
Panchmahal: ગુજરાતમાં વારંવાર કંપનીઓમાં ગણતણની ઘટનાઓ બની રહી છે. ત્યારે પંચમહાલ જીલ્લામાંથી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. ઘોઘંબા તાલુકામાં આવેલા રણજિતનગર ખાતે ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (GFL)ના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ઝેરી ગેસ લીકેજની ગંભીર ઘટના બની હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 12 જેટલા કામદારોને ગેસ ગળતરની અસરને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચિંતા ફેલાવી છે અને કેમિકલ પ્લાન્ટની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
રણજિતનગર સ્થિત GFLના પ્લાન્ટમાં બપોરે 12:00થી 12:30 વાગ્યાની વચ્ચે બની હતી. કંપનીના ડેપ્યુટી યુનિટ હેડ અનિલ વિજય કિલ્લારીના જણાવ્યા અનુસાર, પાઇપલાઇનમાંથી R-32 ગેસ લીક થયો હતો, જેનો ઉપયોગ એરકન્ડિશનરમાં રેફ્રિજન્ટ તરીકે થાય છે. આ ગેસ લીકેજને 15-20 સેકન્ડની અંદર કાબૂમાં લેવામાં આવ્યો હતો, પરંતુ તેની અસરથી 10-12 કામદારોને ગળતર, ઉબકા અને ઉલટી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે, જેની ઓળખ પ્લાન્ટની નજીક આવેલા નાના મંદિરના પૂજારી તરીકે થઈ હોવાનું કહેવાય છે, જોકે આ અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
પંચમહાલ જિલ્લા પોલીસ અધીક્ષક (SP) હરેશ દૂધાતે ઘટનાસ્થળે પહોંચીને પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “બોઈલર ફાટ્યાની અફવાઓ ખોટી છે. આ ઘટના માત્ર R-32 ગેસ લીકેજની છે. ગેસ લીકેજને કારણે કામદારોને ઉબકા અને ઉલટી જેવી ફરિયાદો થઈ, જેના પગલે તેમને તાત્કાલિક કંપનીના ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર (OHC)માં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને હાલોલની વિવિધ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા છે. પાંચ લોકોને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે.”
ગેસ લીકેજને કાબૂમાં લેવામાં આવ્યો
ઘટનાની જાણ થતાં જ કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક પ્રાથમિક પ્રક્રિયા હાથ ધરી હતી. સ્પ્રિંકલર સિસ્ટમ ચાલુ કરીને ગેસ લીકેજને કાબૂમાં લેવામાં આવ્યો હતો. SP હરેશ દૂધાતે જણાવ્યું કે, “હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. અમે માસ્ક વિના ઘટનાસ્થળે ઊભા છીએ, જે દર્શાવે છે કે હવે કોઈ જોખમ નથી. લોકોને ડરવાની જરૂર નથી.” કંપનીના ડેપ્યુટી યુનિટ હેડ અનિલ વિજય કિલ્લારીએ જણાવ્યું કે, “ગેસ લીકેજની તપાસ માટે અમારી સેફટી અને એન્વાયરમેન્ટ ટીમ કામે લાગી ગઈ છે. હાલ પ્લાન્ટને શટડાઉન કરવામાં આવ્યો છે, અને ગ્રામજનોને પણ ઘટના અંગે જાણકારી આપવામાં આવી છે. સ્થાનિક લોકોએ પણ આ દુર્ઘટના દરમિયાન મદદ કરી હતી.”
ઘટનાની જાણ થતાં જ પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહીંયા, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, મામલતદાર અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. અસરગ્રસ્ત કામદારોને તાત્કાલિક હાલોલની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે. પાંચ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને વડોદરાની હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા છે. મૃતકના મોતનું કારણ જાણવા માટે મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
GFL કંપનીમાં શું બને છે?
ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (GFL) ભારતની અગ્રણી ફ્લોરિન આધારિત રસાયણ ઉત્પાદક કંપની છે, જેની સ્થાપના 1987માં થઈ હતી. તેનું મુખ્ય મથક વડોદરામાં આવેલું છે. GFL વૈશ્વિક સ્તરે ફ્લોરોપોલિમર્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ અને રેફ્રિજન્ટ્સના ઉત્પાદન માટે જાણીતી છે. કંપનીના ઉત્પાદનોનો ઉપયોગ ઓટોમોટિવ, એરોસ્પેસ, ઇલેક્ટ્રોનિક્સ અને રેફ્રિજરેશન ઉદ્યોગોમાં થાય છે. રણજિતનગરમાં આવેલો તેનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવા રસાયણોનું ઉત્પાદન કરે છે, જેમાં R-32 જેવા રેફ્રિજન્ટ ગેસનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:
સુરતમાં ગેસ લિકેજની ઘટના; બે ભૂલકા સાથે એક મહિલા ગંભીર રીતે દાઝ્યા
UP: મંદિરમાં રશિયન મુજરો, મહાદેવના ભક્તોને બતાવ્યો અશ્લીલ ડાન્સ, વીડિયો વાયરલ થતાં…
MP: બે પોલીસકર્મીઓ બાર ગર્લ્સ સાથે અશ્લીલ ડાન્સ કરતાં કેમેરામાં કેદ, વીડિયો જોશો તો…
PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….








