
Gandhinagar: ગાંધીનગરના દહેગામમાં 14 સપ્ટેમ્બર 2025ની મોડી રાત્રે એક પરિણીત યુવતીના અપહરણની ઘટનાએ ચકચાર મચાવી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં યુવતીના મામા સહિતના લોકો દ્વારા તેને બળજબરીપૂર્વક કારમાં લઈ જવાના દૃશ્યો કેદ થયા હતા. યુવતીના પતિ રવિ હિતેન્દ્રકુમાર પટેલે દહેગામ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે, તેની પત્ની આયુષીને તેના મામા કાનજીભાઈ રબારી, કેવુલભાઈ, દક્ષ, ગોવિંદ અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ લાકડીઓ અને ગડદાપાટુથી હુમલો કરી, બળજબરીપૂર્વક કિયા કારમાં ઉઠાવી લીધી હતી.
ગાંધીનગર અપહરણ કેસમાં નવો વળાંક
ફરિયાદ બાદ યુવતીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો, જેમાં તેણે અપહરણનો ઇન્કાર કર્યો અને જણાવ્યું કે તે સ્વેચ્છાએ પોતાના માતા-પિતાના ઘરે ગઈ છે. યુવતીએ પતિ અને સાસરિયાં પર ત્રાસ આપવાના આરોપ પણ લગાવ્યા. આયુષીએ દહેગામ પોલીસ સ્ટેશનમાં હાજર થઈને નિવેદન આપ્યું કે, તેનો પતિ રવિ સુસાઈડની ધમકી આપીને તેને બ્લેકમેઇલ કરતો હતો, જેના કારણે તે પતિ સાથે રહેવા માંગતી નથી. તેણે આ અંગે કોર્ટમાં એફિડેવિટ પણ કરી હોવાનું જણાવ્યું.
એક આરોપીની ધરપકડ
આ મામલે દહેગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. એએસપી આયુષ જૈનની આગેવાનીમાં બે ટીમો રચીને ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી, જેમાં એક આરોપી દક્ષ રબારીની ધરપકડ કરવામાં આવી. ગાંધીનગર SP રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું કે, યુવતી સ્વેચ્છાએ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ અને તેણે પોતાના માતા-પિતા સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી. હવે આ મામલે ગેરકાયદેસર મંડળી રચીને યુવકના ઘરમાં ઘૂસવાનો ગુનો નોંધાશે.
દોઢ વર્ષ પહેલાં કર્યા હતા કોર્ટ મેરેજ
રવિ અને આયુષીએ દોઢ વર્ષ પહેલાં પ્રેમસંબંધ બાંધીને કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ ચાર મહિના સુધી તેઓ બહાર રહ્યા અને છેલ્લા બે મહિનાથી દહેગામમાં રવિના પરિવાર સાથે રહેતા હતા. આઠ મહિના પહેલાં પણ બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો, જ્યારે યુવતીએ પોલીસ સમક્ષ પતિ સાથે જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, હવે યુવતીના નવા નિવેદનથી આ કેસમાં નવો વળાંક આવ્યો છે, અને પોલીસ આગળની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:
Womens safety in India: ઘર, શાળા, ઓફિસ કે જાહેર રસ્તા, મહિલાઓ માટે ક્યાંય નથી સલામતી!
Bhavnagar: ‘તમારું ભાષણ અમને પસંદ નથી’ મોરારિબાપુના ગામ લોકોએ સ્વામિનારાયણના સંતોને ભગાડ્યાં
Bhubaneswar: સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ટોપર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, ઘરમાંથી મળ્યો ખજાનો
Heavy rain in Dehradun: દેહરાદૂનમાં વાદળ ફાટ્યું, ટપકેશ્વર મહાદેવ મંદિર થયું જળમગ્ન









