
ભારતીય વાયુસેનાએ મિગ-21ને રિટાયર્ડ કર્યું
MiG-21 Retierd । આજરોજ ભારતીય વાયુસેનાના છ મિગ – 21 ફાઇટર પ્લેનને છેલ્લી ઉડાન બાદ નિવૃત્ત કરી દેવામાં આવ્યાં. જેને પગલે ભારતીય લશ્કરી ઇતિહાસના સૌથી લાંબા અધ્યાયનો અંત આવ્યો છે. વર્ષ 1963થી સેવારત થયા બાદ લગભગ 1200 જેટલાં મિગ-21 ફાઇટર પ્લેન્સ દ્વારા ભારતનું આકાશમાં રક્ષણ કરવામાં આવ્યું હતું. મિગ-21 દ્વારા 1965, 1971 અને 1999 કારગિલ જેવા યુદ્ધોમાં અને બાલાકોટ સ્ટ્રાઈકમાં પણ સક્રિય રીતે કામગીરી કરવામાં આવી હતી.

મિગ-21 ફાઇટર પ્લેન 1954માં સોવિયત યુનિયનના મિકોયાન-ગુરેવિચે ડિઝાઇન કર્યું હતું. ભૂતકાળમાં વિશ્વના 60થી વધુ દેશોએ પોતાની વાયુસેનામાં મિગ-21નો સમાવેશ કર્યો હતો. ભારતે 1966 થી 1984 દરમિયાન અલગ અલગ મોડલના 874 મિગ-21 આયાત કરવામાં આવ્યા હતાં.
મિગ-21 નિવૃત્ત થવાને કારણે ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ સ્ક્વોડ્રન હવે 31 થઈ ગઈ છે. જ્યારે જરૂરી રીતે આદર્શ સંખ્યા 42 હોવી જોઈએ. હાલમાં ભારતીય બનાવટનું તેજસ, ફ્રાન્સ બનાવટનું રાફેલ અને રશિયન વિમાન સુખોઇ દેશની સેવામાં તૈનાત છે.
આજે ચંદીગઢ ખાતે મિગ-21 સ્ક્વોડ્રન દ્વારા છેલ્લી ઉડાનનું આયોજન કરાયું હતું અને આ રીતે સન્માનપૂર્વક નિવૃત્તિ આપવામાં આવી હતી.
નર્સિંગની 1903 જગ્યાઓ ભરવામાં “પેપર ચોરો”નું ABCD
Nursing recruitment । ગત ફેબ્રુઆરી માસમાં ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલ્સમાં નર્સિંગ સ્ટાફની 1903 જગ્યાઓ ભરવા માટે પરીક્ષા લેવામાં આવી હતી. 1903 જગ્યાઓ માટે 53 હજાર જેટલાં ઉમેદવારોએ પરીક્ષા આપવામાં આવી હતી. જોકે, જીટીયુ દ્વારા લેવાયેલી પરીક્ષામાં મોટી ગરબડ થઈ હોવાનો હોબાળો મચ્યો હતો. કારણકે, જીટીયુએ સેટ કરેલા પેપરના 100 પ્રશ્નોના જવાબો ABCD ક્રમમાં જાહેર કરાયા હતાં. પ્રશ્નપત્ર – 2ના ડી પ્રકારના પેપરમાં ગરબડ થઇ હોવાની શંકા ઉઠી હતી.

પ્રશ્ન 1નો જવાબ A, પ્રશ્ન 2નો જવાબ B, પ્રશ્ન 3નો જવાબ C, પ્રશ્ન 4નો જવાબ D અને ત્યારબાદ પ્રશ્ન 5નો જવાબ A… ત્યારબાદ આ જ ક્રમમાં જવાબો જોવા મળ્યાં હતાં. આ જવાબોની આન્સરશિટ સામે આવ્યા બાદ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.
રાજ્યના યુવાનોના ભવિષ્ય સાથે ગંભીર ચેડા કરવાના કારસા અંગે આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં પરીક્ષા ફરીથી લેવામાં આવે અને ભરતી પ્રક્રિયા પર રોક લગાવવામાં આવે તેવી માગણી કરાઈ હતી. ત્યારે હાઇકોર્ટે આ મામલે આગામી 30 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવાનું જાહેર કરી, એડવોકેટ જનરલને ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, ધારાશાસ્ત્રી ઉત્કર્ષ દવે મારફતે 50 જેટલાં ઉમેદવારોએ નર્સિંગ ભરતી પ્રક્રિયાની ગરબડ અંગે હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતાં.
બિલાડી પાછળ જતાં ઉકળતાં દૂધના તપેલામાં પડી ગયેલી દોઢ વર્ષિય બાળકીનું મોત
Andhra Pradesh News । ગત તા. 20 સપ્ટેમ્બરના રોજ આંધપ્રદેશના અનંતપુરના બુક્કરાયસમુદ્રમ ગામની સ્કૂલના રસોડામાં બનેલી હ્રદયદ્રાવક ઘટનાના સીસીટીવી આજે સામે આવ્યા છે. સ્કૂલમાં સુરક્ષા કર્મી તરીકે નોકરી કરતી માતા કૃષ્ણવેલી સાથે આવેલી 17 મહિનાની બાળકી અક્ષિતા બિલાડીનો પીછો કરતાં કરતાં દોડીને રસોડામાં પહોંચી ગઈ હતી. અને ઉકળતાં દૂધના તપેલા પાસે બેલેન્સ ગુમાવતાં બાળકી તેમાં ખાબકી હતી. બાળકીની ચીસો સાંભળી દોડી આવેલી માતાએ તેને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ ખસેડી હતી. જોકે, બાદમાં સારવાર દરમિયાન બાળકીનું કરુણ મોત નિપજ્યું હતું.
મહિલા પ્રોફેસરને ડિજીટલ અરેસ્ટ કરી ઠગનાર ભેજાબાજ સુરતમાં ઝડપાયો
Digital Arrest Crime । રાજસ્થાનના અજમેરની મહિલા પ્રોફેસરને ગત 30 ઓગષ્ટના રોજ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ સીબીઆઈ અધિકારી દયા નાયક તરીકે આપી હતી અને મહિલા પ્રોફેસરના નામના સિમ કાર્ડથી સેક્યુઅલ હરેસમેન્ટ કરવામાં આવ્યું છે તેવી વિગતો જણાવી ધાકધમકી આપી ડિજીટલ અરેસ્ટ કરવામાં આવી હતી.

