
ગુજરાતભરમાં ચકચાર મચાવનાર 6 હજારના BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરાયા બાદ આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. CID પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી કરાઈ હતી. જોકે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 7 દિવસના રિમાન્ડ દરિમયાન કૌભાંડના અનેક મોટા ખુલાસાઓ થઈ શકે છે.
ભાઈ અને આશરો આપનારની પણ ધરપકડ
ભૂપેન્દ્ર સિંહના ભાઈ રણજીતસિંહ સહિતના 7 આરોપીઓની ધરપકડ બાદ હવે મહા કૌભાંડી ભૂપેન્દ્ર સિંહ ઝાલાને શરણ આપનાર કિરણ સિંહ ચૌહાણની CID ક્રાઇમે અટકાયત કરી છે. કિરણ સિંહની આ કૌભાંડમાં સંડોવણી છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરશે. કિરણ સિંહે ભૂપેન્દ્ર સિંહ ઝાલાને શરણ આપી મદદ કરી હોવાથી તેને આરોપી તરીકે પોલીસ લઈ શકે છે. CID ક્રાઇમે આ કૌભાંડ મામલે સઘન પૂછપરછ કરી હાથ ધરી છે.
આ એક્ટ હેઠળ નોંધાયો ગુનો
કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર ભૂપેન્દ્ર સિંહ ઝાલા સામે CID ક્રાઇમે GPID(ગુજરાત પ્રોટેકશન ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાયદાની ધારાઓના ઉલ્લંઘન બદલ 5 વર્ષ સુધીની કેદ અને 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.