
Ahmedabad: અમદાવાદ ગુજરાતનું હૃદય ગણાતું શહેર, આજે એક શરમજનક વાસ્તવિકતાને ઉજાગર કરતા બોર્ડથી ચર્ચામાં છે. સોલા વિસ્તારમાં બોર્ડ લગાવવામાં આવ્યા હતા જેના પર લખાયું હતુ કે , “રાતની પાર્ટીઓમાં જવું નહીં, રેપ-ગેંગરેપ થઈ શકે છે.” આ પોસ્ટર અમદાવાદ ટ્રાફિક પોલીસના સહયોગમાં લગાવવામાં આવ્યા હતા. જો કે આ મામલે ભારે વિવાદ થતા હવે આ બોર્ડને હટાવી લેવામા આવ્યા છે. જો કે પોલીસે અમારે તેમાં કોઈ લેવા દેવા નથી અમારી જાણ બહાર બોર્ડ લગાવવામાં આવ્યા હોવાનું કહીને તેમાંથી હાથ ખંખેરી લીધા છે ત્યારે હવે આ સમગ્ર વિવાદ મામલે ઝોન 1 ઇન્ચાર્જ ડીસીપી સફીન હસનનું પણ નિવેદન સામે આવ્યું છે.
શહેરમાં મહિલા સુરક્ષા અંગે લગાવેલ વિવાદાસ્પદ બેનર્સનો મામલો ગરમાયો
જો વિવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના જાહેર રસ્તાઓ પર મહિલા સુરક્ષાને લઈને વિવાદાસ્પદ બેનર્સ લગાવવામાં આવ્યા હતા. જેના પર લખાયું હતુ કે , “રાતની પાર્ટીઓમાં જવું નહીં, રેપ-ગેંગરેપ થઈ શકે છે.” આ પોસ્ટર સતર્કતા ગ્રુપે અમદાવાદ ટ્રાફિક પોલીસના સહયોગથી લગાવવામાં આવ્યા હોવાનું કહેવાતું હતું. જો કે આ બેનર્સનો વિવાદ વધતા પોલીસે હાથ ખંખેરી લીધા હતા અને તેને સતર્કતા ગ્રુપે અવેરનેસ માટે લગાવ્યા હતા અને પોલીસ પોતે તેનાથી અજાણ હતી તેમ જણાવવામા આવ્યું હતું. ત્યારે પોલીસના નિવેદન પર પણ સવાલ ઉઠ્યા હતા. આવું બની શકે ખરું કો કોઈ પણ પોલીસની જાણ બહાર તેમના નામનો ઉપયોગ કરીને બોર્ડ લગાવે અને પોલીસને તેની જાણ ન હોય ? ચાલો માની લીધું કે, કોઈએ જાણ બહાર આ બોર્ડ લગાવ્યા તો પછી આવું કરનાર સામે પોલીસે શું પગલા લીધા?
DCP સફીન હસને શું કહ્યું ?
ઝોન 1 ઇન્ચાર્જ ડીસીપી સફીન હસનનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે, શહેર પોલીસે શહેરના ચારથી પાંચ અલગ અલગ વિસ્તારોમાંથી આવા દસેક જેટલા બેનર્સ જપ્ત કર્યા છે. ‘સતર્કતા ગ્રુપ’ નામની એનજીઓએ આ બેનર્સ લગાવવા માટે ટ્રાફિક પોલીસની મંજૂરી લીધી હતી, પરંતુ તે માત્ર ટ્રાફિક જાગૃતિના સંદેશાઓ માટે હતી જેમાં હેલ્મેટ પહેરવા, મોબાઈલ ફોન પર વાત ન કરવી, અને રોંગ સાઈડ પર ન જવું જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો. પરંતુ એનજીઓએ ટ્રાફિક અવેરનેસના સ્કોપની બહાર જઈને મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા કરતા વિવાદાસ્પદ બેનર્સ લગાવ્યા હતા.
તપાસ બાદ સતર્કતા ગ્રુપ સામે ગુનો નોંધવામાં આવશે
પોલીસના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે સર્તકતા એનજીઓએ પોલીસને અંધારામાં રાખીને વિવાદાસ્પદ બેનર લાગ્યા જેના કારણે પોલીસ પર સવાલો ઉઠ્યા. ત્યારે પોલીસને બદનામ કરનાર સતર્કતા ગ્રુપ સામે પોલીસ રહી રહીને સતર્ક થઈ છે. અને આ મામલે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં એક જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અન તપાસ બાદ સતર્કતા ગ્રુપ સામે ગુનો નોંધવામાં આવશે.
આ પણ વાંચો:
Madhya Pradesh: 12 વર્ષના બાળકે ઓનલાઈન ગેમમાં રૂપિયા ગુમાવતા માતા-પિતાના ડરથી જીવન ટુંકાવ્યું
Junagadh: મોડી રાત્રે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કેમ પોલીસ સ્ટેશન માથે લીધું? કોને બચાવે છે પોલીસ?
Surendranagar: મૂકબધિર પિતાએ સગી દીકરીને જ હવસનો શિકાર બનાવી, સગીરા ગર્ભવતી થતા ફૂંટ્યો ભાંડો