
સુરત: શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોના પાલનને લઈને હવે આકરું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ટ્રાફિક પોલીસની આ આકરી કામગીરીના કારણે અકસ્માતોની સંખ્યા પણ ઘટી છે. છેલ્લા ઘણા મહિનાથી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઓવર સ્પીડ અને રોંગ સાઈડ વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી થઈ રહી છે. ત્યારે જે લોકોએ 5 કરતાં વધારે વખત ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોય તેવા લોકોનો એક ડેટાબેઝ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 50થી 100 વાર પોલીસે મેમો ફટકાર્યા બાદ પણ જે વાહનચાલકો સુધરવાનું નામ નથી લેતા એવા 12,631 કરતાં વધારે વાહન ચાલકોના લાઇસન્સ રદ કરવા માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓને એક રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.
સુરત પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રાફિક નિયમોને નજરઅંદાજ કરનારા 1100થી વધારે લોકોના ડ્રાઇવિંગ લાઇસન્સ રદ્દ કરી દેવામાં આવ્યા છે, તો અન્ય 10,000થી વધારે લોકોના લાઇસન્સ આગામી દિવસોમાં રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે અલગ અલગ ડ્રાઈવ યોજવામાં આવે છે. જેથી કરીને વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે. ત્યારે નો પાર્કિંગ, ઓવર સ્પીડ, રોંગ સાઈડ તેમજ મોબાઈલ પર વાતો કરવા સહિતના ગુનામાં નિયમ ભંગ કરતા વાહનચાલકોને પોલીસ દ્વારા ઈ-ચલણથી દંડ કરવામાં આવે છે. વારંવાર વાહન ચાલકોના ઘરે ઈ ચલણ મોકલવામાં આવતું હોવા છતાં પણ કેટલાક વાહન ચાલકો ટ્રાફિક પોલીસને ગણકારતા નથી. ત્યારે 50 કરતાં વધારે તેમજ 100 કરતાં વધારે ઈ ચલણ જે વાહન ચાલકોના આવ્યા છે તેવા વાહનચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો રિપોર્ટ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓને કર્યો છે. 12,613 વાહન ચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો રિપોર્ટ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે ડેટા તૈયાર કરવામાં આવ્યો છે તેમાંથી મળતી માહિતી અનુસાર 5 કરતાં વધારે વખત ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા તેમજ ઈ ચલણ મેળવનારા લોકોની સંખ્યા 15,000થી પણ વધારે છે. સુરત શહેરમાં છેલ્લા આઠ મહિનામાં 583 વાહનના લાયસન્સ પૈકી 60થી વધુ લાઇસન્સ 7 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત આમાંથી મોટાભાગના વાહન ચાલકોના લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો હિટ એન્ડ રનની ઘટનામાં વાહન ચાલકોના લાયસન્સ 180 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 80 જેટલી ટીમો બનાવીને લોકોને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા છે. રિજીયન સર્કલ તેમજ સેમી સર્કલ તરફથી જે વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવે છે તે બાબતે અગાઉ પણ ડ્રાઈવ યોજવામાં આવી હતી. અને અગાઉ 607 વાહન ચાલકો જે રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતા હતા તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ પણ કર્યો હતો.







