
ડૉ. જયનારાયણ વ્યાસ
Jayanarayan Vyas : ટ્રમ્પ માત્ર ધૂની નહીં જુઠ્ઠાડો છે, એ પણ એણે વારંવાર પુરવાર કરી બતાવ્યું છે. યુક્રેન યુદ્ધ એક દિવસમાં બંધ કરાવવાનો તેનો દાવો હોય કે ઈઝરાયેલ-ગાઝા યુદ્ધ રોકાવી દેવાની ડંફાશ હોય, કોઈ પૂરી થઈ નથી, ઉલટાનું મિડલ-ઈસ્ટમાં ઈરાન સાથે યુદ્ધનો નવો મોરચો ટ્રમ્પે ખોલી લીધો છે. વિયેતનામ, ક્યૂબા કે અફઘાનિસ્તાન, અમેરિકાએ એની લડાઈઓ પારકા દેશમાં જ લડી છે એટલે સીધેસીધો અમેરિકન નાગરિકોને યુદ્ધ અને તેની હાલાકી શું હોય તેનો અનુભવ નથી. વિયેતનામ યુદ્ધ ૧૯૫૫થી ૧૯૭૫ વચ્ચે ચાલ્યું જેમાં ૫૮૨૨૦ અમેરિકન સૈનિકો માર્યા ગયા એવું નેશનલ આર્કાઇવ્ઝની ડિફેન્સ કેઝ્યુલ્ટી એનાલિસિસ સિસ્ટમ પાસેથી જાણવા મળ્યું. આ યુદ્ધને કારણે અમેરિકન સૈન્યની જે ખુવારી થઈ અને લોકમત અમેરિકન સરકાર સામે વકર્યો તેને પરિણામે અમેરિકાએ વિયેતનામમાં પારોઠના પગલાં ભરવા પડ્યા. વિયેત કોમ ગેરીલાઓએ પણ અમેરિકન સૈન્યના ખમીરની કસોટી કરી નાખી અને આ બધા વચ્ચે અમેરિકાએ વિયેતનામ છોડવું પડ્યું. આ જ સ્થિતિ ૨૦૦૧થી ૨૦૨૧ દરમિયાન અફઘાનિસ્તાનમાં જ્યાં યુદ્ધ ચાલ્યું તેમાં થઈ. યોગાનુયોગ વિયેતનામ યુદ્ધ અને તાલીબાનો સામેનું અફઘાનિસ્તાન યુદ્ધ બંને ૨૦ વર્ષ ચાલ્યા. અમેરિકાના નાકે દમ આવી ગયો પણ અફઘાન યુદ્ધમાં નિર્ણાયક વિજય ના મેળવી શકાયો. આ યુદ્ધમાં ૧૯૨૨ સૈનિકો અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટની વિગતો મુજબ યુદ્ધની કાર્યવાહીમાં માર્યા ગયા. જ્યારે કુલ મળીને ૨૪૫૯ મિલિટરીના સૈનિકો આ યુદ્ધમાં હોમાઈ ગયા.
આ વિગતો માત્ર યુદ્ધમાં અધિકૃત મૃત્યુ થયાં તેનો જ આંકડો આપે છે અને યુદ્ધ બાદ અથવા દરમિયાન જે લોકોએ માનસિક હતાશામાં આપઘાત કર્યા તેમજ યુદ્ધમાં નહીં સંડોવાયેલા લોકો માર્યા ગયા તે આંકડાઓ આમાં સમાવિષ્ટ નથી. નેશનલ આર્કાઇવ્ઝ ફોર વિયેતનામ અને અફઘાનિસ્તાન ડિફેન્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પરથી પણ આ વિગતો મેળવી શકાય છે.
આમ, અમેરિકાએ પોતાના લશ્કર, બૉમ્બથી માંડી અણુશસ્ત્રો સિવાયના દરેક હથિયારોનું અહીંયાં ટેસ્ટીંગ કરી લીધું અને આમ છતાં જગતની આ મિલિટરી સત્તા કાંઈ ઉકાળી શકી નહીં. હા, એક વાત જરૂર કહી શકાય કે અમેરિકન ડિફેન્સ પ્રોડક્શન ઇન્ડસ્ટ્રીને આનાથી મોટો ફાયદો થયો હશે અને ૨૦ વર્ષ અફઘાનિસ્તાન અને ૨૦ વર્ષ વિયેતનામ એમ બે યુદ્ધોમાં અમેરિકામાં મોતના સામાનનું ઉત્પાદન કરતો સંરક્ષણ ઉદ્યોગ ધમધમતો રહ્યો. અમેરિકાની પ્રજાને અમેરિકાની તળ જમીન પર કોઈ જ મુશ્કેલી કે જોખમ વેઠવું પડ્યું નહીં એટલે અમેરિકાને ઘરઆંગણે યુદ્ધ કરવાનો અને માઠા ફળ મેળવવાનો કોઈ જ પ્રસંગ સાંપડ્યો નથી.
