
ડૉ. જયનારાયણ વ્યાસ
Gyanesh Kumar: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર ઉવાચઃ ‘બિહારમાં ટૂંક સમયમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મતદાર યાદીઓનું ખાસ નવીનીકરણ (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) હાથ ધરવામાં આવ્યું છે, જેને પરિણામે 65 લાખ જેટલા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી થઈ જવા પામ્યા હતા. આને મુદ્દો બનાવીને વિપક્ષો આંદોલન કરી રહ્યા હતા. તેમની દલીલ એવી છે કે, મતદાર યાદીની આ પુનઃ સુધારણા એ એની એક પ્રકારની સાફસૂફી છે. જાણે કે વિપક્ષની આ વાતને ટેકો આપતા હોય તેમ રિવાથી નિર્વાચિત ભારતીય જનતા પાર્ટીના સાંસદ જનાર્દન મિશ્રાએ પોતાના મતવિસ્તારનો દાખલો આપણા કહ્યું છે કે, વૉટર લિસ્ટમાં મોટા પાયે ધાંધલી થાય છે.તેમના જ મતવિસ્તારમાં એક ઓરડામાં 1,000 જેટલા વૉટર નોંધાયા હતા અને તે સામે 1,100 નું વૉટિંગ થયું હતું. એનાથી મોટું ઉદાહરણ બીજું કયું હોઈ શકે?
ચૂંટણી પ્રક્રિયામાં ધાંધલી
(Jitundra [Jitu] Patwari@ jitupatwari) બીજા એક વ્યક્તિ શૈલેન્દ્ર શાક (Ingloriourwarrior@ShaildndraSak13) પણ રિવા જિલ્લાની મનગાઉ વિધાનસભા સીટનો દાખલો આપી એક એક ઘરમાંથી 1000 થી 1200 વૉટર નોંધાતા હતા અને તત્કાલીન કોંગ્રેસી નેતા શ્રીનિવાસ તિવારી આવા ગોટાળિયા મતદાનને કારણે જ જીતતા હતા તેનું ઉદાહરણ આપતાં કહે છે કે, તે સમયે રિવાની સરખામણી બિહાર સાથે થતી હતી! આમ, ચૂંટણી પ્રક્રિયામાં ધાંધલી થવી એ કાંઈ આજકાલની વાત નથી.
ચૂંટણી યાદીમાં ગોલમાલ મામલે પક્ષ અને વિપક્ષની કબૂલાત
અનુરાગ ઠાકુરે પણ પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં કૉંગ્રેસના કેટલાક નેતાઓ આ જ રીતે મતદાનમાં ગોટાળા કરાવીને જીત્યા હતા એના ઉદાહરણ આપ્યા હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે, ચૂંટણી યાદીમાં મોટા પાયે ગોલમાલ થાય છે એવું સત્તાધારી તેમજ વિપક્ષ બધા જ સ્વીકારે છે એટલે આ સંદર્ભે વિપક્ષ જે વાત કરે છે તે મુજબ આખીયે ચૂંટણીની પ્રક્રિયામાં મતદાર યાદીમાં મોટા પાયે ગોલમાલ થકી ચૂંટણી જીતી જવાની વાત જેને બિહારમાં 65 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા તે ભાજપ તરફી ઝોક સાથે કામ કરી રહેલું ચૂંટણી પંચ એક સહેતુક પ્રક્રિયાના ભાગ રૂપે કરતું હતું તેવો આક્ષેપ મૂકી સત્તાધારી પક્ષ તેમજ ચૂંટણીપંચ બંને પર વૉટચોરી અને તે રીતે ‘ચૂંટણીચોરી’ના મુદ્દે આંદોલન કરી રહ્યો છે, તેના મૂળમાં તથ્ય છે એવું તો સત્તાધારી અને વિપક્ષ બંને કહે છે.
