
ડૉ. જયનારાયણ વ્યાસ
India-Pakistan: પહેલગાંવમાં થયેલ આતંકવાદી હુમલાને પગલે ભારતે પાકિસ્તાન સાથેના ‘સિંધુ જળ સંધિ’ રદ કર્યા તેનાથી નારાજ પાકિસ્તાન ધી હેગ, નેધરલેન્ડ્સમાં પીસ પેલેસ ખાતે આવેલ પરમેનન્ટ કોર્ટ ઑફ આર્બીટેશન પાસે પહોંચ્યું હતું, જેણે પાકિસ્તાનની તરફેણમાં ચુકાદો આપ્યો છે. સિંધુ જળ સંધિની જોગવાઈઓ હેઠળ પાકિસ્તાને ભારતના બે પ્રોજેક્ટ્સની ડિઝાઇન સામે વાંધો ઉઠાવતી અરજી કરી હતી. આ ચુકાદાને કારણે પાકિસ્તાનની કાયદાકીય સ્થિતિ તેમજ વિશ્વ સમુદાય સમક્ષ તેના વલણને ચોક્કસ એક નૈતિક બળ મળ્યું છે પણ હેગ ખાતે કાર્યરત આ કોર્ટ આ પ્રકારના પાણીના મુદ્દાને સ્પર્શતા વિવાદિત મામલાઓ ઉપર લવાદી કરી શકે પણ પોતાના ચુકાદાનો અમલ કરાવવાની કોઈ સત્તા એની પાસે નથી અને એટલે સ્વાભાવિક છે કે, પાકિસ્તાન આ કોર્ટનું જજમેન્ટ લઈને ભારત પાસે સિંધુ જળ વહેંચણીનો દ્વિપક્ષી કરાર અમલમાં મુકાય તે માટેની ધા નાખે તો પણ ભારત તરફથી એનો હકારાત્મક પ્રત્યુત્તર મળે એવી શક્યતા નહીંવત્ છે. અલબત્ત, આ ચુકાદાને કારણે કાયદાની દૃષ્ટિએ પાકિસ્તાનના હાથ મજબૂત થયા છે. પણ ભારત પોતાના નિર્ણયની પુનઃવિચારણા કરે એવી કોઈ શક્યતા નથી.
‘સિંધુ જળ સંધિ’ વિવાદ
ભારતે જમ્મુ-કાશ્મીર સ્થિત બે જળવિદ્યુત પ્રોજેક્ટ્સ, કિશનગંગા અને રાતલે, અંગે PCAના ચુકાદાને સખત રીતે નકારી કાઢ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે આ નિર્ણયને ફગાવી દેતા કહ્યું છે કે ભારતે ક્યારેય આ કોર્ટના માળખાને સ્વીકાર્યું નથી જેના હેઠળ આ મધ્યસ્થી હાથ ધરવામાં આવી હતી. MEAએ નોંધ્યું કે ભારત આ બાબતમાં કોર્ટના અધિકારક્ષેત્રને માન્યતા આપતું નથી, ખાસ કરીને સિંધુ જળ સંધિ વિવાદની નિરાકરણ પદ્ધતિઓ અંગે.પહેલા આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ આ કરારની મુખ્ય વિગતો સમજવાનો પ્રયત્ન કરીએ. ‘ઇન્ડસ વોટર ટ્રીટી’ એટલે કે ‘સિંધુ જળ સંધિ’ આજથી 65 વર્ષ પહેલા થઈ જેના ઉપર ભારત વતી વડાપ્રધાન પં. જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન અયુબ ખાનના હસ્તાક્ષર છે. આ સંધિ મુજબ પાકિસ્તાનને સિંધુ, જેલમ અને ચિનાબ નદીઓના પાણી વાપરવાનો અધિકાર આપવામાં આવ્યો તે સામે ભારતને રાવી, સતલજ અને બિયાસનાં પાણી વાપરવાના અધિકાર મળ્યા.
ગુજરાતી એન્જિનિયરના સુપરવિઝન હેઠળ થયું સિંધુ ઉપરનું બાંધકામ
અત્રે એ જાણવું રસપ્રદ થઈ શકશે કે બ્રિટીશ હકૂમત હેઠળના ભારતમાં આજે જે પાકિસ્તાનમાં છે એ સિંધુ ઉપરના સક્કરબરાજનું બાંધકામ તેમજ એની નહેરો માટેની યોજનાઓમાંથી કેટલીક આપણા ગરવા ગુજરાતી અને એક દક્ષ સિવિલ એન્જિનિયર શ્રી ભાઈલાલભાઈ પટેલ ઉર્ફે ભાઈકાકાના સુપરવિઝન હેઠળ થયું હતું. અનેક મુશ્કેલીઓ વચ્ચે ભાઈકાકાએ પોતાની આગવી સૂઝ અને દૃઢ નિર્ણયશક્તિથી સક્કરબરાજનું કામ પૂરું કર્યું હતું, જેનો લાભ આજે પાકિસ્તાનને મળી રહ્યો છે.
કોર્ટે કહ્યું- બે દેશ સંમતિથી જ કરાર કરી શકે છે રદ
આ લેખની શરૂઆતમાં જ જણાવ્યું તેમ પાકિસ્તાનમાંથી કાશ્મીર પર થયેલા ઘાતક હુમલાઓને પરિણામે ભારત સરકારે પાકિસ્તાનને આ માટે જવાબદાર ઠેરવીને આ સંધિ રદ કરી દીધી હતી. 27 જૂન, 2025 ના દિવસે પરમેનન્ટ કોર્ટ ઑફ આર્બીટેશન દ્વારા એક પૂરક ઍવોર્ડ આપવામાં આવ્યો જે આ સમગ્ર યોજના ઉ૫૨નું જ્યુરીડીક્શન, તેના અમલીકરણ તેમજ સિંધુ જળ સંધિની વિવિધ જોગવાઈઓને વ્યાખ્યાયિત કરતો હતો. કોર્ટે જણાવ્યું કે, ઇન્ડસ વૉટર ટ્રીટી એક તરફા આ કરારને મુલતવી અથવા રદ કરવાની સત્તા બેમાંથી એકે દેશને આપતો નથી. કોર્ટના મત મુજબ ‘આ સંધિ ત્યાં સુધી અમલમાં રહે છે જ્યાં સુધી બંને દેશો એટલે કે ભારત અને પાકિસ્તાન એકબીજાની પરસ્પર સંમતિથી તે રદ ન કરે.’ કોર્ટ ઑફ આર્બીટેશનના જણાવ્યા મુજબ ભારતે આ કરારની અમલવારી મોકૂફ કરી દીધી તે એકપક્ષીય નિર્ણય છે. ભારતને આવો કોઈ અધિકાર નથી. સ્વાભાવિક રીતે જ આ ચુકાદો આવ્યા બાદ પાકિસ્તાને બંને દેશો વચ્ચે આ સંદર્ભે થયેલ કરાર મુજબ વર્તી પોતાની જવાબદારીઓ નિભાવવા ભારતને અપીલ કરી છે.
ભારતે કોર્ટના ચુકાદાનો કર્યો અસ્વીકાર
ભારતે પરમેનન્ટ કોર્ટ ઑફ આર્બીટેશનના આ ચુકાદાનો અસ્વીકાર કર્યો છે. આમ કરતાં ભારતે કહ્યું છે કે, ‘ભારતે ક્યારેય આ કહેવાતી કોર્ટ ઑફ આર્બીટેશનને માન્યતા આપી નથી અથવા કાયદાની દૃષ્ટિએ એના અસ્તિત્વને સ્વીકાર્યું નથી.’ ભારતના મત અનુસાર આ કોર્ટનું બંધારણ સ્વયંભૂ રીતે જ ઇન્ડસ વૉટર ટ્રીટીનો ભંગ કરનારું છે અને એ કારણસર ભારતે જણાવ્યું હતું કે, આ કહેવાતી કોર્ટ સામેનું કોઈ પણ પ્રોસિડીંગ અથવા તેણે આપેલો એવોર્ડ કે નિર્ણય ગેરકાયદે છે અને તેમ હોવાથી અસ્તિત્વ ધરાવી શકે નહીં. આમ, ભારતે મૂળભૂત રીતે હેગ ખાતેની આ કોર્ટના અસ્તિત્વને જ સ્વીકાર્યું નથી અને એણે જે કોઈ ચુકાદો આપ્યો હોય તેને ધરમૂળથી નકાર્યો છે.
વિશેષજ્ઞોએ હેગ કોર્ટના ચુકાદાને પાકિસ્તાનની પ્રતીકાત્મક જીત ગણાવી
પાકિસ્તાન તરફી વિશેષજ્ઞો ભારતના આ વલણ છતાંય હેગ કોર્ટના ચુકાદાને પાકિસ્તાન માટે એક પ્રતીકાત્મક જીત હોવાનું જણાવે છે. તેમના કહેવા મુજબ આંતરરાષ્ટ્રીય કાયદામાં એક જવાબદાર દેશ તરીકે વર્તીને પાકિસ્તાન પોતાના દાવાને મજબૂત કરી શકે છે. આ સંદર્ભમાં નિષ્ણાતોનું કહેવું છે કે, વિશ્વબૅન્ક થકી મધ્યસ્થી, બંને દેશો વચ્ચે સીધો વાર્તાલાપ તેમજ અન્ય કોઈ માધ્યમ થકી વાતચીત કરીને આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ.
પાકિસ્તાને ભારતને આપી હતી ધમકી
10 મે, 2025 ના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે એક ટૂંકી પણ ભયંકર સશસ્ત્ર અથડામણને વિરામ અપાયો છે પણ સિંધુ જળ સંધિ ફરી લાગુ કરાઇ નથી. આ દરમિયાનમાં પાકિસ્તાને એવી પણ ગર્ભિત ધમકી ઉચ્ચારી છે કે, સિંધુ નદીના પાણીને અન્યત્ર વાળવાનો વિચાર પાકિસ્તાનના રીપેરીયન અધિકારો (હેઠવાસના અધિકારો) પર સીધી તરાપ છે અને આ પ્રકારની કોઈ પણ કાર્યવાહીને યુદ્ધનું પગલું માનવામાં આવશે.
ભારતે શું કહ્યું ?
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની 80 ટકા સિંચાઈ અને હાઈડ્રોપાવર જનરેશન સિંધુના પાણી પર આધારિત છે.ભારતે જણાવ્યું હતું કે આતંકવાદના વૈશ્વિક કેન્દ્ર તરીકેની તેની ભૂમિકા માટે જવાબદારીથી બચવા માટેનો આ પાકિસ્તાનના ઈશારે થઈ રહેલો વધુ એક ભયાવહ પ્રયાસ છે. બનાવટી મધ્યસ્થી પદ્ધતિનો આશરો લેવો અને આંતરરાષ્ટ્રીય મંચો પર છેતરપિંડી કરવી એ પાકિસ્તાનની દાયકાઓ જૂની નીતિ રહી છે.
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત રાખી
પહલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકેના પોતાના અધિકારોનો ઉપયોગ કરીને, સિંધુ જળ સંધિને ત્યાં સુધી સ્થગિત રાખી છે, જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય રીતે સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે. જ્યાં સુધી સંધિ મુલતવી છે ત્યાં સુધી, ભારત સંધિ હેઠળની તેની કોઈપણ જવાબદારીઓ પૂર્ણ કરવા માટે બંધાયેલ નથી.ભારતે મક્કમતાથી કહી દીધું છે કે કાયદાની નજરમાં કોઈ અસ્તિત્વ ન ધરાવતી આવી ગેરકાયદેસર રીતે રચાયેલી મધ્યસ્થી સંસ્થા તો ઠીક, ભારત દ્વારા સાર્વભૌમત્વના અધિકારોનો ઉપયોગ કરીને કરવામાં આવેલી કાર્યવાહીની કાયદેસરતાની તપાસ કરવાનું કોઈપણ અદાલતના અધિકારક્ષેત્રમાં આવતું નથી. તેથી, ભારત આ કહેવાતા પૂરક ચુકાદાને સ્પષ્ટપણે નકારી કાઢે છે.
મધ્યસ્થી વિશ્વબૅન્કના અધ્યક્ષે શું કહ્યું ?
1960 માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા આ કરારમાં વિશ્વબૅન્ક મધ્યસ્થી બની હતી. જોકે, વિશ્વબૅન્કના અધ્યક્ષ અજય બાંગાએ મીડિયાને કહ્યું છે તે મુજબ, ‘વિશ્વબૅન્ક આમાં કોઈ મધ્યસ્થી નહીં કરે.’
હવે પાકિસ્તાન માટે ક્યો રસ્તો બચ્યો છે?
આમ, હાલની પરિસ્થિતિમાં વિશ્વબૅન્ક જો આગળ આવવા ન તૈયાર હોય તો પાકિસ્તાન બીજા આંતરરાષ્ટ્રીય ફોરમ પાસે જઈ શકે છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટીસ તેમજ યુએન સિક્યોરિટી કાઉન્સિલનો પણ ઉપયોગ કરી શકે છે. જોકે આ બધા વિકલ્પો અત્યંત ધીમા છે અને કોઈ તાત્કાલિક ઉકેલ એનાથી આવી શકે તેમ નથી. આ બધા વચ્ચે પાકિસ્તાન ભારત સાથે સીધી દ્વિપક્ષી મંત્રણાઓ શરૂ કરે તે એક માત્ર રસ્તે જ પ્રમાણમાં ઝડપથી પરિણામો લાવી શકાય તેમ છે, જે માટે ભારત એટલું આસાનીથી તૈયાર થશે નહીં. એટલે અત્યારે તો પાકિસ્તાનની આંગળી પથ્થર નીચે છે અને એ કળથી પણ નીકળી શકે એમ નથી.
આ પણ વાંચો:
Mizoram: એકમાત્ર ભિખારી મુકત રાજય, ટૂંક સમયમાં કાયદો લાગૂ
Chaitar Vasava case: હાઈકોર્ટમાં વકીલોની હડતાળ ચૈતર વસાવાને નડી, જામીન અરજી પર સુનાવણી ફરી ટળી
india: એવું તે શું થયું કે,? કેજરીવાલે 100% ટેરીફ લાદવાનું કહી દીધું
Amreli: દિકરી ભાગી જતા ભાઈએ સગી બહેનનું જ ઢીમ ઢાળી દીધું! સમગ્ર કિસ્સો વાંચીને હચમચી જશો