
Gujarat PET Teacher Protest: ગુજરાતમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ સાથે ઉમેદવારોનું આંદોલન ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં સાતમા દિવસે પણ ચાલુ છે. લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારોનું કહેવું છે કે સરકાર તરફથી વારંવાર પ્રક્રિયા ચાલુ હોવાના આશ્વાસન મળે છે, પરંતુ હજુ સુધી ભરતીનું જાહેરનામું બહાર પડ્યું નથી. ઉમેદવારોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીનું નોટિફિકેશન જાહેર નહીં થાય ત્યાં સુધી તેઓ આંદોલન સમાપ્ત નહીં કરે.
આ આંદોલનમાં મહિલાઓ, પુરુષો અને પરિવારની જવાબદારીઓ સંભાળતા ઉમેદવારો પણ જોડાયા છે. કેટલીક મહિલાઓ પોતાના નાના બાળકોને સાથે લઈને સત્યાગ્રહ છાવણીમાં બેસી રહી છે. તેમનું કહેવું છે કે ઘર અને બાળકોની જવાબદારી વચ્ચે આંદોલન કરવું મુશ્કેલ છે, પરંતુ નોકરી અને ન્યાય મેળવવા માટે તેમની પાસે આ રસ્તો અપનાવવા સિવાય બીજો વિકલ્પ રહ્યો નથી.
19 મહિનાની રાહ બાદ ઉમેદવારોમાં આક્રોશ
ઉમેદવારોના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા 19 મહિનાથી સરકાર તરફથી ભરતી અંગે નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. આ સમય દરમિયાન અનેક વખત સંબંધિત નેતાઓ અને અધિકારીઓ સાથે મુલાકાત કરવામાં આવી છે. દરેક વખતે તેમને કામ શરૂ હોવાની અને પ્રક્રિયા આગળ વધી રહી હોવાની માહિતી આપવામાં આવે છે.
ઉમેદવારોનું કહેવું છે કે વારંવાર એક જ પ્રકારના જવાબ મળવાથી હવે તેમની ધીરજ ખૂટી રહી છે. તેઓ તાત્કાલિક નિમણૂકની માંગ કરતા નથી, પરંતુ સરકાર વહેલી તકે ભરતીનું નોટિફિકેશન બહાર પાડે તેવી તેમની મુખ્ય માગણી છે.
મહિલાઓ માટે આંદોલનમાં જોડાવું બન્યું મુશ્કેલ
અમદાવાદથી આવેલી ભાવનાબેને જણાવ્યું કે તેઓ અગાઉ 32 દિવસ સુધી આંદોલનમાં બેઠાં હતાં અને હવે ફરી શરૂ થયેલા આંદોલનમાં સાત દિવસથી જોડાયેલાં છે. તેમની માંગ છે કે વર્ષ 2023માં લેવાયેલી SET પરીક્ષા અને ખેલ અભિરુચિના આધારે કાયમી ભરતી કરવામાં આવે.
અમદાવાદનાં જ જીનલબેને જણાવ્યું કે મહિલાઓ માટે આંદોલનમાં ભાગ લેવો સરળ નથી. બાળકોને સાથે લાવવા પડે છે, ઘરની જવાબદારીઓ સંભાળવી પડે છે અને પરિવારને પણ જવાબ આપવો પડે છે. તેમ છતાં ન્યાય મેળવવા માટે સત્યાગ્રહ છાવણીમાં આવવું તેમની મજબૂરી બની ગયું છે.
રોશનીબેન વરમોરા પણ પોતાના બાળકને લઈને સાત દિવસથી આંદોલનમાં બેઠાં છે. તેમણે જણાવ્યું કે આખો દિવસ ધરણા પર બેસવાની સાથે બાળકની સંભાળ રાખવી પડે છે. પરિવારનો સહયોગ હોવા છતાં આ સ્થિતિ મુશ્કેલ છે. તેમનું કહેવું છે કે બાળકોના ભવિષ્ય માટે માતાને નોકરીની જરૂર છે અને તેથી આંદોલન ચાલુ રાખવું જરૂરી બન્યું છે.
અગાઉ 32 દિવસનું આંદોલન કર્યા પછી પણ ભરતીની રાહ
ઉમેદવારોના જણાવ્યા અનુસાર, અગાઉ તેમણે 32 દિવસ સુધી આંદોલન કર્યું હતું. તે સમયે તેમની મુખ્ય માંગ 15 વર્ષથી અટકેલી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી શરૂ કરવાની હતી. આંદોલન બાદ ભરતી માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. જોકે, ત્યારબાદ પણ પ્રક્રિયા આગળ વધવામાં વિલંબ થઈ રહ્યો હોવાનો ઉમેદવારોનો આક્ષેપ છે.
