
Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના કારણે વેપારીઓએ પોતાની અને ગ્રાહકોની સુરક્ષા માટે પ્લાસ્ટિક શીટ લગાવી દીધી છે. માર્કેટના ઉપરના ભાગમાં ઘાસ અને ઝાડીઓ ઊગી નીકળતા દૃશ્યો દેખાઈ રહ્યા છે. શાકમાર્કેટનાં વેપારીઓ દ્વારા મહાનગરપાલિકાને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરાવવા માટે અપીલ કરવામાં આવી છે.
શહેરની આ 60 વર્ષ જૂની શાકમાર્કેટમાં રોજના હજારો લોકો શાકભાજીની ખરીદી કરવા આવે છે. અહીં 200 થી વધુ દુકાનોમાં વેપારીઓ પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ બિલ્ડીંગની હાલત અત્યંત જર્જરિત બની ગઈ છે. મહાનગરપાલિકા અન્ય ખાનગી કે કોમર્શિયલ બિલ્ડીંગ માટે તો તાત્કાલિક નોટિસો પાઠવી પગલાં લે છે, પરંતુ પોતાની માલિકીની આ મુખ્ય માર્કેટની અવગણના કરી રહી છે. સતત અવર-જવર અને ભારે ભીડ વચ્ચે આ માર્કેટના છતના ભાગમાં પડતા ગાબડાં લોકોની સુરક્ષાને જોખમરૂપ બની રહ્યા છે.
શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જર્જરિત બિલ્ડીંગો સામે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે, પરંતુ મહાનગરપાલિકાની માલિકીની આ શાકમાર્કેટ તરફ કોઈ ધ્યાન આપાતું નથી તેવો સવાલ ઉઠી રહ્યો છે. અતિ જર્જરિત હાલત વચ્ચે શાક માર્કેટમાં અનેકવાર સ્લેબ પડવાની ઘટનાઓ બનતી રહી છે. વેપારીઓએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે જો સમયસર રીપેરીંગ ન થાય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને જર્જરિત શાક માર્કેટના કારણે કોઈ શાકભાજીની ખરીદી કરવા અંદર થઈ આવતું જેની અસર અમારા ધંધા પર પડી રહી છે. તેથી વહેલી માં વહેલી તકે શાકમાર્કેટના રીપેરીંગ અને પુનઃનિર્માણ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની વેપારીઓની માંગ ઉઠી છે.
જર્જરીત શાકમાર્કેટ અંગે એડિશનલ સીટી ઈજનેર એમ.સી.પટેલ એ જણાવ્યું હતું કે ગંગાજળિયા તળાવમાં આવેલ મુખ્ય શાકમાર્કેટ અમે પુનઃસ્થાપિત કરવા ત્રણ પ્રકારની કેટેગરી બનાવીને તેની દરખાસ્ત ની શરૂઆત કરી છે. અમે શાકમાર્કેટ બનાવવા માટેની તૈયારી કરી રહ્યા છીએ, શાકમાર્કેટની અંદર જે વેપારીઓની સહમત થાય છે તેની સહમતી હાલ કામગીરી ચાલુ છે. અત્યારે સુધીમાં અંદાજિત 15 થી 20 દુકાનદારોની સહમતી આવી ગઈ છે હાલ પ્રક્રિયા શરૂ છે. આગામી દિવસોમાં ભાવનગરને ગંગાજળિયા તળાવની શાકમાર્કેટ નવી મળે તેવા આવનાર નવા વર્ષનું અમારું સંકલ્પ છે એ પ્રમાણે કામ પણ કરવામાં આવશે. આ સિવાય શહેરની અન્ય જગ્યાઓ પર નાની શાકમાર્કેટ બને તેનો ડી.પી.આર તૈયાર કરી રહ્યા છીએ સૌથી પહેલા લીલાસર્કલ પર જે મહાનગરપાલિકાની જગ્યા પર બનાવવા માટે પરામસ આપી દીધી છે, માર્કેટિંગ યાર્ડ રોડની પાછળની સાઈડમાં માર્કેટ બનાવવાની તૈયારી ચાલી રહી છે, શિવાજી સર્કલ શાર્ક માર્કેટ છે. તેની માટે પણ ગતિવિધિઓ ચાલુ છે આગામી સમયમાં શાક માર્કેટ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ આ ઉપરાંત બજેટમાં પણ આ શાક માર્કેટનો સમાવેશ કર્યો છે સાથે મહાનગરપાલિકાના 13 વોર્ડમાં નાની શાકમાર્કેટ થાય તેની માટેની મહાનગરપાલિકાની જગ્યા, કોમન પ્લોટ ની શોધખોળ થઈ રહી છે અને આગામી દિવસોમાં આ નવી ભેટ આપવાનો અમારો પ્રયાસ છે.
અહેવાલ- નીતિન ગોહેલ







