
Mehul Vyas, પત્રકાર
Gujarat Heavy Rain: છેલ્લાં 30 વર્ષોથી ગુજરાત પર એકહથ્થુ શાસન ભોગવતી ભારતીય જનતા પાર્ટી હવે તો નરેન્દ્ર મોદી પાર્ટી તરીકે ઓળખવી પડે તેવી સ્થિતિ છે. પણ, જેમ નરેન્દ્ર દામોદરદાસ મોદી વિકાસના નામ પર પ્રજાનો વિનાશ કરવામાં કોઈ અસર છોડતાં નથી. એવી જ રીતે એમની ચરણ ચાંપી સત્તા પર આવેલાં મકોડાંઓથી માંડી મગતરાંઓ પણ પ્રજાને તો સાવ ઠેબે જ ચડાવે છે. નિતી – નૈતિકતા – જવાબદારી જેવાં ઉદ્દાત્ત મૂલ્યો જેમને ભણાવવામાં જ નથી આવ્યાં, સેટિંગ, કરપ્શન, ચાંપલુસી જેમની નસોમાં વહે છે એવાં સત્તાધારીઓના પાપે આજે અમદાવાદ સહિત રાજ્યભરની જનતા હેરાન પરેશાન થઈ રહી છે. આજે એનું વધુ એક ઉદાહરણ બે ઇંચ વરસાદે અમદાવાદમાં પુરું પાડ્યું, તો રાજ્યમાં પણ ઠેર ઠેર આવી જ હાલત જોવા મળી હતી.
નહેરુંનાં નામે થૂંક ઉડાડતાં ઉડાડતાં સત્તા પ્રાપ્ત કરનાર મોદી સહિતના નેતાઓએ બાદમાં તો ઔરંગઝેબ – બાબર વગેરેના નામે વિવાદો સર્જી, મોંઘવારી – બેરોજગારી સહિતના પ્રશ્નોને કોરાણે મૂકી દીધાં હતાં અને હજી આમ જ કરતાં રહેવાનાં છે. તો હવે શું બે ઇંચ વરસાદમાં અમદાવાદના રસ્તાઓ પાણીમાં ગરક થઈ ગયાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો એના માટે આ ડબલ એન્જિન સરકારના ઝંડાધારીઓ અમદાવાદની દુર્દશા માટે સુલતાન અહમદ શાહનો વાંક કાઢશે?
કમળ જેવી આંખમાં મોદી – શાહના નામનું કાજળ ભરીને જોઈએ તો કદાચ ખરેખર સુલતાન અહમદ શાહનો જ વાંક ગણાય. ઇ.સ. 1411માં અમદાવાદ શહેર વસાવતી વખતે તેમની અંદર કોઈ દુરદર્શિતા જ નહોતી. કોઈ સસલાંને કૂતરાં સાથે બાથ ભિડતાં જોયું… કદાચ સસલું કોઈ પદાર્થ પી ગયું હશે અથવા તો સુલતાન કંઇક પીણું પી ગયાં હશે કે એમને લાગ્યું કે આ જગ્યા પર શહેર વસાવીએ…. અને વસાવી દીધું…
વર્લ્ડ હેરિટેજ સ્ટેટસ ધરાવતાં અમદાવાદને જો સુલતાને વસાવ્યું જ ના હોત તો આજે ભાજપાવાળાઓને… સોરી… ક્ષમા કરજો… મોદી સાહેબના ડબલ એન્જિનથી ભ્રષ્ટાચાર કરનારાઓ સામે આટલું લાંબું મારે લખવું ના પડ્યું હોત.
વડોદરા હરણી બોટ કાંડની પિડીત માતાઓએ ન્યાય માંગ્યો ત્યારે પોતાની જાતને સંવેદનશીલ કહેવડાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી તેઓ કોઈ વિશેષ એજન્ડા લઈને આવ્યાં છે તેવો સીધો આક્ષેપ કર્યો હતો. બાદમાં એ પિડીતોને ન્યાય મળ્યો હોય એની તો કોઈ ખબર નથી પણ, ભૂપાદાદાની સરકારે હરણી બોટકાંડના પિડીતો માટે લડતાં વડોદરા ભાજપના કાઉન્સિલર આશિષ જોષીને જ લાઈન બહાર કરી નાંખ્યાં.
આજે રાજ્યભરમાં મેઘરાજે ડબલ એન્જિનનાં બધાં પૂરજા પલાળી નાંખ્યાં છે ત્યારે ભૂપેન્દ્ર પટેલને પ્રશ્ન પુછવાનું મન થાય કે, સાહેબ, પ્રજાનું કેટલું અહિત કરવાનો એજન્ડા, દિલ્હીથી આપને આપવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલ સાહેબ… તમને તો ખબર જ છે કે, મોદી સાહેબે, લોકતંત્રના ચારેય સ્તંભો પોતાના ખિસ્સામાં સરકાવી દીધાં છે. સંસદ અને વિધાનસભામાં તો એમનું રાજ છે જ, અમલદારો એમની આંખના ઇશારે નાચે છે. ન્યાયતંત્ર પર પણ સાહેબનો પડછાયો પડી ચૂક્યો હોય તેવું અનેકવાર સાબિત થઈ ચૂક્યું છે. મીડિયાને તો એમણે ખોળામાં ગલુડિયાની માફક રમાડવાનું વર્ષોથી શરૂ કરેલું છે.
હવે અમારા જેવાં જનહીતની ચિંતા કરવાવાળાઓ છે જેમને ચૂપ રહેવું પાલવતું નથી. ચાંપલુસી કરતાં ફાવતું નથી. અને ડરવાનું તો આવડતું જ નથી. માટે અમે તો બોલીશું જ. અમારો એક જ એજન્ડા છે અને એ એજન્ડા છે દેશહિત માટે વિચારવું… જ્યાં અવસર મળે વિચારને પ્રગટ કરવો… દેશને ઘોર નિરાશામાં લઈ જનારા ભ્રષ્ટાચારીઓની સામે લાલ આંખ કરવી. પરિણામ જે આવવું હોય તે આવે. એની કોઈ ફિકર નથી. ફિકર માત્ર એટલી જ છે કે ફકીરીના નામે એક શખ્સ આ દેશની સામાન્ય જનતાને અનેક ફિકર કરાવી રહ્યો છે અને હજી કેટલું ડૂબાડશે એની કોઈ જ ગણતરી નથી.
એકંદરે, આખી વાતનો સાર એટલો જ છે કે, કમળનો ભરોસો કરનાર અમદાવાદીઓના ભરોસાની ભેંસ કાદવામાં ગઈ છે.
આ વિચારો પત્રકારના સ્વતંત્ર છે. ધ ગુજરાત રિપોર્ટ પુષ્ટી કરતું નથી.
આ પણ વાંચો:
UP: શાળાઓ મર્જ કરવાના યોગી સરકારના નિર્ણય સામે ભારે વિરોધ, વિદ્યાર્થીઓની અટકાયત કરતાં ભારે હોબાળો
America plane fire: પ્લેન ઉડાન ભરે તે પહેલા લાગી આગ, જે મુસાફરોનું થયું તે જોઈ હચમચી જશો!
Gujarat heavy rain: બનાસકાંઠામાં મેઘતાંડવ, 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
મોદી માત્ર શોબાજી કરે છે, કંઈ જ દમ નથી: રાહુલે ભડાસ કાઢી કહ્યું કે મારી આટલી ભૂલો છે! | Rahul Gandhi