
મેહૂલ વ્યાસ
Digital Kumbhsnan: પ્રયાગરાજમાં હાલ મહાકુંભ ચાલી રહ્યો છે. કરોડોની સંખ્યામાં લોકો ત્યાં સ્નાન કરવા પહોંચી રહ્યા છે. ત્યારે તમે અહીંના મારામારી, તોડફોડ, આગના વિડિયો તો જોયા હશે. પણ હવે એક ભાઈ ડિજિટલ કુંભસ્નાન માટે સ્કીમ લાવ્યા છે. જેનો એક વિડિયો વાઈલ થયો છે. આ સ્નાન કરવા માટે રુ. 1100 ચૂકવા પડશે. તેવુ વિડિયોમાં યુવક જણાવી રહ્યો છે. યુવક સંગમના પાણીમાં ફોટા ડૂબાડી ઘરે બેઠાં તમને સ્નાન કરાવવાનો દાવો કરે છે. જો કે હવે આ વિડિયો તમે જોશો તો ચોક્કસ તમે હસ્યા વગર નહીં રહો.
યુવક દાવો કરે છે કે જો તમે તમારો ફોટો વોટ્સએપ પર મોકલશો, તો તેને ગંગામાં ડૂબકી લગાવવા અને કુંભસ્નાન કરાવવામાં આવશે. આ રીતે, તમે પણ ‘144 વર્ષ’ પછી આવતા મહાકુંભનું ‘મહાન પુણ્ય’ મેળવી શકો છો.
બોલો… ડિજીટલ સ્નાન અને એ પણ માત્ર 1100 રૂપિયામાં… ના ટ્રેનની ટિકિટ કરાવવાની… ના ભીડમાં હેરાન થવાનું… ના પ્રયાગરાજનો ધક્કો ખાવાનો… ના નાવડીવાળાને કરગરવાનું અને ના તો પલળવાનું… ઘરે બેઠાં જ થઈ જાય ડિજીટલ સ્નાન…
આ દિપક ગોયલને સૂઝ્યું હશે કે આ દેશમાં ધર્મના નામે ધંધો સારો ચાલે છે તો ચાલો ડિજીટલ સ્નાન કરાવીને કમાણી કરી લઈએ…. ખર્ચો કેટલો તો… ફોટો પ્રિન્ટ કરાવવાના પાંચથી પચ્ચીસ રૂપિયાનો ખર્ચો… ગંગાજી સુધી બાઈક પર જવાનો ખર્ચો… ત્યાં ચા –નાસ્તો કરવાનો ખર્ચો… બધ્ધુ ભેગું કરીએ તોય… 100 રૂપિયાથી વધારે ખર્ચો ના થાય… છતાં માત્ર 1100 રૂપિયામાં દિપકલાલ લોકોને ડિજીટલ સ્નાન કરાવી રહ્યાં છે.
એમનાં હાથમાં ફોટોગ્રાફ છે એ જોતાં લાગે છે કે આવા નંગનેય નમૂનાઓ મળી જ રહ્યાં છે. આવી રીતે ડિજીટલ સ્નાન કરી પાવન થનારા લોકોને ભગવાન સદબુદ્ધિ આપે…
કારણકે, સાક્ષાત્ ગંગામાં સ્નાન કરવાથી પણ કંઈ પાપ નથી ધોવાતાં… કોઈ હત્યારો, ભ્રષ્ટાચારી, બળાત્કારી, બીજાનું પડાવી લેવાની વૃત્તિવાળો, બીજી વ્યક્તિઓને રંજાડનારો… આખો દિવસ ગંગામાં પડ્યો રહે તોય એના પાપ ના ધોવાય.
દિપક ગોયલની માફક મને પણ એક વિચાર આવે છે… કે હું ડિજીટલ ટૂર શરૂ કરાવું… 50 લાખથી 1 કરોડનો ખર્ચો કરીને ડંકી રૂટથી અમેરિકા જતાં લોકોને માત્ર 51000 રૂપિયામાં ડિજીટલ અમેરિકા પ્રવાસ કરાવવામાં શું ખોટું છે? જેને અમેરિકા જવું હોય એ વોટ્સએપ પર એમનો ફોટો મોકલે, 51,000 રૂપિયા મોકલે… એટલે એમનો ફોટો અમેરિકામાં ફરવા માટે મોકલી આપીશ… એમને ઘરે બેઠાં અમેરિકા ફર્યાનું પુણ્ય મળશે અને મને મામૂલી રકમની કમાણી થશે… સાચી વાત છે ને…
આ પણ વાંચોઃ Junagadh: જૂનાગઢમાં 4 દિવસના મહાશિવરાત્રિ મેળાનો આજથી પ્રારંભ, લાખો ભક્તોની જનમેદની ઉમટશે
FBI Director: મૂળ આણંદ જીલ્લાના કાશ પટેલે અમેરિકામાં મોટી જવાબદારી સંભાળી, બન્યા FBIના ડિરેક્ટર