સોવિયેત યુનિયન દ્વારા તેનાં બેલાસ્ટિક મિસાઇલ ક્યૂબામાં મૂકવામાં આવ્યાં તેને કારણે ઑક્ટોબર ૧૬થી ૨૮, ૧૯૬૨, માત્ર ૧૩ દિવસ દરમિયાન અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે ક્યુબામાં થયેલી અથડામણ જેણે આખી દુનિયાને એક ભયાનક યુદ્ધને આરે લાવીને ઊભી કરી દીધી હતી તેનું વર્ણન અહીંયા કરી લેવું પણ ઉચિત લાગે છે. આ ૧૩ દિવસનો ગાળો એવો ગણી શકાય કે જે દરમિયાન અમેરિકા-રશિયા વચ્ચે ચાલતું શીતયુદ્ધ વકરીને પૂરા સ્કેલની ન્યુક્લિયર અથડામણમાં પરિણમે અને અણુહથિયારોનો પ્રયોગ થાય તે સ્તરે આવીને ઊભું રહી ગયું હતું. આખી દુનિયાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. આમ થવાનું કારણ એ હતું કે ૧૯૬૧માં અમેરિકાએ ક્યુબામાં કાર્યરત ફીડલ કાસ્ટ્રોની કોમ્યુનિસ્ટ સરકારને ઉથલાવી પાડવા બે ઓફ પીગ્સ પર જે આક્રમણને ટેકો આપ્યો હતો તે નિષ્ફળ ગયું અને કાસ્ટ્રોએ રશિયા પાસે મિલિટરી સપોર્ટ માગ્યો. ૧૯૬૨માં રશિયામાં નિકિતા ક્રિશ્ચેવનું શાસન હતું અને એણે છૂપી રીતે ક્યૂબામાં અણુમિસાઇલ જે મોટાભાગના અમેરિકા ઉપર ત્રાટકી શકે તે રીતે ગોઠવ્યા હતા. અમેરિકાએ તુર્કીમાં પોતાના મિસાઇલ્સ ગોઠવ્યાં હતાં.
આ મિસાઇલ્સ જ્યાં જ્યાં ઊભાં કરવામાં આવી રહ્યાં હતાં તે સાઇટ્સના અમેરિકાના જાસૂસી વિમાનને ૧૪ ઑક્ટોબરે ફોટા પાડી લીધા અને તત્કાલિન અમેરિકન પ્રમુખ જ્હોન એફ. કેનેડીને આ બાબત જાણ કરવામાં આવી. આના પગલે પગલે કેનેડીએ ક્યૂબાની નાકાબંધી કરવાની જાહેરાત કરી અને રશિયાનાં યુદ્ધ જહાજો આ નાકાબંધી તોડવા માટે ધસી ગયા પણ છેલ્લી ઘડીએ એ સીધેસીધી અથડામણ ટાળીને પાછાં વળી ગયાં.
૨૭ ઑક્ટોબ૨, ૧૯૬૨ના દિવસે તણાવ તેની ચરમ સીમાએ પહોંચ્યો, જ્યારે અમેરિકાનું યુદ્ધવિમાન-૨ ક્યૂબા ઉપર તોડી પાડવામાં આવ્યું, જેમાં એનો પાયલોટ માર્યો ગયો. દરમિયાનમાં છૂપી વાટાઘાટો થકી અમેરિકન એટર્ની જનરલ રોબર્ટ એફ. કેનેડીએ સોવિયેત રાજદૂત અનાતોલે ડોબ્રીનીન સાથે વાટાઘાટો કરી એવી સમજૂતી કરી કે રશિયા ક્યૂબામાંથી પોતાના મિસાઇલ્સ હટાવી દે તે સામે અમેરિકા તૂર્કીમાંથી પોતાના મિસાઇલ્સ હટાવી દેશે અને ૨૮ ઑક્ટોબરે નિકિતા કિશ્ચેવ દ્વારા ક્યૂબામાંથી મિસાઇલ્સ હટાવી લેવાની જાહેરાત કરવામાં આવી.
