
બનાસકાંઠાના મુખ્ય મથક એવા પાલનપુરના તાજપુરા વિસ્તારમાં 27 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરતાં ચકચાર જામી છે. આત્મહત્યા કરનાર યુવતીના મોબાઇલમાંથી બે અલગ અલગ વીડિયો સામે આવ્યા છે. જેમાં તે સ્પષ્ટપણે કહી રહી છે કે હું ઘરથી અને કંકાસથી કંટાળી ગઇ છું. જોકે યુવતીના મોબાઇલમાંથી આ ઉપરાંત અન્ય રેકોર્ડિંગ્સ પણ મળી આવ્યા હોવાથી પરિવારજનોએ પાલનપુર પોલીસ મથકમાં યુવક વિરૂદ્ધ રજુઆત કરતાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આત્મહત્યા કરનાર યુવતીનું નામ રાધા છે, જે બ્યુટીપાર્લર ચલાવતી હતી. સાત વર્ષ અગાઉ તેના સામાજિક રીતરીવાજ મુજબ લગ્ન થઇ ગયા હતા. જોકે પતિ સાથે મનમેળ ન હોવાથી તેને છુટાછેડા લઇ લીધા હતા.
આત્મહત્યા કરવા બદલ યુવતીએ વિડીયોમાં પ્રેમીની માંગી માફી
યુવતીએ આત્મહત્યા પહેલાં બનાવેલા વીડિયોમાં આત્મહત્યા કરવા બદલ પોતાના પ્રેમીની માફી માંગતી જોવા મળી રહી છે. વીડિયોમાં તેણે પોતાના પ્રેમીને સંબોધીને કહ્યું છે કે, ‘મને માફ કરજે ચાહત..તને કિધા વગર ખોટું પગલું ભરૂ છું, તું તારી લાઇફમાં દુ:ખી ન થતો, ખુશ રહેજે અને શાંતિથી મેરેજ કરી લેજે. તું હમેશાં ખુશ રહેજે, જો તું દુ:ખી થઇશ તો મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે…’ હું બે હાથ જોડીને તારાથી માફી માગું છું અને ઘરથી અને કંકાસથી કંટાળી ગઇ છું. તુ ખુશ રહેજે અને બધાને ખુશ રાખજે…’
અન્ય એક વીડિયોમાં યુવતિએ કહી રહી છે કે મને ગૂંગળામણ અનુભવાઇ રહી છે, અને કંટાળી ગઇ છું. સોરી હું તને કહ્યા વિના આ પગલું ભરું છું. હવે હું જીંદગે જીવવા માંગતી નથી. તુ ખુશ રહેજે મારા જીવ, મારા કરતાં પપ્ણ સારી છોકરીને શોધીને લગ્ન કરી લેજે તો મારા આત્માને શાંતિ મળશે, જો તું દુખી થઇશ તો મારા આત્માને ક્યારે શાંતિ નહી મળે. તું ચિંતા ન કરતો અને ખુશ રહેજે…’
હાલમાં પોલીસે યુવતીને ડેડબોડીને પોસ્ટમોર્ટ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મોકલી દીધી છે. મૃતક યુવતીના મોબાઇલમાંથી યુવક સાથેની વાતચીતનું કોલ રેકોર્ડિંગ અને વીડિયો મળી આવ્યા હોવાથી પોલીસે યુવતીનો મોબાઇલ કબજે કરી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો-ગુજરાતીઓનું દિલ ચૂકી રહ્યું છે ધબકારા; કેમ અમદાવાદીઓના દિલ થઇ રહ્યાં છે કમજોર?