
Ahmedabad Auto Rickshaw Driver Strike:અમદાવાદમાં ઓટો રિક્ષા ચાલકોની હડતાળને કારણે શહેરમાં નોંધપાત્ર અસર જોવા મળી છે, જેનું મુખ્ય કારણ પોલીસની કથિત એકતરફી કાર્યવાહી અને હેરાનગતિ સામેનો વિરોધ છે. રિક્ષા ચાલકોના આંદોલનને પગલે શહેરના રસ્તાઓ પરથી રિક્ષાઓ ખૂબ જ ઓછી જોવા મળી, જેના કારણે સામાન્ય નાગરિકોને મુસાફરીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા તેમની સામે ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે આ મામલે રાજવીર ઉપાધ્યાય જેઓ ગુજરાત રિક્ષા ચાલક રોજગાર બચાવો આંદોલનના પ્રવક્તા છે તેઓએ રિક્ષા ડ્રાઈવરોની શું માંગણી છે કેમ રિક્ષા ડ્રાઈવરોને હડતાલ પર ઉતરવું પડ્યું તે મામલે વાતચીત કરી હતી.
રિક્ષા યુનિયનોની હડતાળ
અમદાવાદમાં 9 રિક્ષા યુનિયનોએ 22 જુલાઈ, 2025ની રાત્રે 12 વાગ્યાથી હડતાળની જાહેરાત કરી હતી, જેના કારણે લગભગ 2 લાખ રિક્ષાઓનું સંચાલન થંભી થયું છે જોકે, સ્કૂલ વિદ્યાર્થીઓ અને હોસ્પિટલના દર્દીઓ માટે રિક્ષાઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે, કેટલાક ચાલકો હડતાળમાં જોડાયા નથી, કારણ કે તેઓ મોંઘવારીમાં આવક ગુમાવવા માંગતા નથી.
પોલીસ દ્વારા હેરાનગતિના આક્ષેપ
અમદાવાદના ઓટો રિક્ષા યુનિયનોનો મુખ્ય આક્ષેપ છે કે ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. ખાસ કરીને, નાના ઉલ્લંઘનો માટે મેમો આપવાને બદલે રિક્ષાઓ જપ્ત કરવામાં આવે છે, જે ચાલકોની આજીવિકાને અસર કરે છે.

ગેરકાયદે એગ્રીગેટર સેવાઓ
યુનિયનોનો આરોપ છે કે સફેદ નંબર પ્લેટવાળા ટુ-વ્હીલર અને અન્ય વાહનો ગેરકાયદે એગ્રીગેટર દ્વારા પેસેન્જર સેવાઓ પૂરી પાડે છે, જે રિક્ષા ચાલકોના ધંધાને નુકસાન પહોંચાડે છે.
આર્થિક દબાણ
ચાલકોનું કહેવું છે કે વધતી મોંઘવારી અને ઇંધણના ભાવોને કારણે તેમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે, અને પોલીસની કડક કાર્યવાહીથી તેમની આવક પર વધુ અસર થાય છે.
માંગણીઓ
પોલીસ હેરાનગતિ બંધ કરવી
યુનિયનો માંગે છે કે ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષા ચાલકોની બિનજરૂરી હેરાનગતિ અને વાહન જપ્તી બંધ થાય. તેના બદલે નાના ઉલ્લંઘનો માટે મેમો આપવાની નીતિ અપનાવવામાં આવે.
ગેરકાયદે સેવાઓ પર પ્રતિબંધ
ગેરકાયદે એગ્રીગેટર ટુ-વ્હીલર સેવાઓ (જેમ કે ખાનગી બાઇક-ટેક્સી) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો, જેથી રિક્ષા ચાલકોના ધંધાને રક્ષણ મળે.
ભાડા મીટરની નીતિમાં સુધારો
ભાડા મીટરના નિયમોમાં સ્પષ્ટતા અને ચાલકોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાડામાં વધારો કરવાની માંગ પણ ચર્ચામાં છે.
સરકારી સહાય અને રાહત
ચાલકો મોંઘવારી અને ઇંધણના ખર્ચને સરભર કરવા માટે સરકારી સહાય અથવા નીતિગત રાહતની માંગ કરે છે, જેમ કે ઇલેક્ટ્રિક રિક્ષા માટે સબસિડી અથવા ટેક્સમાં રાહત.
આ પણ વાંચો:










