
Gujarat rain: ગુજરાતમાં ચોમાસું હવે પૂરજોશમાં આવ્યું છે અને રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદે જોર પકડ્યું છે. હવામાન વિભાગે આજે, 7 જુલાઈ 2025ના રોજ, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં ભારે થી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ઉપરાંત, સુરત, ડાંગ અને તાપી જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં 203 તાલુકાઓમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 203 તાલુકાઓમાં વરસાદે ધબધબાટી બોલાવી છે, જેના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. સૌથી વધુ વરસાદ ડોલવણમાં નોંધાયો, જ્યાં 6.18 ઇંચ વરસાદ ખાબક્યો. આ ઉપરાંત, સુબિરમાં 5.2 ઇંચ, બારડોલીમાં 4.92 ઇંચ, પલસાણામાં 4.45 ઇંચ, વલભીપુરમાં 4.09 ઇંચ, વ્યારામાં 3.9 ઇંચ, વાંસદામાં 3.54 ઇંચ અને સોનગઢમાં 3.35 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતમાં 2.72 ઇંચ, ડાંગના આહવામાં 2.64 ઇંચ અને વાગરામાં 2.60 ઇંચ વરસાદે ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી છે. જોકે, કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે.
આવતી કાલે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે પણ વરસાદની આગાહી કરી છે. 8 જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદની અપેક્ષા છે.
નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવાની સુચના
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે લોકો અને સ્થાનિક પ્રશાસનને સાવચેતી રાખવાની સૂચના આપી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ટાળવા અને જરૂરી તૈયારીઓ કરવા માટે સલાહ આપવામાં આવી છે. આમ, ગુજરાતમાં ચોમાસાએ રાજ્યના મોટાભાગના ભાગોને ભીંજવી દીધા છે ચોમાસાના પહેલા વરસાદમાં જ નદી નાળાઓ અને ડેમ છલકાયા છે.