
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહ કોંગ્રેસ હેડક્વાર્ટરથી નિગમ બોધ ઘાટ લઈ જવાઈ રહ્યો છે. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે સોનિયા, રાહુલ- પ્રિયંકા સહીતના નેતાઓ અને કાર્યકરોએ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
મનમોહન સિંહની અંતિમ યાત્રા 11 કિલોમીટર લાંબી છે. પાર્થિવ દેહને કોંગ્રેસ કાર્યાલયથી ઈન્ડિયા ગેટ થઈને અકબર રોડ, ઈન્ડિયા ગેટથી તિલક માર્ગ, તિલક માર્ગથી આઈટીઓ રેડ લાઈટ બાજુથી લઈ જવામાં આવી રહ્યો છે. પછી, અંતિમ યાત્રા સીધા માર્ગે નિગમ બોધ ઘાટ પહોંચશે.
પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. તેમના નિધનથી સમગ્ર દેશ શોકમાં છે. સરકાર દ્વારા 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેથી દેશમાં મોટા આયોજનો મોકૂફ રખાયા છે.
મનમોહન સિંહનું સ્મારક બનાવવા સરકાર તૈયાર થઈ
ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને દિવંગત ડૉ. મનમોહન સિંહના પરિવારને કહ્યું કે સરકાર સ્મારક માટે જગ્યા ફાળવશે. આ દરમિયાન અંતિમ સંસ્કાર અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ થઈ શકે છે, કારણ કે ટ્રસ્ટની રચના કરવી પડશે અને તેના માટે જગ્યા ફાળવવી પડશે. અગાઉ સરકાર દ્વારા નિર્ણય ન લેવતાં કોંગ્રેસ નારાજ થઈ હતી.