
- વિશ્વ માતૃભાષા દિવસ: ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા લાગુ કરવા વકીલોના ધરણા
ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયિત કાર્યવાહીમાં ગુજરાતી ભાષાને અધિકૃત ભાષા તરીકે માન્યતા આપવા અને ગુજરાતી ભાષાને પણ અંગ્રેજીની સાથે સાથે કોર્ટ કાર્યવાહીમાં સ્વીકૃત કરવાની માંગણી સાથે ગુજરાત ઉચ્ચ ન્યાયાલય માતૃભાષા સમિતિ દ્વારા આજે તા.21મી ફેબ્રુઆરી, 2025ના વિશ્વ માતૃભાષા દિવસે જ ગુજરાત હાઇકોર્ટ પરિસરની બહાર અનોખા ધરણાં અને પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાઇકોર્ટ સહિત રાજયભરમાંથી નીચલી કોર્ટોના વકીલો ભાગ લેવા આવે તેવી પૂરી શકયતા છે, કારણ કે, તમામ લોકોને જાહેર આમંત્રણ અપાયુ છે.
આઝાદીના 75 વર્ષ પછી પણ રાજયની વડી અદાલતમાં અંગ્રેજી ભાષા જ માન્ય રહેતાં નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ જાહેર કાર્યક્રમ બાદ ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને કોર્ટ કાર્યવાહીમાં લાગુ કરવાની માંગણી સાથે ગુજરાત ઉચ્ચ ન્યાયાલય માતૃભાષા સમિતિ દ્વારા આગામી દિવસોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના રાજયપાલ, રાજયના મુખ્યમંત્રી અને હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સહિતના સત્તાવાળાઓને પણ એક વિશેષ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવનાર છે.
દરમ્યાન આ અંગે ગુજરાત ઉચ્ચ ન્યાયાલય માતૃભાષા સમિતિના કન્વીનર અસીમ પંડયાએ જણાવ્યું હતું કે, આવતીકાલે હાઇકોર્ટ પરિસરની બહાર જ સવારે 10-30થી 11-30 સુધી ધરણાં-પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કારણ કે, આઝાદીના 75 વર્ષ પછી પણ રાજયની વડી અદાલતમાં અંગ્રેજી ભાષા જ માન્ય ભાષા તરીકે સ્વીકૃત છે. ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર એ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે, તમામ અદાલતની કાર્યવાહી સ્થાનિક ભાષામાં થવી જોઇએ અને અદાલતના ચુકાદાઓ સરળ અને આમ જનતાને સમજાય તેવી ભાષામાં હોય તે જરૂરી છે.
આ પણ વાંચો-રાજકોટ બાદ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાના વિડિયો યુટ્યુબ પર અપ્લોડ થતાં ખળભળાટ