
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે PMJAY યોજનાની નવી SOP જાહેર કરી છે. અમદાવાદમાં 12 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આયુષ્યાનકાર્ડમાં થયેલી ગેરરીતિ બાદ સરકાર જાગી છે. હોસ્પટિલ દ્વારા ખોટા ઓપરેશન કરી નાખતાં બે લોકોના મોત થયા હતા. ત્યારે હવે સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.
હવે કાર્ડિયોલોજી સેવાઓ માટે ફૂલ ટાઇમ કામ કરતા સેન્ટરોને જ માન્યતા આપવાનો નિર્ણય કરાયો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી SOPમાં વિવિધ સારવાર માટેની અલગ અલગ ગાઈડલાઈન જાહેર કરી. આ SOP મુજબ દર્દીની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોય તેના પરિવારજનો ઉપરાંત આરોગ્ય વિભાગને પણ પુરાવા રૂપે વિડિયો આપવાના રહેશે.
કાર્ડિયોલોજીની સેવાઓ માટે કાર્ડિયોલોજિસ્ટ તથા કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફુલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કલ્સટર માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ઉપરાંત હોસ્પિટલો ખાતે ફુલ ટાઇમ કાર્ડિયાક એનેસ્થેટીસ્ટ તથા ફિજીયોથેરાપિસ્ટ રાખવા આવશ્યક રહેશે. ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિઆવશ્યક હોય તેવા સંજોગોમાં જ ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે.
સારવાર બાદ વિડિયો અપ્લોડ કરવો પડશે
હોસ્પિટલોએ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટીની વીડિયોગ્રાફી પ્રિઓથના સમયે અપલોડ કરવાની રહેશે. ઇમરજન્સી કેસમાં સારવાર બાદ વિડિયો અપલોડ કરવાનો રહેશે. સાથે જ નિષ્ણાંત તબીબોના સૂચન બાદ ઓન્કોલોજી એટલે કે કેન્સરની વિવિધ પ્રોસિઝર સારવાર માટેની પણ નવીન માર્ગદર્શિકા બનાવવામાં આવી છે.
ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ
ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ અન્વયે પૂર્વવ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પુરતી સમજણ દર્દી અને તેઓના સગાને આપતી વખતે વિડિયો રેકોડીંગ સાથેનું સંમતિ પત્રક લેવાનું ફરજિયાત કરવામાં આવેલ છે. જેમા નીચે મુજબની તબીબી સારવારનો સમાવેશ કરાયો છે.
એન્જીઓગ્રાફી, એન્જીઓપ્લાસ્ટી, કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી, એમ્પ્યુટેશન (અંગ વીચ્છેદન સર્જરી), તમામ “Ectomy” અંતર્ગત સર્જરી (શરીર નો કોઈ ભાગ દૂર કરવાની સર્જરી), ઓર્ગન ડોનેશન/ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેસન/ઓર્ગન રિટ્રાઇવલ સર્જરી, સ્પાઈનલ સર્જરી/બ્રેઈન સર્જરી/કેન્સર સર્જરી દર્દીને ડિસ્ચાર્જ વખતે ભવિષ્યમાં વધુ સારવાર અર્થે ઉપયોગી થાય તે હેતુસર ડિસ્ચાર્જ સમરી હોસ્પિટલાઇજેશન દરમ્યાન કરવામાં આવેલ લેબોરેસ્ટ્રી, રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટીક ચિપ ફરજીયાત આપવાના રહેશે. ગુજરાત રાજ્યની તમામ હોસ્પિટલોએ Infection control and prevention માટેની ભારત સર ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
ખ્યાતિ હોસ્પિટલે બે લોકોનો લીધો છે જીવ
એક માસ પૂર્વે અમદાવાદમાં એસ.જી. હાઈવે ઉપર આવેલી ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી બહાર આવી હતી. કડી તાલુકાના બોરીસણા ગામના લોકોને હેલ્થ ચેકઅપ બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવી અને પરિવારજનોને જાણ કર્યા વિના જ 19 લોકો એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. જ્યારે 7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જે સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા હતા. જે બાદ ખ્યાતિ હોસ્પિટલના અનેક કારનામા ખુલ્યા હતા. હોસ્પિટલે સરાકરને કરોડો ચૂનો ચૂડ્યો છે. જે બાદ સરકાર જાગી અને આ નવી ગાઈડલાઈન જાહેર કરી છે.