
દિલીપ પટેલ
અમદાવાદ, 1 મે 2025
Ahmedabad Demolition: અમદાવાદમાં દક્ષિણ વિભાગના દાણીલીમડામાં ચંડોળા તળાવ બાંગ્લાદેશીની વસાહત માટે 40 વર્ષથી કુખ્યાત હતો. 1 કરોડ 20 લાખ ચોરસ મીટર એટલે કે 1200 હેક્ટરના તળાવ છે. 40 વર્ષમાં તળાવ કાંઠે અને તળાવને પૂરીને 1.4 લાખ ચોરસ મીટરમાં દબાણ થયું હતું. બાંધકામો ભાજપની 35 વર્ષની સરકાર અને અમદાવાદની ભાજપની 40 વર્ષની સરકારમાં બન્યા હતા.
1200 હેક્ટર જમીન પર ચંડોળા છે. ચંડોળા તળાવ વિસ્તારમાં પશ્ચિમ બંગાળથી આવીને વસેલા મુસ્લિમો વર્ષોથી રહે છે. 1985થી કેટલાક બાંગ્લાદેશી મુસલમાનો રહેતાં હતા. પણ લાલ્લા આવ્યા પછી તે સંખ્યા વધવા લાગી હતી. ચંડોળા તળાવ 2010 પહેલાંથી અહીં બાંગલાદેશી રહેતાં આવ્યા હતા. 2010થી 2025 સુધીમાં 14 વર્ષમાં ચંડોળા તળાવ ગુનાખોરીનો અડ્ડો બની ગયું હતું.
ઓપરેશન ચંડોળા
બે દિવસમાં દોઢ લાખ ચોરસ મીટર જમીન જ ખુલ્લી કરી શકાઈ હતી. તળાવના બંગાળી વાસ સિવાયના વિસ્તારો તોડાયા હતા. ઢોરવાડા સહિતના પાકા બાંધકામો તોડાયા હતા. બે દિવસમાં 4 હજાર કાચા, પાકા મકાન, ઝૂંપડા તોડયા હોવાનુ સત્તાવાર જાહેર કરાયુ હતું. 2150 ગેરકાયદે દબાણ દુર કર્યા હતા. તળાવની એક લાખ ચોરસ મીટર જગ્યામાં ઉભા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ દુર કર્યા હતા.
કર્મચારીઓ
રાજ્ય પોલીસ અનામત દળની એક કંપનીના 70 જવાન હાજર હતા. ડિમોલિશન માટે 60 JCB અને 60 ડમ્પર હતા. 1 PSI, 6 પોલીસકર્મી અને 6 SRP જવાનની 11 ટીમોમાં 2 હજાર પોલીસ હતી. પોલીસની એક-એક ટીમ સાથે શહેરની સરકારના અધિકારી અને કર્મચારીઓ હતા.
જાસૂસી
બાંધકામો તોડવાની શરૂઆત થાય તે પહેલાં પોલીસ મંજૂરી વગર જે.સી.બી.સહિતની મશીનરી ડેપ્યુટી ટી.ડી.ઓ.એ સ્થળ પર મોકલી આપતાં ગુંડાઓ સાવધ બની ગયા હતા. તેથી ગુંડો લાલ્લા ભાગી જવામાં સફળ થયો હતો. હપ્તો લેતી સ્થાનીક પોલીસ અને મહાનગર પાલિકાના અધિકારીઓ ફૂટી ગયા હોવાનું માનવામાં આવે છે.
એસીપી કક્ષાના પોલીસ અધિકારીએ ડેપ્યુટી ટી.ડી.ઓ.ને આ મુદ્દે ખખડાવ્યા હતા. મોટાભાગના લોકો પોલીસના ડરથી પોતાનો ધંધો વ્યવસાય અને ઘર છોડી ચાલ્યા ગયા.
ગૃહવિભાગને ઘણા વર્ષોથી સ્થાનિક પોલીસ અધિકારીથી કેટલાક સિનિયર પોલીસ ઓફિસરની તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓની નિષ્ક્રિયતા તેમજ સંડોવણી અંગે માહિતી મળી છે. અધિકારીઓ વિરૂદ્ધ પુરાવાને આધારે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી.
ગૃહરાજ્ય મંત્રી, પોલીસ કમિશનર અને ક્રાઇમબ્રાંચના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. લલ્લા બિહારીના ફાર્મ હાઉસ પર કેટલાંક અધિકારીઓની અવરજવર રહેતી હોવાની વિગતો સામે આવી છે.
