
- મેઘા ઓપરેશન; સેનાએ 31 નક્સલવાદીઓને ઉતાર્યા મોતને ઘાટ; બે જવાન શહીદ
છત્તીસગઢ-મહારાષ્ટ્ર બોર્ડર પર મેઘા ઓપરેશન: નક્સલવાદ સામે ચાલી રહેલી લડાઈમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. છત્તીસગઢ-મહારાષ્ટ્ર બોર્ડર પર રવિવારે (9 ફેબ્રુઆરી) 1000થી વધારે સેનાના જવાનોએ 31 નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. અથડામણમાં DRG અને STFના બે જવાન શહીદ થયા છે અને અન્ય બે જવાન ઘાયલ થયા છે.
બીજાપુર-નારાયણપુર સરહદ પાસે રવિવારે (9 ફેબ્રુઆરી) અથડામણ થઈ હતી. બંને બાજુથી ભીષણ ગોળીબારમાં મોટી સંખ્યામાં નક્સલીઓના મોત થયા છે. હાલ 12 નક્સલીઓની લાશ મળી આવી છે. આ તમામ નક્સલવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે. આ સિવાય ઘટના સ્થળેથી ઑટોમેટિક હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે.
બસ્તર રેન્જ IG સુંદરરાજના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી મોટી માત્રામાં હથિયાર અને વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા છે. બીજાપુર ઈન્દ્રાવર્તી નેશનલ પાર્ક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજુ શરૂ છે. વળી બીજાપુર SP જીતેન્દ્ર યાદવે કહ્યું કે, ઓપરેશનમાં ઠાર કરવામાં આવેલાં નક્સલવાદીઓની સંખ્યા વધી શકે છે. આ ઓપરેશન મોટું છે અને હજુ ચાલુ છે.
નક્સલીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ બીજાપુરના રાષ્ટ્રીય ઉદ્યાન ક્ષેત્રના જંગલમાં થઈ હતી. રવિવારે સવારે આ અથડામણમાં મોટી સંખ્યામાં નક્સલીઓના મોતના સમાચાર સામે આવી રહ્યાં છે.
બસ્તર IG સુંદરરાજે જણાવ્યું કે, માઓવાદીઓની હાજરીની સૂચના મળતાં જ ફોર્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. બીજાપુર DRG, STF અને બસ્તર ફાઇટર્સના જવાનો દ્વારા નક્સલવાદીઓનો ઘેરાવ કરવામાં આવ્યો છે.
થોડા દિવસો પહેલાં પણ છત્તીસગઢ, ઓડીશા સરહદ પર થયેલી અથડામણમાં 16 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જેમાં 90 લાખ રૂપિયાનો ઈનામી ચલપતિ પણ સામેલ હતો. ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકારે 31 માર્ચ, 2026 સુધી દેશના નક્સલવાદને સંપૂર્ણ રીતે ખત્મ કરવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો- અમેરિકાથી હાથકડી-સાંકળોમાં બાંધીને પોતાના લોકોને પરત મોકલવાને લઈને ભારત હવે શું કહી રહ્યું છે?