
- વક્ફ બિલ મુદ્દે સંસદમાંથી વિપક્ષનો વોકઆઉટ; કહ્યું- ‘655 પાનાનો રિપોર્ટ એક રાતમાં કેવી રીતે વાંચીએ?’
બજેટ સત્રના દસમા દિવસે એટલે કે 13 ફેબ્રુઆરીએ લોકસભામાં વક્ફ બિલનો સંયુક્ત સંસદીય સમિતિ (JPC)નો રિપોર્ટ રજૂ કરાતા જ હોબાળો મચી ગયો હતો. આ સમિતિના અધ્યક્ષ અને ભાજપ સાંસદ જગદમ્બિકા પાલે ‘ભારત માતા કી જય’ના નારા સાથે આ રિપોર્ટ રજૂ કર્યો હતો. જો કે, આ રિપોર્ટ રજૂ થતા જ વિપક્ષી સભ્યોએ જોરદાર હોબાળો કરીને વૉકઆઉટ કર્યો હતો, જેથી ગૃહની કાર્યવાહી 10મી માર્ચ સુધી સ્થગિત કરી દેવાઈ હતી.
655 પાનાનો રિપોર્ટ એક રાતમાં કેવી રીતે વાંચીએ?
આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, ‘655 પાનાનો રિપોર્ટ એક રાતમાં કેવી રીતે વાંચીએ. અમને વાંધા રજૂ કરવાનો સમય પણ નથી અપાયો.’ બીજી તરફ ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ બિલને ગેરબંધારણીય ગણાવતા કહ્યું હતું કે, ‘મુસ્લિમો પાસેથી તેમનો હક છીનવવા આ બિલ લવાયું છે. આ બિલ માત્ર ગેરબંધારણીય જ નહી પરંતુ બંધારણના અનુચ્છેદ 14, 15 અને 29નું ઉલ્લંઘન કરે છે. આ બિલ વકફ સંપતિઓને બચાવશે નહીં પરંતુ તેને સમાપ્ત કરી નાખશે. અમે આ બિલની નિંદા કરીએ છીએ.’ અન્ય વિપક્ષોએ પણ આ બિલના પ્રસ્તાવોને પૂર્વગ્રહયુક્ત અને એકતરફી ગણાવ્યા છે.
સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું હતું કે, ‘સરકારે પોતાની મનમાની કરીને આ બિલ લાવી છે. લોકોનું ધ્યાન ભટકાવવા માટે સરકાર સત્રના છેલ્લે દિવસે આ બિલ સંસદમાં રજુ કર્યું છે.’
મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો વિરોધ
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહાલીએ વકફ (સુધારા) બિલ પરના JPC રિપોર્ટ વિશે કહ્યું હતું કે, ‘અમે વકફ (સુધારા) બિલનો વિરોધ કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે વકફ બિલમાં સુધારો ન થવો જોઈએ. વિપક્ષી સાંસદોએ પણ પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો. પરંતુ તેમને રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યા ન હતા.’
રિપોર્ટને બહુમતી સાથે સ્વીકાર કરવામાં આવ્યો
આજે સંસદમાં ચાલી રહેલા બજેટ સત્રના પહેલા ચરણનો છેલ્લો દિવસ હતો. સમિતિએ આ રિપોર્ટ 30 જાન્યુઆરીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને સોપવામાં આવ્યો હતો. સમિતિની આ 655 પેજ વાળા રિપોર્ટને બહુમતી સાથે સ્વીકાર કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યો દ્વારા આપવામાં આવેલા સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો-અમદાવાદની પરણિતાએ ત્રણ સંતાનો સાથે ગટગટાવી ઝેરી દવા; માતા-પુત્રનું મોત