મેયર જવાબદાર
ચંડોળા તળાવ ગુજરાત સરકારના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ AMCને સરકારે સોંપ્યું હતું. ત્યારથી અહીં ગેરદાયકે કામો વધ્યા હતા. બે લાખ ચોરસ મીટર જગ્યા સોંપવામાં આવી હતી. 1 કરોડ 20 લાખ ચોરસ મીટર જમીન સાવ મફતમાં ગુજરાત સરકારે આપી છતાં તે લેવા માટે અમદાવાદના મેયરે 10 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરતાં ગુનેગારો ફાવી ગયા હતા. તળાવની માલિકી કોની તે અંગે સત્તાવાળાઓ અંદરથી લડતાં રહ્યાં હતા.
200 અધિકારીઓ જવાબદાર
40 વર્ષથી ગેરકાયદેસર બાંધકામો મહાનગર પાલિકાના અધિકારીઓ અને ભાજપની નજર હેઠળ જ થયા હતા. આમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહતી. વોર્ડના એસ્ટેટ વોર્ડ ઈન્સપેકટરથી લઈ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે કોઈ કાર્યવાહી કરી ન હતી.
40 વર્ષમાં ગેરકાયદેસર બાંધકામ અને ગુનાખોરી થવા દેનારા 200થી વધારે અધિકારીઓ જવાબદાર છે. તપાસ કરીને તેમની સામે કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
પોલીસે ગેરકાયદેસર બાંધકામની સંપૂર્ણ જવાબદારી અમદાવાદની સરકાર પર ઢોળી હતી.
સામાન્ય માનવીના ઓટલા તોડી પાડતા શહેરના એસ્ટેટ વિભાગે ચંડોળા તળાવમાં થતાં ગેરકાયદે બાંધકામોને નજર અંદાજ કર્યા હતા.
ટોરેન્ટ
અમદાવાદના ઉદ્યોગપતી સુધીર મહેતાની ટોરેન્ટ વીજ કંપનીનું રૂ. 10 કરોડની વીજ ચોરી 10 વર્ષમાં થઈ છતાં તેમણે પોલીસ કે સરકારને ફરિયાદ કરી ન હતી. તેથી તેઓ પણ ગુંડાગીરી વકરાવવા માટે જવાબદાર છે. બાંકામો તોડતી વખતે જ વીજ કંપનીના અધિકારીઓને બોલાવાયા અને ગેરકાયદે 3 હજાર વીજ જોડાણો કપાયા હતા. ટોરેન્ટ પાવર દ્વારા 5 જેટલી ટીમ બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા આ કામગીરી હાથ ધરાઈ છે. ગેરકાયદે વીજ જોડાણ કટ કરવા પહોંચેલી ટીમ સાથે સ્થાનિક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
15 ટકા દબાણ
ચંડોળા તળાવ વિસ્તાર એ બડા તળાવ અને છોટા તળાવ એમ બે ભાગમાં વહેંચાયેલું છે. જેમાં છોટા તળાવ વિસ્તારમાં સંપૂર્ણપણે દબાણો ખડકી દેવાયા હતા. એ હદે કે છોટા તળાવ જ અદ્રશ્ય થઈ ગયું હતું. જ્યારે બડા તળાવની પણ બન્ને બાજુ ઝૂંપડપટ્ટી ઊભી કરી દેવાઈ હતી. જેને પગલે તળાવનો પટ લગભગ 15 ટકા જેટલો ઘટી ગયો હતો.
ડ્રોનથી દેખરેખ
બાંગ્લાદેશીઓના વસવાટ કરાવનારા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. 420, 465, 471, 467, 46 હેઠળ ગુનો નોંધાયો છે. મહેબૂબ પઠાણ અને કાળુ મોમીનના મકાનો તોડી પડાયા છે. આરોપીઓએ ગેરકાયદે કાચા મકાનો અને ઝૂંપડીઓ બનાવ્યા હતા.
ગૃહ રાજ્ય પ્રધાન
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી જાણે બાંગલાદેશે ભારતની જમીન પચાવી પાડી હોય અને તે પરત મેળવી હોય તેમ જાહેર કર્યું કે, અમદાવાદના ચંડોળાની એકએક ઈંચ જગ્યા પરત લઈશું. 1-1 ઈંચ જગ્યા અમે ખાલી કરાવીશું. માનવતાને ધ્યાને રાખીને કામ કરવામાં આવશે. બાંધકામો તોડતી વખતે 2000 પોલીસકર્મી અને અધિકારીઓએ મલીને 180 બાંગ્લાદેશીઓને ઓળખ કરી હતી.
