
Ahmedabad: અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં કંબોડિયા અને સિંગાપુરથી સંચાલિત ગેંગે પાલડી વિસ્તારમાં રહેતા એક વરિષ્ઠ નાગરિક ડોક્ટરને વોટ્સએપ કોલ દ્વારા 15 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખીને 8 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી. આ ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે બેંક ખાતું ભાડે આપનાર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચ અને EDના અધિકારીની ઓળખ આપી જાળમાં ફસાવ્યા
આરોપીઓએ 28 જુલાઈથી 12 ઓગસ્ટ દરમિયાન ડોક્ટરને વોટ્સએપ કોલ કરી, પોતાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને EDના અધિકારી તરીકે રજૂ કર્યા હતા. તેમણે જેટ એરવેઝના કથિત કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસનું બહાનું બનાવી, ડોક્ટરના બેંક ખાતામાં 5 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનો આરોપ લગાવ્યો. આરોપીઓએ ડોક્ટરને ધમકી આપી કે, જો તેઓ તપાસમાં સહકાર નહીં આપે તો 40 દિવસના કસ્ટડી રિમાન્ડનો આદેશ મેળવી ધરપકડ કરવામાં આવશે. આ ઉપરાંત, તેમને આ વાત ગુપ્ત રાખવા અને કોઈને જણાવવા સામે દેશવિરોધી ગુનાની ધમકી આપવામાં આવી હતી.
વીડિયો કોલ દ્વારા કેસ ચાલી રહ્યો હોવાનું નાટક રચ્યું
આરોપીઓએ વીડિયો કોલ દ્વારા ડોક્ટરને બનાવટી કોર્ટ, જજ અને વકીલોની હાજરી દર્શાવી, કેસ ચાલી રહ્યો હોવાનું નાટક રચ્યું. બનાવટી દસ્તાવેજો અને લેટરો મોકલીને તેઓએ ડોક્ટરને ડરાવ્યા. 1 થી 12 ઓગસ્ટ દરમિયાન, આરોપીઓએ ડોક્ટરના ડિમેટ ખાતામાંથી શેરની માહિતી મેળવી, તેનું વેચાણ કરાવ્યું અને નૂતન નાગરિક સહકારી બેંકના ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવી. આ પછી RTGS દ્વારા 7 અલગ-અલગ ટ્રાન્ઝેક્શનમાં 8 કરોડ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા.
બેંક ખાતું ભાડે આપનારની ધરપકડ
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું કે, 80 લાખ રૂપિયા લાંભા વિસ્તારમાં રહેતા પપ્પુ સિંહ પરિહારના યસ બેંકના કરંટ ખાતામાં ટ્રાન્સફર થયા હતા. પપ્પુએ આ ખાતું ભાડે આપ્યું હતું અને તેને દરેક ટ્રાન્ઝેક્શન પર 2% કમિશન મળવાનું હતું. આસીફ નામના વ્યક્તિએ ઓનલાઈન ગેમિંગના પૈસા ટ્રાન્સફર કરવા માટે વિકાસ નામના આરોપી સાથે સંપર્ક કરી, મોટા ટ્રાન્ઝેક્શન માટે ખાતું શોધ્યું હતું. આસીફે પપ્પુને કમિશનની લાલચ આપી ખાતું મેળવ્યું, જેમાંથી 80 લાખ રૂપિયા વિકાસના ખાતામાં ટ્રાન્સફર થયા અને પછી અન્ય ખાતાઓમાં વહેંચાયા.
કંબોડિયા-સિંગાપુરથી ચાલતું નેટવર્ક
પોલીસ તપાસમાં વોટ્સએપ કોલનું લોકેશન કંબોડિયા અને સિંગાપુરથી મળ્યું. આરોપીઓ ક્લાઉડ સર્વરનો ઉપયોગ કરીને આવા કૌભાંડો આચરતા હતા. હાલ પોલીસે ત્રણ આરોપીઓ – પપ્પુ સિંહ પરિહાર (41, લાંભા, મૂળ રાજસ્થાન), આસીફ શાહ પઠાણ (35, અમરેલી), અને વિકાસકુમાર સિંગ (પાલઘર, મૂળ ઉત્તર પ્રદેશ)ની ધરપકડ કરી છે.
ઝડપાયેલો મુદ્દામાલ
– 32 મોબાઈલ ફોન
– 2 લેપટોપ
– 2 સ્વાઈપ મશીન
– 6 બેંક ચેકબુક
– 2 પાસબુક
– 21 ડેબિટ/ક્રેડિટ કાર્ડ
– 6 સ્ટેમ્પ
– 5 પેન ડ્રાઈવ
પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે, જેથી અન્ય આરોપીઓ અને આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે.
આ પણ વાંચો:
Mizoram: એકમાત્ર ભિખારી મુકત રાજય, ટૂંક સમયમાં કાયદો લાગૂ
Chaitar Vasava case: હાઈકોર્ટમાં વકીલોની હડતાળ ચૈતર વસાવાને નડી, જામીન અરજી પર સુનાવણી ફરી ટળી
india: એવું તે શું થયું કે,? કેજરીવાલે 100% ટેરીફ લાદવાનું કહી દીધું
Amreli: દિકરી ભાગી જતા ભાઈએ સગી બહેનનું જ ઢીમ ઢાળી દીધું! સમગ્ર કિસ્સો વાંચીને હચમચી જશો