આખા જગતને જાણે અણુયુદ્ધના બારણે લાવી મૂક્યું હતું તે કટોકટીનો આ રીતે અંત આવ્યો. જે. એફ. કેનેડીએ અમેરિકન પ્રમુખ તરીકે જે રીતે આખીયે આ કટોકટી ટાળવામાં ભાગ ભજવ્યો તેની વિશ્વભરમાં પ્રશંસા થઈ. કેનેડી લાઇબ્રેરીની ડિઝિટલ આર્કાઇવ્સ પરથી આ અંગેની વિગતો મળી શકે છે.
આ પૂર્વભૂમિકાનો ઉલ્લેખ એટલા માટે કર્યો કે, ૧૯૬૨માં પણ ક્યૂબામાં ફિડલ કાસ્ટોના શાસનને ઉથલાવી નાખવાની વાત હતી. ઇરાન પરના હુમલામાં પણ માત્ર યુરેનિયમ એનરીચમેન્ટ ફેસિલિટીને તોડી પાડી ઇરાનને અણુબૉમ્બ બનાવતું રોકવાની વાત જ નથી, ત્યાં પણ સત્તાપલટો કરી ખોમૈનીને હટાવી પોતાની કઠપૂતળી સરકાર બેસાડવાનો અમેરિકાનો ઇરાદો સ્પષ્ટ દેખાય છે. ઇઝરાયલ માત્ર તેના ટેકાથી આ લક્ષ્ય તરફ આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
આજની તારીખે ચીન-તાઇવાન-યુએસ વચ્ચે તાઇવાન સ્ટ્રેઇટ – આવું બીજું ફ્લેશ પોઇન્ટ છે, જે અમેરિકા, જાપાન, ઑસ્ટ્રેલિયા અને નાટો દેશોને યુદ્ધમાં ઘસડીને ઇન્ડોપેસિફિક યુદ્ધ નોતરી શકે છે, જે દુનિયાભરમાં અર્થવ્યવસ્થાને તેમજ સેમીકન્ડક્ટર સપ્લાય ચેનને ખાડામાં નાખી શકે છે. દક્ષિણી ચીની સમુદ્ર (સાઉથ ચાઈના સી) આવું બીજું ફ્લેશપોઇન્ટ છે, જ્યાં અમેરિકા, ચીન અથવા એશિયન દેશો તેમજ AUKUS આવા યુદ્ધને જન્મ આપી શકે છે. તાજેતરમાં ફિલિપિન્સ અને ચીન વચ્ચેના સ્કારબોરો શોલ અને સ્પ્રાટ્લિ સાથેનો બનાવ અને અમેરિકાના યુદ્ધ જહાજોની વધતી જતી પ્રવૃત્તિ આનો નિર્દેશ કરે છે.
ત્રીજું આવું ફ્લેશ પોઇન્ટ પૂર્વ યુરોપમાં રશિયા-નાટો બૉર્ડર છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ચોથું દક્ષિણ કોરિયા, જાપાન અને અમેરિકાની સામે ઉત્તર કોરિયાનો કીમ જોંગ આવો ભડકો કરવાનું નિમિત્ત બની શકે છે. તાજેતરની રશિયા અને ઉત્તર કોરિયાની નજદિકી પણ જોખમી છે. પાંચમું ઇરાન, ઇઝરાયલ, અમેરિકાની આપણે વાત કરી ગયા છીએ. છઠ્ઠું ભારત-પાકિસ્તાન અને કાશ્મીર બૉર્ડર, સાતમું આર્કટિક રિજિયનમાં રશિયા પોતાનો બેઝ વિકસાવી રહ્યું છે અને નાટોની પ્રવૃતિ પણ વધી રહી છે. મૂળભૂત રીતે ત્યાં પડેલા ભૂગર્ભ રીસોર્સીસ (સંપત્તિ)ને કારણે છે.
આમ, આખી દુનિયામાં એક કરતા વધારે જગ્યાએ મોટું યુદ્ધ થઈ શકે એવી અને આખી દુનિયાને વિશ્વયુદ્ધ તરફ ખેંચવા માટેની પરિસ્થિતિ જન્મ લઈ ચૂકી છે. વિશ્વ એવી નાજુક પરિસ્થિતિમાં પહોંચ્યું છે કે ક્યારે ભડકો થાય અને વિશ્વને ભરખી જાય તે કહેવું મુશ્કેલ છે.
આ પણ વાંચો:
UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી
That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!