બાંગ્લાદેશીઓ દ્વારા કબજે કરાયેલી જમીન ખાલી કરવામાં આવશે. અમે ખાતરી કરીશું કે સરકારી જમીન ખાલી કરવામાં આવે. અલકાયદા સાથે સંકળાયેલા 4 બાંગ્લાદેશીઓને ઝડપી લેવામા આવ્યા હતા. એ વિસ્તારને તોડી પાડ્યો હતો. જ્યાં નાની નાની બાળકીઓને ગેરકાયદેસર ધૂસેલા બાંગ્લાદેશીઓએ વેશ્યાવૃતિનો શિકાર બનાવી હતી. મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પકડાયા હતા. તે વિસ્તારમાં ડિમોલિશન કર્યું હતું.
ખરેખર તો અહીં ગુનાખોરી અને ગેંગ બની તેની પાછળ તો હર્ષ સંઘવી જવાબદાર હતાં. તેમની પહેલી જવાબદારી બનતી હોવા છતાં તેઓને શરમ ન હતી.
અમદાવાદ પોલીસ કમિશ્નર
28 એપ્રિલની રાત્રે પહોંચી જવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG, સાયબર ક્રાઇમ, SRP ફરજ પર હતા.
અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે જણાવ્યું હતું કે, બંગાળ વાસ એક એવો વિસ્તાર છે જ્યાં ઘણા બધા બાંગ્લાદેશીઓ રહે છે. તેમની સામે અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા 180 બાંગ્લાદેશીઓની ઓળખ કરવામાં આવી હતી.
અમદાવાદ પોલીસ કમિશનરે લલ્લુ બિહારી વિરુદ્ધ પણ FIR નોંધી છે, જેમણે કથિત રીતે નકલી ભાડા કરાર અને આધાર કાર્ડ બનાવ્યા હતા. કેટલાક લોકોએ ગેરકાયદેસર પાસપોર્ટ પણ બનાવ્યા છે અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ ચંડોળા તળાવ ખાતે આવ્યા હતા.
વિરોધી ટોળા
કાર્યવાહીને પગલે કેટલાંક અસામાજીક તત્વોએ મંગળવારે રાતના સમયે નારોલથી દાણીલીમડા જવાના રસ્તાને બ્લોક કરીને ચક્કાજામ કરવાની સાથે ભયનો માહોલ ઉભો કર્યો હતો. આ અંગે દાણીલીમડા પોલીસે 100થી વધુ લોકોના ટોળા વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. બળપ્રયોગ કરીને ટોળાને વિખેર્યું હતું. 10ની અટકાયત કરી હતી.
વિકાસ યોજના
અમદાવાદનુ ચંડોળા તળાવ ડેવલપ કરવા રાજય સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપ્યુ હતું. વર્ષ-2024માં આશરે 10.96 લાખ સ્કવેર મીટર વિસ્તારમાં ફેલાયેલા આ તળાવને ડેવલપ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રુપિયા 20 કરોડનુ ટેન્ડર બહાર પડાયુ હતું. કામગીરી થઈ નથી.
ચંડોળા તળાવની ફરતે પાકી દીવાલ બનાવવા સર્વે શરુ
ગેરકાયદેસર બાંધકામ તોડતા હતા ત્યારે જ શહેરની સરકારે અહીં પાકી દીવાલ બનાવવા માટે જમીન સરવેની કામગીરી શરૂ કરી હતી. ખાનગી એજન્સીના કર્મચારીઓને કામ સોંપી દીધું હતું. માપણી કરી મેપીંગ કરવા અંગે કવાયત શરુ કરી હતી.
કાંકરિયાની જેમ જ ચંડોળા તળાવનું બ્યુટિફિકેશન કરાશે. પ્રથમ ફેઝમાં 27 કરોડના ખર્ચે વોક વે, જંગલ જીમ સહિતની કામગીરી કરવાનું નક્કી કરાયું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવની સફાઈ માટે વર્ષ-202૩-24ના વર્ષમાં રુપિયા 89 લાખની ફાળવણી કરાઈ હતી. ફાળવવામાં આવેલી રુપિયા 89 લાખની રકમ કયાં અને કેવી રીતે ખર્ચાઈ તે અંગે બોલવાનું તંત્રના અધિકારીઓ ટાળી રહયા છે.