બંધારણીય સંસ્થામાંથી લોકોનો ઉઠ્યો વિશ્વાસ
લોકશાહીની મૂળ વ્યાખ્યા મુજબ લોકશાહી એટલે લોકોની, લોકો વડે, લોકો માટે ચાલતી શાસનવ્યવસ્થા. આ શાસનવ્યવસ્થા લોકોની તો જ હોઈ શકે જો લોકપ્રતિનિધિ સાચી રીતે અને સાચા મતથી ચૂંટાય. આમ લોકશાહીનું પાયાનું એકમ નાગરિક અને તેનો મત છે. જો કોઈ પણ રીતે નાગરિકનો મતાધિકાર ઝૂંટવાય અથવા તો નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવામાં આવે તો લોકશાહી વ્યવસ્થા ધીરે ધીરે એકાધિકારવાદ તરફ સરકી જાય છે, બંધારણીય સંસ્થાઓ જેવી કે લોકસભા, ધારાસભા, સુપ્રીમ કોર્ટ, ચૂંટણી કમિશન, કેગ વગેરેમાંથી આમ જનતાનો વિશ્વાસ ડગી જાય છે. આમ થવું એ કોઈ પણ લોકશાહી વ્યવસ્થા માટે અરાજકતા તરફ જવા માટેનું પહેલું પગલું છે.
ચૂંટણીપંચે બિહારમાંથી 65 લાખ જેટલા ઉમેદવારો કમી કરી નાખ્યા
વિવિધ કારણોસર ચૂંટણીપંચે બિહારમાંથી 65 લાખ જેટલા ઉમેદવારો કમી કરી નાખ્યા. ચૂંટણી નિષ્પક્ષ નથી થતી એવો આક્ષેપ 2024 ની લોકસભાની ચૂંટણીઓ અને ત્યાર બાદ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યની ચૂંટણી પ્રક્રિયામાં સત્તાધારી પક્ષની તરફેણમાં ચૂંટણીપંચે તેમજ સરકારી મશીનરીએ ગે૨રીતિઓ થવા દીધી હતી તેવો આક્ષેપ છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે વિગતો કરી જાહેર
બિહારનો સમગ્ર મામલો જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ ગયો ત્યારે સુપ્રીમ કોર્ટ અગાઉ જે માટે ધરાર ના પાડતું હતું તે બિહારની મતદાર યાદીમાંથી જે 65 લાખ મતદારો કમી કરવામાં આવ્યા તેને તેમની વિગતો સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા બાદ માત્ર 56 કલાકના જ સમયમાં ચૂંટણીપંચે જાહેર કરી દીધી હતી. ત્યાર પછી થયેલી પ્રેસવાર્તામાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે તા. 17 ઑગસ્ટના રોજ ભારપૂર્વક એવું કહ્યું હતું કે, મતદારો તેમજ રાજકીય પક્ષો દ્વારા પહેલી સપ્ટેમ્બર,2025 પહેલા પોતાની રજૂઆત ચૂંટણી કમિશનને મળી જવી જોઈએ. ત્યાર બાદ મળેલ રજૂઆતો ધ્યાનમાં લેવાશે નહીં. ચૂંટણી કમિશન દ્વારા મતદાર યાદી સુધારણાની ખાસ ઝૂંબેશ બિહારમાં હાથ ધરાઈ. તેના ટેકામાં જ્ઞાનેશકુમારનું કહેવું હતું કે, છેલ્લા બે દાયકાથી વિવિધ રાજકીય પક્ષો મતદાર યાદીમાં ઘૂસી ગયેલ ભૂલચૂક તેમજ ગોટાળા સુધારવા માટે માગણી કરી રહ્યા હતા. આ માગણીના અનુસંધાને ઇલેક્શન કમિશન દ્વારા બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે મતદાર યાદીની ખાસ સુધારણા હાથ ધરવામાં આવી છે અને હવે પછી જે રાજ્યમાં ચૂંટણી ક૨વામાં આવશે ત્યાં પણ આવી ઝૂંબેશ માટેનું સમયપત્રક નક્કી કરી ટૂંક સમયમાં એની જાહેરાત ક૨વામાં આવશે.
