
કુરુક્ષેત્રમાં બ્રાહ્મણોનું મહાભારત: વાસીભોજન સામે આવતા ભૂદેવોનો પિત્તો ગયો; ફાયરિંગ
હરિયાણાના કુરુક્ષેત્રમાં એક મહાયજ્ઞ દરમિયાન મહાભારત જેવા દ્રશ્યો સર્જાયા હતા. જોકે, આ મહાભારત માટે પોતે બ્રાહ્મણો જવાબદાર હતા અને તે પણ ભોજન માટે… વાત જાણે તેમ છે કે, વાસી ભોજન સામે આવતા બ્રાહ્મણોનો પિત્તો ગયો હતો. નાની બોલાચાલી જોતજોતામાં મોટા સંઘર્ષમાં ફેરવાઈ ગઈ હતી. નોબત ફાયરિંગ સુધી આવી જતાં ઘટનાએ સ્થળ પર અરાજકતા સર્જી દીધી હતી.
ફાયરિંગ અને હિંસા
આયોજકોના સુરક્ષા ગાર્ડ્સે ફાયરિંગ કર્યું, જેમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો. લખનઉ અને લખીમપુરનો આ યુવક ગોળીથી ઘાયલ થયો, જ્યારે લગભગ બે ડઝન બ્રાહ્મણોને પથ્થરમારા અને લાઠીચાર્જમાં ઇજા થઈ હતી. ઘટના બાદ ગુસ્સે ભરાયેલા બ્રાહ્મણોએ કુરુક્ષેત્ર-પેહોવા રોડ જામ કરી દીધો.
શું હતું વિવાદનું કારણ?
કુરુક્ષેત્રમાં 1008 કુંડીય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી બ્રાહ્મણોને આમંત્રિત કરાયા હતા. સવારના નાસ્તામાં બાસી અને દુર્ગંધ મારતું ભોજન પીરસવામાં આવ્યું, જેનો બ્રાહ્મણોએ વિરોધ કર્યો. તેમનું કહેવું હતું કે આવું ભોજન પશુઓ પણ ન ખાય. વિરોધ દરમિયાન આયોજકોના બાઉન્સરો સાથે બોલાચાલી થઈ, જે હાથાપાઈમાં ફેરવાઈ ગઈ. બ્રાહ્મણોએ એમ પણ જણાવ્યું કે એક દિવસ પહેલાં પણ બાઉન્સરોએ તેમની સાથે મારપીટ કરી હતી અને સતત તેમનું અપમાન થઈ રહ્યું હતું.
બ્રાહ્મણો શા માટે આવ્યા?
આશીષ તિવારી નામના એક બ્રાહ્મણે મીડિયાને જણાવ્યું કે હરિઓમ બાબાએ આ યજ્ઞનું આયોજન કર્યું હતું અને 1008 બ્રાહ્મણોને બોલાવ્યા હતા. જ્યારે તેઓ નાસ્તાની ફરિયાદ લઈને બાબા પાસે જવા લાગ્યા ત્યારે બાઉન્સરે તેમને ધમકાવ્યા અને લાઠીઓથી હુમલો કર્યો. મધ્ય પ્રદેશથી આવેલા પ્રશાંત નામના બ્રાહ્મણે કહ્યું કે એક મોટા શરીરના ગાર્ડે છ ગોળીઓ ચલાવી હતી. તેમણે એમ પણ ઉમેર્યું કે આ ગાર્ડ્સને સરકારી હોવાનું કહેવાયું હતું.
આયોજકની સફાઈ
આયોજક સ્વામી હરિદાસે આ ઘટનાને યજ્ઞને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું. તેમણે કહ્યું કે જો કોઈ ભૂલ થઈ હોય તો તેની તપાસ થવી જોઈએ અને દોષી સામે કાર્યવાહી થશે. તેમણે એમ પણ કહ્યું કે અહીં ઘણા લોકો છે, બધાને ઓળખવા અશક્ય છે, અને કોણ બહારથી આવીને ફાયરિંગ કરે છે તે કેવી રીતે કહી શકાય?
પોલીસનું નિવેદન
પોલીસ પ્રવક્તા નરેશ સાગવાલે જણાવ્યું કે સૈની ધર્મશાળામાં બ્રાહ્મણો નાસ્તો કરવા ગયા હતા, જ્યાં બોલાચાલી થઈ. આ દરમિયાન એક સુરક્ષાકર્મીએ ગોળી ચલાવી જેમાં એક યુવક ઘાયલ થયો. અન્ય એક યુવક પથ્થર લાગવાથી ઇજાગ્રસ્ત થયો. પોલીસે હાલ જામ ખુલ્લો કરાવી દીધો છે અને તપાસ ચાલુ છે.