
- વસ્ત્રાલકાંડમાં અમદાવાદ પોલીસની ગંભીર બેદરકારી; નિર્દોષ વ્યક્તિને માર્યો ઢોર માર, હવે ટેન્ટ બનાવી આપ્યું
અમદાવાદ વસ્ત્રાલની ઘટનામાં અમદાવાદ પોલીસની એક બેદરકારી સામે આવી છે. પોલીસે કરેલી કાર્યવાહીમાં એક નિર્દોષ વ્યક્તિ સાથે અન્યાય થયો હોવાની માહિતી સામે આવી છે. આ અંગે પરપ્રાંતીય સંગઠને ગંભીર આરોપો લગાવતા જણાવ્યું છે કે, વસ્ત્રાલની ઘટનામાં અલ્કેશ યાદવ નામનો વ્યક્તિ હોવા છતાં પોલીસે ઉતાવળમાં તેના સામે પણ કડક કાર્યવાહી કરતાં તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. જોકે, સત્ય સામે આવતા તેને પોલીસે છોડી મૂક્યો અને તેને ટેન્ટ પણ બાંધી આપવામાં આવ્યો છે, તે તમે જોઈ શકો છો.
પરપ્રાંતીય સંગઠનના સંયોજક રામપ્રતાપસિંહ ચૌહાણે એક પ્રેસ કોન્ફ્રન્સનું આયોજન કરીને જણાવ્યું કે, વસ્ત્રાલકાંડમાં પરપ્રાંતિય માત્ર એકલા પરપ્રાંતિય નહતા, તેમાં બેથી ચાર જણા જ પરપ્રાંતિય હતા. બીજા તમામ ગુજરાતના હતા, તે ઉપરાંત આ ગેંગનો મેઇન લિડર પંકજ કોઈ યુપીનો નથી, તે પ્રોપર ગુજરાતનો જ છે. તો પછી અમારા ઉપર આક્ષેપ કેમ લગાવવામાં આવે છે?
તેમણે વધુમાં જણાવ્યું કે, આ તમામ 14 આરોપીઓની યાદીમાં તમે જોશો, તો તેમા યાદવ નામના છોકરાને છોડી મૂકવામાં આવ્યો છે. ત્યાંના પોલીસવાળા કે નેતાઓએ તેને પોતાનો ટેન્ટ બનાવીને આપ્યો છે કેમ કે આ છોકરો નિર્દોષ હતો. તેને એમને એમ જ લઈ ગયા હતા. મિત્ર વર્તુળમાં બેસેલો હતો અને ત્યાંથી જ તેને ઉઠાવી લેવામાં આવ્યો હતો. આ દરમિયાન તેને ખુબ જ માર પણ મારવામાં આવ્યો હતો.
રામપ્રતાપસિંહે જણાવ્યું કે, અમારી અહીં પાંચ પેઢી થઈ ગઈ છે. આ ગુનેગાર બને છે ક્યાં? ગુનેગાર ગુજરાતમાં જ બને છે. પાંચ પેઢીથી અમે અહીંયા રહીએ છીએ. સરકાર કે સરકારના લોકો પહેલા એમને (આરોપીઓને) છાવરે છે, તમે આવી રીતે છાવરવાનું બંધ કરી દો, તો કોઈ નહીં આવે. પહેલા તમે વોટ કરાવવા માટે આ બધી મગજમારીઓ કરાવો છો, કે તને આ સોંપી દીધું, આ કરી દીધું તેના પછી બધુ કામ પતી જાય તો હાથ ઉંચા કરી દેવામાં આવે છે.
રામપ્રતાંપ ઇશારાથી એવું કહી રહ્યા હતા કે, રાજકારણીઓ પોતાનું કામ કઢાવવા માટે અપરાધીઓને છાવરે છે. તેમનું કામ પુરૂં થઈ જાય તો તેઓ તેમના હાથ ઉંચા કરી લે છે. જો પહેલાથી જ રાજકારણીઓ અપરાધીઓને છાવરવાનું બંધ કરી દે તો આવી મુશ્કેલી સર્જાશે નહીં.
ઉલ્લેખનિય છે કે, પાછલા 30 વર્ષથી ગુજરાતમાં રાજ કરતી ભારતીય જનતા પાર્ટીની સરકારને છબીને નુકશાન પહોંચાડે એવો મારમારીનો એક વીડિયો વાયરલ થયો હતો. તેથી પોલીસે તાબડતોડ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. એક જ દિવસમાં ન્યાયને સ્થાપિક કરવાની ઉતાવળમાં એક નિર્દોષ વ્યક્તિને પણ પોલીસે અપરાધી બનાવી દીધો અને તેના સાથે હેવાનિયત થઈ કરવામાં આવી હતી.
જે રીતે વસ્ત્રાલકાંડમાં રસ્તે જતા લોકોને માર મારવામાં આવ્યો, તેવી જ રીતે પોલીસે પણ એક નિર્દોષ વ્યક્તિ સાથે તેવો જ ગુંડાઓ જેવો વ્યવહાર કર્યો હતો. હવે પોલીસને ખ્યાલ આવી ગયો કે આપણે ખોટું કર્યું છે, તેથી તેને છોડી મૂકવામાં આવ્યો છે અને પોતાની ભૂલ સુધારવા માટે ટેન્ટ બાંધી આપવામાં આવ્યો છે. શું ટેન્ટ બાંધી આપવાથી પોલીસની ભૂલ સુધરી જશે? તે વ્યક્તિની ગયેલી ઈજ્જત પરત આવી જશે? તે વ્યક્તિને માર મારવામાં આવ્યો તેનું શું? હવે આ બાબતે એટલું જ કહેવાનું થાય છે કે, સાહેબ ઉતાવળે આંબા ન પાકે…
આ પણ વાંચો- શું ગુજરાત સરકારની ‘ગેરકાયદેસર કાર્યવાહી’ ગુંડાતત્વોને ‘નક્સલી-બળવાખોર’ બનાવી દેશે?
આ પણ વાંચો- ગુજરાતમાં બુલડોઝર જસ્ટિસ: શું આ નવો ખતરો છે?