મોત
અગાઉ તળાવના નવિનીકરણની કામગારી માટે સંપૂર્ણ તળાવ ખાલી કરી દેવાયું હતું. ખોદવામાં આવ્યું હતું. ચંડોળા તળાવ નજીક દેવીપૂજકવાસ આવેલું છે. ખોદવામાં આવેલા 10 ફૂટ ઉંડા ખાડામાં ભરાયેલા પાણી પાસે રમી રહેલા ત્રણ બાળકો આ ખાડામાં ડૂબી ગયા હતા. સાંજ સુધી બાળકો ઘરે ન આવતા પરિવારે શોધખોળ કરતા ત્રણેયને મૃત મળી આવ્યા હતા.
અગાઉ વિકાસ
કાંકરિયા તળાવની જેમ જ ચંડોળા તળાવનો વિકાસ કરવા નક્કી કરાયું હતું. જ્યાં ખંભાતી કૂવા, જેટી, વોક-વે, જંગલ જીમ, પ્રવાસન આકર્ષણો નક્કી કરાયા હતા. તળવાને વિકસાવવા માટે અંદાજે 24.50 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો હતો.
અમદાવાદના મેચર પ્રતિભાબેન જૈને કહ્યું હતું કે ચંડોળા લેકના વિકાસનું કામ ચાલું છે. ચંડોળા લેકને કાકરીયાની જેમ ડેવલપ કરાશે.
ચંડોળા તળાવને ડેવલપ કરવાની વાત આજ કાલની નથી પરંતુ વર્ષોથી ચાલી રહી છે. 2015થી તેને વિકસાવવાની વાતો સામે આવી રહી છે પરંતુ કોઇને કોઇ રીતે તેનું કાર્ય પાછળ ઠેલાઈ રહ્યું હતું. ચંડોળા તળાવની આસપાસ દબાણ હોવાથી તેનો વિકાસ કરવો ઘણો કપરો છે. જોકે હવે ધીમે-ધીમે આ તળાવ વિકાસના પથ પર આગળ વધવા જઇ રહ્યું છે. દાણીલીમડામાં આવેલા ચંડોળા તળાવના પાછળના ભાગે દબાણો છે, પરંતુ આગળના ભાગમાં દબાણ ન હોવાથી સૌપ્રથમ ત્યાં વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે.
ચંડોળા તળાવના વિકાસના કાર્યો શરૂ કરવા માટે પહેલા ત્યાંથી કાદવ દૂર કરવાની કામગીરી હાથ ધરવામા આવી રહી છે. તળાવમાં ગટરનું પાણી મિશ્રિત ન થાય એ માટે પાઇપલાઇન નાંખી ડ્રેનેજ સાથે કનેક્ટ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનારી છે. પ્રોજેક્ટ અનુસાર તળાવની આસપાસ છોડ રોપવામાં આવશે અને એક લોન બનાવવામાં આવશે. લોકોને ચાલવા માટે બન્ને બાજુ તળાવની પાસે 3 મીટર પહોળો એક વોક વે બનાવવામાં આવશે. તળાવમાં પાણીનું સ્તર જળવાઇ રહે એ માટે 19 ખંભાતી કૂવાનું નિર્માણ કરવામાં આવશે. તેમજ તળાવની ફરતે છત્રી જેવું માળખું બનાવાશે જેથી મુલકાતીઓ ત્યાં બેસી શકે.
આ ઉપરાંત બાળકો માટે જંગલ જિમ બનાવવામાં આવશે. તેમજ એક પ્લોટમાં શેડ ઉભો કરવામાં આવશે. જ્યાં કોઇ ઇવેન્ટ કે એક્ઝિબિશનનું આયોજન કરવું હોય તો કરી શકાય. ઉપરાંત ઇવેન્ટ રૂમ, ચેન્જિંગ રૂમ અને કિચન જેવી સુવિધા હશે. કાંકરિયાની જેમ અહી પણ એક નાની જેટી મુકવામાં આવશે. તળાવની આસપાસ પ્લાન્ટેશનની કામગીરી કરવામાં આવશે જેથી પક્ષીઓ ત્યાં આવી શકે.
હાઈકોર્ટે શું કહ્યું?