ઉલટાનો ચોર કોટવાલને દંડે તે રીતે જ્ઞાનેશકુમારના આક્ષેપ
વિપક્ષો જેને ‘મતચોરી-વૉટચોરી’ કહે છે તે આક્ષેપને નકારી કાઢતાં એમની વાતો તથ્યહીન હોવાનું મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું. ઉલટાનો ચોર કોટવાલને દંડે તે રીતે જ્ઞાનેશકુમારે આક્ષેપ કર્યો હતો કે, ‘જિલ્લા પ્રમુખોની કક્ષાએથી તેમજ દરેક રાજકીય પક્ષના બુથસ્તરના એજન્ટ્સની માહિતી કદાચ આ પાર્ટીઓના મુખ્યાલય સુધી પહોંચતી નથી.’ બિહારમાં અત્યારે જ કેમ મતદાર સુધારણા હાથ ધરવામાં આવી અને 65 લાખ જેટલા મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા? જેના જવાબમાં ચૂંટણી પંચે કહ્યું કે ૧ જાન્યુઆરી, ૨૦૨૫માં એક રિવિઝન થયું હતું ત્યાર બાદ પહેલી એપ્રિલે આ ઝૂંબેશ શરૂ કરવાનું વધારે પડતું વહેલું હતું જ્યારે 1, ઑક્ટોબર 2025 ની તારીખ ખૂબ મોડી પડી હોત. ખાસ કરીને બિહારમાં નવેમ્બર, 2025 માં ચૂંટણીઓ થવાની છે ત્યારે અત્યારના જ સમયપત્રક પ્રમાણે કામ કરવું ચૂંટણી પંચ માટે લગભગ ફરજિયાત હતું.
જ્ઞાનેશકુમાર પાસે સ્પષ્ટ જવાબ નહીં
એક જ જગ્યાએથી સેંકડો અથવા હજારો મતદારો નોંધાયા હોય તે અંગે જ્ઞાનેશકુમાર પાસે કોઈ સ્પષ્ટ જવાબ નહોતો એટલે એમણે આ જવાબદારી બીએલઓ પર ઢોળી દેવાનું ઉચિત માન્યું હતું.
રાજીવકુમાર ગુપ્તા દેશ છોડી જતા રહ્યા
આ બધાની વચ્ચે થોડા મહિનાઓ પહેલા જ નિવૃત્ત થયેલા જ્ઞાનેશકુમારના પુરોગામી રાજીવકુમાર ગુપ્તા નિવૃત્તિ બાદ ક્યાં છે તે પણ ચર્ચાનો વિષય બન્યું છે. કહેવાય છે કે, એમણે આ દેશ છોડીને બીજા કોઈ દેશનું નાગરિકત્વ લઈ લીધું છે અને તેનો ભારત છોડી ગયા છે. આ સાચું હોય તો ચૂંટણી કમિશનર તરીકે તેમણે ગેરરીતિઓ આચરવામાં જે ભાગ ભજવ્યો હશે અને જો સત્તાપલટો થાય તો ‘પોતાનું આવી બને’ એવા ભયથી તેઓએ વિદેશી નાગરિકત્વ લઈને કદાચ આ દેશ છોડી જવાનું પસંદ કર્યું હશે.
ચૂંટણીપંચ પોતાની ફરજ પારદર્શિતા અને નિષ્પક્ષતાપૂર્વક બજાવવામાં નિષ્ફળ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ પણ રાજીનામું આપ્યા બાદ જાહેરમાં ક્યાંય દેખાયા નથી એટલે કે ગૂમ છે, તે પણ આ પ્રકારની ચર્ચાઓને વેગ આપે છે.ટૂંકમાં, એક કહેવત પ્રમાણે, ‘માત્ર ન્યાય થાય એટલું જ પૂરતું નથી. ન્યાય કરવામાં આવ્યો છે, તેની પણ પ્રતીતિ થવી જોઈએ. આમ નહીં કરીને ચૂંટણીપંચે પોતાની વિશ્વસનિયતાના મૂળમાં કુઠારાઘાત કર્યો છે. આખોય પ્રશ્ન પારદર્શિતાને સ્પર્શે છે અને એ મુદ્દે રાજીવકુમાર હોય કે જ્ઞાનેશકુમાર – તેઓ ટી. એન. શેષાન કે માઇકલ લિંગદોહના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી. આજે ભારતીય લોકશાહી પર અનિશ્ચિતતાના કાળા વાદળ છવાયા છે, તેનું મૂળ કારણ આ દેશની બંધારણીય સંસ્થાઓ અને તેમાંય ચૂંટણીપંચ પોતાની ફરજ પારદર્શિતા અને નિષ્પક્ષતાપૂર્વક બજાવવામાં નિષ્ફળ ગઈ છે, તે છે.
આ પણ વાંચો:
UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી
Jammu Kashmir Flood : વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત, આજે પણ વાદળ ફાટવાનો ભય
Surat: ભાઈએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ, ટ્રેનના શૌચાલયની કચરાપેટીમાંથી મળી બાળકની લાશ!
That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!