝામાં ઇઝરાયેલની કાર્યવાહી, પેલેસ્ટાઇનનાં પરિવારોનું વિસ્થાપન અને પશ્ચિમ કાંઠા પરના કબજા સામે વૈશ્વિક સ્તરે વધી રહેલા વિરોધનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે ભારત સરકારના વલણ પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે આ મુદ્દે સરકારનું મૌન નૈતિક અને તાર્કિક રીતે સમજની બહાર છે.
કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીની અનેક વખત ટીકા કરી છે. ઑગસ્ટ 2025માં તેમણે ઇઝરાયેલ સરકાર પર નરસંહારનો આરોપ લગાવ્યો હતો અને આ મુદ્દે ભારત સરકારના મૌનને શરમજનક ગણાવ્યું હતું. તેઓ પેલેસ્ટાઇનના સમર્થનમાં સંદેશ આપતી બેગ લઈને સંસદમાં પણ પહોંચ્યાં હતાં.
હમાસના હુમલાની નિંદા મુદ્દે પણ કોંગ્રેસમાં મતભેદ હતા
7 ઑક્ટોબર 2023ના રોજ હમાસના હુમલા બાદ કોંગ્રેસની અંદર પણ આ મુદ્દે મતભેદ સામે આવ્યા હતા. કાર્યસમિતિની બેઠકમાં શશિ થરૂરે હમાસનું નામ લઈને હુમલાની સ્પષ્ટ નિંદા કરવાની અને તેને આતંકવાદી કાર્યવાહી ગણાવવાની માગ કરી હતી. જોકે, તે સમયે પાર્ટીના ઠરાવમાં હમાસનું નામ લેવામાં આવ્યું નહોતું.
બાદમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હમાસના હુમલાની નિંદા કરી હતી. સાથે જ ગાઝામાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહી, ઘેરાબંધી અને બોમ્બમારાને પણ અસ્વીકાર્ય ગણાવ્યાં હતાં. કોંગ્રેસે સંયુક્ત રાષ્ટ્રમાં ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ અને માનવીય સહાય પહોંચાડવાના પ્રસ્તાવ પર ભારત સરકારના મતદાનથી દૂર રહેવાના નિર્ણયની પણ ટીકા કરી હતી.
મોદી સરકારની વિદેશ નીતિ સાથે રાહુલના નિવેદનની સરખામણી
ઇઝરાયેલ સાથે મજબૂત વ્યૂહાત્મક સંબંધો જાળવવા અંગે રાહુલ ગાંધીનું નિવેદન મોદી સરકારની વિદેશ નીતિની નજીક હોવાનું માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ભારત અને ઇઝરાયેલ વચ્ચે સંરક્ષણ, હથિયારો અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં સહયોગ વધ્યો છે. જોકે, ભારતે આરબ દેશો સાથેના સંબંધો મજબૂત રાખવાની સાથે પેલેસ્ટાઇનના મુદ્દે પોતાના પરંપરાગત સમર્થનનો પણ ઉલ્લેખ કર્યો છે.
રાહુલ ગાંધીએ પણ પોતાના નિવેદનમાં ભારતના રાષ્ટ્રીય હિતો અને ગાઝામાં માનવીય સંકટ અંગેના વિરોધને અલગ રાખવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ CPM અને CPI (ML) જેવા ડાબેરી પક્ષોનું માનવું છે કે નરસંહારના ગંભીર આરોપો વચ્ચે ઇઝરાયેલ સાથે વ્યૂહાત્મક સંબંધો જાળવવાનું સમર્થન કરી શકાય નહીં.
આ સમગ્ર વિવાદથી કોંગ્રેસ અને તેના ડાબેરી સાથી પક્ષો વચ્ચે વિદેશ નીતિ તથા પેલેસ્ટાઇનના મુદ્દે રહેલા મતભેદો ફરી સામે આવ્યા છે. એક તરફ રાહુલ ગાંધી ભારતની સુરક્ષા અને વ્યૂહાત્મક જરૂરિયાતોને પ્રાથમિકતા આપવાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ ડાબેરી નેતાઓ ઇઝરાયેલની કાર્યવાહી સામે વધુ સ્પષ્ટ વલણ અપનાવવાની માગ કરી રહ્યા છે.