ગુજરાત વડી અદાલતને 18 લોકોએ અરજદારી કરી હતી. નીતિ નિયમ વિરૂદ્ધ ડિમોલિશન હોવાનો ઉલ્લેખ કર્યો છે. અરજીમાં કહેવાયું કે, હજુ અહીં રહેતા લોકો બાંગ્લાદેશી છે તે પુરવાર નથી થયું. અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે. ઘર તોડતા પહેલા કોઇ નોટિસ પણ નથી આપી. લોકોના પુનર્વસનની કોઇ વ્યવસ્થા નથી. હાઈકોર્ટે આ મુદ્દે અરજદારોને અરજી ફગાવી દીધી છે અને ડિમોલિશન પર સ્ટે મૂકવાનો ઈનકાર કરી દીધો પછી બાંધકામો તોડાયા હતા.
ભારતીય નાગરિક છે અને તેઓ સરકારમાં રજૂઆત કરે તો તેમને મકાન આપવાની પ્રક્રિયા હાથ ધરવી એવું ગુજરાત હાઇકોર્ટે સરકારને કહ્યું હતું.
લલ્લા બિહારીના પુત્રના 5 દિવસના રિમાન્ડ મંજૂર, કોર્ટે કહ્યું- ગેરકાનૂની પ્રવૃત્તિ સામે આંખ મીચનાર અધિકારીઓની તપાસ જરૂરી હોવાનું કહ્યું હતું.
ગુજરાતની સરકારે છેલ્લા ચાર દિવસમાં 1200-1500 લોકોને બાંગ્લાદેશી કહીને ઉપાડ્યા અને તે પૈકી 90 ટકા લોકોને છોડી દીધા. કારણકે તેઓ ભારતના મુસ્લિમ નાગરિકો હતા.
પોલીસના મોટા કાફલા અને અટકાયતમાં લેવાયેલા લોકોનાં ટોળેટોળાંના વીડિયો ફરતા થયા હતા. જેમાં બંને તરફ પોલીસકર્મીઓની કતાર હતી અને સ્ત્રી-પુરુષો સહિત મોટી સંખ્યામાં અટકાયતમાં લેવાયેલા લોકો પોલીસકાફલાની વચ્ચોવચ ચાલતા હતા.
હવે તેમનાં ઘરો તોડવાની પ્રક્રિયા શરૂ કરી છે. જે લોકોને છોડી દેવામાં આવ્યા છે તેમનાં ઘરોને પણ તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદના આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ ભરત પટેલે 27 એપ્રિલ 2025ના રોજ કહ્યું કે, અમદાવાદમાં 900 લોકોને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યા હતા. જેમાંથી 600 જેટલા ભારતના નાગરિકો હતા તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. 104 જેટલા બાંગ્લાદેશી નાગરિકો હતા.
પોલીસે ખોદ્યો ડુંગર અને નિકાળ્યો ઉંદર.
ચંડોળા તળાવ વિસ્તારના લોકો સાથે કામ કરતા અને વ્યક્તિત્વ સંઘર્ષ સમિતિ, ગુજરાતનાં સંસ્થાપક બીનાબહેન જાદવ છે. તેઓ માનવતાના ધોરણ પર લડી રહ્યા છે. ચંડોળા તળાવ વિસ્તારમાં એવા અનેક લોકો રહે છે કે, જેઓ વર્ષોથી બંગાળનાં વિવિધ ગામડાંમાંથી અહીં આવીને વસવાટ કરે છે, એવી એમની દલીલ રહી છે.
બાંગ્લાદેશી પુરવાર થાય તો તેનું ઘર તોડવું કે નહીં? ડરના માર્યા બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જતા રહ્યા છે અને તેમનાં ઘરો બંધ છે. તેમને ન તોડવા જોઈએ. ગુજરાતમાં ચંડોળા તળાવ પાસે 40 વર્ષોથી રહે છે. સિયાસતનગરના 26 રહિશોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરીને કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર જો અમે તળાવના કિનારે ગેરકાયદેસર રીતે રહેતા હોય તો પણ અમને નોટિસ પાઠવીને, યોગ્ય સમય આપીને અમારાં ઘરોનું ડિમોલિશન કરવું જોઈએ. અમને કોઈ નોટિસ આપવામાં નહોતી આવી. જોકે, આ અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે.