ઉમેદવારોનું કહેવું છે કે જો પ્રક્રિયા આ જ ગતિએ ચાલશે તો ભરતીમાં વધુ એકથી બે વર્ષ લાગી શકે છે. કેટલાક ઉમેદવારોની ઉંમર વધી રહી છે અને તેમના વાળ પણ સફેદ થઈ ગયા છે. તેમના માટે આ જીવનની છેલ્લી નોકરીની તક બની શકે છે. વધુ વિલંબ થાય તો તેઓ નોકરીની વયમર્યાદા વટાવી શકે છે.
મુખ્યમંત્રી સાથે મુલાકાત છતાં લેખિત ખાતરીની માંગ
આંદોલનકારીઓના જણાવ્યા અનુસાર, તાજેતરમાં યોગેશભાઈ સહિત બે બહેનો અને અન્ય બે ઉમેદવારો મુખ્યમંત્રીને મળ્યા હતા. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી તરફથી ભરતીની કામગીરી ચાલુ હોવાનું અને પ્રક્રિયા આગળ વધી રહી હોવાનું જણાવાયું હતું.
જોકે, ઉમેદવારોનું કહેવું છે કે છેલ્લા 19 મહિનાથી તેમને આવા જ આશ્વાસન મળી રહ્યાં છે. તેથી હવે માત્ર મૌખિક ખાતરીથી તેઓ આંદોલન સમાપ્ત કરવા તૈયાર નથી. તેમના હાથમાં સત્તાવાર જાહેરનામું આવે તે પછી જ આગળનો નિર્ણય લેવામાં આવશે.
2023ની પરીક્ષાના આધારે ભરતી અને વયમર્યાદામાં રાહતની માંગ
ઉમેદવારોએ પોતાની બે મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. પ્રથમ, વર્ષ 2023માં લેવાયેલી SET પરીક્ષા અને ખેલ અભિરુચીના આધારે કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે. બીજી, કાયમી ભરતી વખતે હાલ કરાર આધારિત ખેલ સહાયક તરીકે કામ કરતા ઉમેદવારોને વયમર્યાદામાં રાહત આપવામાં આવે.
ઉમેદવારોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રીએ અગાઉ અધિકારીઓને ખેલ સહાયકોની ઉંમરનો મુદ્દો ધ્યાનમાં રાખવા સૂચના આપી હોવાનું જણાવાયું હતું. જોકે, આ અંગે લેખિત આદેશ અને ભરતીનું જાહેરનામું બહાર પડે તેવી તેમની માંગ છે.
26 તારીખથી કરાર આધારિત નોકરી પર નહીં જોડાવાનો નિર્ણય
આંદોલનકારીઓએ વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપી છે. તેમના જણાવ્યા અનુસાર, હાલ ઘણા ઉમેદવારો 11 મહિનાના કરાર આધારિત ખેલ સહાયક તરીકે નોકરી કરે છે. 26 તારીખે વેકેશન પૂર્ણ થયા બાદ કેટલાક ઉમેદવારો ફરી ફરજ પર હાજર થવાના હતા.
જોકે, સંગઠનો અને ઉમેદવારો વચ્ચે ચર્ચા બાદ 26 તારીખે કરાર આધારિત નોકરી પર હાજર ન થવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું યોગેશભાઈએ જણાવ્યું હતું. કાયમી ભરતી અંગે સરકાર યોગ્ય નિરાકરણ લાવે ત્યારબાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે.
નોટિફિકેશન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
સત્યાગ્રહ છાવણીમાં બેઠેલા ઉમેદવારોનું કહેવું છે કે તેઓ સરકારનો વિરોધ કરવા નહીં, પરંતુ પોતાની નોકરી અને ભવિષ્ય માટે ન્યાય મેળવવા આવ્યા છે. તેઓ સરકારને વહેલી તકે નિર્ણય લેવા અપીલ કરી રહ્યા છે. સાત દિવસથી ચાલી રહેલા આંદોલનમાં ઉમેદવારોની સંખ્યા પણ વધી રહી છે.
ઉમેદવારોએ સ્પષ્ટ કર્યું છે કે મૌખિક આશ્વાસનના આધારે તેઓ હવે ઘરે પાછા નહીં ફરે. કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીનું સત્તાવાર નોટિફિકેશન હાથમાં નહીં આવે ત્યાં સુધી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં તેમનું આંદોલન ચાલુ રહેશે.