ડિજીટલ અરેસ્ટ કર્યા બાદ ધમકાવીને મહિલા પ્રોફેસર પાસેથી 7.5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતાં. જે અંગેની ફરિયાદને આધારે અજમેર સાઇબર ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સુરતના હિતેશ ઘોડીયાવાલાના એકાઉન્ટમાં નાણાં જમા થયાં હોવાનું સપાટી પર આવ્યું હતું. સુરત સાઇબર ક્રાઇમ દ્વારા હિતેશને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું કે, અગાઉ શેર બજારનો ધંધો કરતાં હિતેશ ઘોડીયાવાલાને દોઢેક કરોડનું નુકસાન ગયું હતું. મોટા દેવામાં આવી જવાને કારણે તે સાઇબર ટોળકી સાથે જોડાયો હતો અને ઇન્સ્ટાગ્રામ મારફતે રોકી નામના સંપર્કમાં આવ્યો હતો. તે અમદાવાદમાં ટોળકીના સભ્યોને રૂબરૂ પણ મળ્યો હતો. તેણે પોતાનું ખાતું સાઇબર ગઠિયાઓને ભાડે આપ્યું હતું અને પોતાનું કમિશન પણ નક્કી કરી નાંખ્યું હતું.
પાકિસ્તાની ખેલાડી હારિસ રઉફને દંડ ફટકારાયો, ગન સેલિબ્રેશન માટે ફરહાનને ફટકાર
Asia Cup 2025 । એશિયા કપમાં ભારત – પાકિસ્તાનની ફાઈનલ મેચ પહેલાં અનેક વિવાદો સર્જાયા છે. અને આગામી ફાઇનલમાં પણ કદાચ કોઈ વિવાદ સપાટી પર આવે તો નવાઈ નહીં. પાકિસ્તાનના બોર્ડે પહેલી મેચમાં હાથ નહીં મેળવવા મામલે સૂર્યકુમાર યાદવ સામે ફરિયાદ નોંધાવી હતી. તો બાદમાં બીજી મેચમાં ગન સેલિબ્રેશન મામલે ફરહાન અને હારિસ રાઉફ સામે ભારતે ફરિયાદ નોંધાવી હતી.

હારિસ રઉફ
આઈસીસી દ્વારા આજરોજ આપત્તિજનક ઇશારા કરવાના મામલે હારિર રઉફને મેચ ફીસના 30 ટકાનો દંડ ફટકાર્યો હોવાના અહેવાલો છે. જ્યારે ગન સેલિબ્રેશન મુદ્દે સાહિબજાદા ફરહાનને આઇસીસીએ ફટકાર લગાડી છે.

સાહિબજાદા
અત્રે ઉલ્લેખનિય છે કે, શુક્રવારે મેચ રેફ્રી રિચિ રિચર્ડસન સમક્ષ આ મામલાની સુવણી થઈ હતી. જેમાં રઉફે સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે તેનો ઇશારો ભારતને ચિડવવા માટેનો નહોતો. જ્યારે સાહિબજાદાએ તો પોતાના બચાવમાં ધોની અને કોહલીનું નામ લીધું હતું. કે તેમની જેમ જ મેં ઉજવણી કરી હતી.
જોકે, અમિત શાહના “સ્પોર્ટ્સમેન પુત્ર” જય શાહના માર્ગદર્શન હેઠળ પાકિસ્તાની ખેલાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાની ચર્ચા છે. કારણકે, સૂર્યકુમાર યાદવ અને ભારતીય ટીમ સામે કોઈ પગલાં લેવાયા નથી.







