
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક જનસભા દરમિયાન જાહેરાત કરી કે વિધાનસભા ચૂંટણી પછી તેમની પાર્ટીની સરકાર બન્યા પર દિલ્હીની મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવામાં આવશે.
મહિલાઓને આર્થિક સહાય આપતી આ યોજનાનું નામ ‘મહિલા સન્માન યોજના’ છે.
હાલ માટે દિલ્હીની સરકારે મહિલાઓ માટે આ યોજનાના અંતર્ગત દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાયના પ્રસ્તાવને પાસ કરી દીધો છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રકમ હજી મહિલાઓના ખાતામાં જમા કરવામાં નહીં આવે.
કેજરીવાલે કહ્યું, “મને આ જાહેરાત કરતા ગૌરવ થાય છે કે આતિશીની અધ્યક્ષતામાં દિલ્હીની સરકારની કેબિનેટ મીટિંગમાં આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો.”
દર મહિને 2100 રૂપિયા આપવા વિશે અરવિંદ કેજરીવાલે કહ્યું, “મારા પાસે આ યોજનાના કામ દરમિયાન ઘણી મહિલાઓ આવી અને તેમણે કહ્યું કે મોંઘવારી ખૂબ વધી ગઈ છે, હજાર રૂપિયા કામ નહીં કરે. તો હું આ જાહેરાત કરી રહ્યો છું કે કાલથી રજિસ્ટ્રેશન શરૂ થશે અને તે 2100 રૂપિયા માટે હશે.”
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકે કહ્યું, “જેમ મેં વીજળી મફત કરી તેમ જ હું 2100 રૂપિયા લાગુ કરી દઈશ. જો કોઈ પૂછે કે આ પૈસા ક્યાંથી આવશે, તો કહી દેજો કે અમારો કેજરીવાલ જાદુગર છે, છડી ફેરવશે અને પૈસા લાવી દેશે.”
પ્રક્રિયા વિશે જણાવતા તેમણે કહ્યું, “આગામી બે-ત્રણ દિવસમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઘર-ઘર જશે. તમે તમારું રજિસ્ટ્રેશન કરાવો. તેઓ તમને એક કાર્ડ આપશે. તમે તેને સાચવી રાખો અને ચૂંટણી પછી એક હજાર રૂપિયાની યોજનાને બદલીને 2100 રૂપિયાની કરી દેવામાં આવશે.”