2010માં નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે થયું હતું ડિમોલિશન
આજથી લગભગ 14 વર્ષ પહેલા નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ચંડોળામાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ગેરકાયદે રીતે ખડકી દેવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મોટી કાર્યવાહી કરીને ડિમોલિશન કરવામાં આવ્યું હતું. પરંતુ એ સમયે સમગ્ર મામલો કોર્ટમાં ગયો હતો. જેના કારણે દબાણો દૂર કરવાની કામગીરી અટકી પડી હતી. ડિમોલિશન કરવા પર સ્ટે આવી ગયો હતો.
ચંડોળાનો ઇતિહાસ
વસતી વધતા બ્રિટિશ સામ્રાજ્યમાં તળાવમાંથી પાણી પૂરુ પાડવામાં આવતું હતું. જોકે જાળવણી નહીં થતાં એ સમયગાળામાં જ જમીન પર બાંધકામો થવા લાગ્યા હતા. ગાંધીજીએ પોતાની દાંડી યાત્રા દરમિયાન આ તળાવ પાસે આરામ કર્યો હોવાનું પણ કહેવાય છે. જોકે 70-80ના સમયગાળામાં ઔદ્યોગિક વિકાસની સાથે સાથે ગેરકાયદે વસાહતો પણ બનવા લાગી અને ચંડોળા તળાવે પોતાની અશ્મિતા પણ ગુમાવી દીધી.
– મુઘલ સુલતાનની પત્નીએ ચંડોળા લેક બનાવેલું
– ચંડોળા વિસ્તાર પહેલા અશાવલ નામે ઓળખાતો હતો
– અમદાવાદના સૌપ્રથમ આર્ટિફિશિયલ તળાવ ચંડોળાને મુઘલ સુલતાન તજ્ન ખાનના પત્ની દ્વારા બનાવવામાં આવેલું.
– ખેતી અને પશુપાલન માટે ચંડોળામાંથી પાણી પૂરું પડાતું હતું.
– અહમદ શાહના સમયે ચંડાળાનો ઉપયોગ શાહી બગીચા માટે થયો.
– મુઘલ, મરાઠાઓએ તળાવનો ઉપયોગ સિંચાઈ, પીવાના પાણી માટે કર્યો.
– બ્રિટિશ શાસનમાં શહેરની વધતી વસતીને પાણી આપવા થવા લાગ્યો.
– 19૩0માં દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીએ તળાવ નજીક આરામ કર્યો હતો.
– 1970-80માં ઔદ્યોગિક વિકાસને કારણે ગેરકાયદે વસાહતો બની.
– 2002 પછી એનજીઓએ સિયાસત નગર નામની રાહત શિબિર બનાવી.
– 2009માં દબાણો હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ ફરી દબાણ વધવા લાગ્યું.
– 2010 પછીથી ચંડાળો તળાવની આસપાસ મોટા પાયે દબાણો થયા.
– 2012 પછી તળાવને સુરક્ષિત રાખવા માટે નિયમિત પાણી ભરવાનું શરૂ થયું.
– 1200 હેક્ટરમાં ચંડોળા તળાવ ફેલાયેલું છે.
– અત્યારે હાલ અંદાજિત 1,25,698.૩9 ચોરસ મીટર જગ્યામાં દબાણ, જંત્રી પ્રમાણે 14 વર્ષમાં સરકારને લગભગ 500 કરોડથી વધુનું નુકસાન.
– હાલ ચંડોળા તળાવમાં આવેલી વસાહતો વોર્ડના નામથી ઓળખાય છે. જેમાં ‘એ વોર્ડમાં નરસિંહજી મંદિર છે.
– આયેશા મસ્જિદ નીચેનો ભાગ બંગાળીવાસ તરીકે જ ઓળખાય છે.
આ પણ વાંચોઃ
Surat માંથી વિદ્યાર્થીને ભાગાડી જનાર શિક્ષિકા સામે પોક્સોની કલમ ઉમેરાઈ, મેડિકલ તપાસ!
Ahmedabad: ચંડોળામાં ત્રીજા દિવસે દબાણ હટાવવાનું કામ ચાલુ
ADR Report: દેશમાં 28 ટકા મહિલા સાંસદો અને MLA સામે ક્રિમિનલ કેસ, સૌથી વધુ ભાજપની મહિલાઓ…
પાકિસ્તાન સતત કરી રહ્યું છે યુધ્ધવિરામનું ઉલ્લંઘન, રાત્રે કરે છે ગોળીબાર, દિવસે સૂમસામ
Surat: 11 વર્ષિય વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા શામળાજી પાસેથી ઝડપાઈ
જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો