
અમદાવાદમાં નજીવી બાબતે એક શખ્સે વાળંદનો જીવ લીધો છે. વટવામાં આવેલા હેર સલૂનમાં વાળ કાપી આપ્યા બાદ પૈસા માગતાં વાળંદની હત્યા કરી નાખવામાં આવી છે. જેથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલ આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના વટવામાં વસીમભાઈ નામના યુવક કલાપી હેર સલૂન ધરાવતાં હતા. ત્યારે ગઈકાલે વસીમભાઈના સલૂનમાં મોહિદખાન પઠાણ નામનો શખ્સ આવ્યો હતો. ત્યાર બાદ તેને વાળ કપાવ્યા હતા. જોકે મોહિદ નામના શખ્સે વાળ કપાવ્યા બાદ વાળંદને પૈસા આપ્યા ન હતા. જેથી બંન્ને વચ્ચે રકઝક થઈ હતી. આ રકઝક મોટી થતાં વાળ કપાવવા આવેલા શખ્સે વસીમને ઉપરાછાપરી છરીના ઘા મારી દીધા હતા.
સારવાર દરમિયાન દમ તોડ્યો
જેમાં ગંભીર ઈજાગ્રસ્ત પામેલા વસીમને તાત્કાલિક મણિનગરની LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતુ. આ મામલે વટવા પોલીસે આરોપી વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.








