
Prohibition in Gujarat is only on paper:ગુજરાતમાં દારૂબંધીના કાયદાની ઐસી તૈસી કરવામાં આવી રહી છે અને રાજ્યમાં ઠેરઠેર દારૂ અને ડ્રગ્સ વેચાતું હોવાનું સામે આવી રહ્યું છે, નેતાઓથી લઈ પોલીસ સુધી હપ્તાની આખી ચેઇન ચાલી રહી હોવાના આક્ષેપ લાગ્યા છે દારૂનો ગેરકાયદેસર ધંધો ખૂબજ જોરમાં હોવાની વાતો વચ્ચે હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ખુલ્લેઆમ આરોપ લગાવ્યો છે કે, “ભાજપ સરકાર દારૂ અને ડ્રગ્સના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે”
આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે ઈમાનદાર પોલીસ ઓફિસરને સાઈડ લાઈન કરી દેવામાં આવે છે અને હપ્તા ઉઘરાવતા પોલીસ અધિકારીઓને સારી જગ્યાએ પોસ્ટિંગ અપાઈ રહ્યું છે.
ગાંધીનગરમાં યોજાયેલી આક્રોશ રેલીમાં ડ્રગ્સ અને દારૂ મામલે સરકારની નીતિ ઉપર ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સવાલો ઉઠાવતા કહ્યું હતુ કે, આજે નશીલા પદાર્થોના સેવનથી યુવા પેઢી બરબાદ થઈ રહી છે અને પરિવારો તૂટી જાય છે,નશામાં પતિનું નાની ઉંમરે મોત થઈ જતા બહેન-દીકરીઓ વિધવા બની રહી છે.
તેઓએ ઉમેર્યુ કે ગામે ગામ જનતા જાણે છે ગૂગલને પણ ખબર છે પણ સંસ્કારી ગૃહમંત્રીને ખબર નથી એનું કારણ એ છે કે દર મહિને કરોડો રૂપિયા એમની તિજોરીમાં આ દારૂ ડ્રગ્સના હપ્તાના પહોંચે છે.સીએમ પાસેથી ગૃહ ખાતું લઈને હર્ષ સંઘવીને કેમ આપવામાં આવ્યું એ પણ ગુજરાતની જનતા પૂછે છે કારણ કે એમના જ રાજમાં સૌથી વધુ ડ્રગ્સ ગુજરાતમાં વધ્યું છે. અંતમાં તેમણે કહ્યું કે આ જ ભાજપ સરકારનો વાસ્તવિક ચહેરો છે, જેમાં કાયદો અને પ્રજાની સુરક્ષા કરતા હપ્તા અને રાજકીય સંરક્ષણને પ્રાધાન્ય આપવામાં આવે છે.
આ માટે સત્તામાં બેઠેલા લોકોજ જવાબદાર છે કારણ કે,તેઓ દારૂ બંધીનો અમલ કરાવવા કરતા બુટલેગરોને બચાવવાની ભાષા બોલી રહયા છે.ગુજરાતમાં આજે ઘણા એવા વિસ્તાર છે જ્યાં પીવાનું પાણી પણ મળતું નથી પણ દારૂ જોઈએ તેટલો મળે છે.
ગુજરાતમાં ભાજપ શાસનમાં આ વાસ્તવિક સ્થિતિ છે અને હવેતો દારૂબંધીનો મુદ્દો છેક દિલ્હી સુધી પહોંચ્યો છે કેમ કે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ઘેરા એ પણ આજે ટિ્વટ કર્યું કે, ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી છે અને દારૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે.
બીજી તરફ પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પણ જીગ્નેશ મેવાણીને સમર્થન આપી જણાવ્યું કે,‘હપ્તા લેતા હોય તેવા પોલીસવાળાના પટ્ટા ઉતરવાજ જોઈએ.કેટલાક પોલીસ અધિકારીઓતો બૂટલેગરને છાવરે છે, ગુજરાત બિહાર અને ઉત્તર પ્રદેશ જેવું બની રહ્યું છે.
મહત્વનું છેકે,ગત તા. 22મી નવેમ્બરે વાવ-થરાદ જિલ્લાના ઢીમા ગામમાં કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા’ વખતે મેવાણીએ થરાદના શિવનગરમાં સ્થાનિક મહિલાઓની ફરિયાદ પર પોલીસ સ્ટેશન અને એસપી કાર્યાલય પહોંચીને દારૂ-ડ્રગ્સના વેચાણ વિરુદ્ધ કાર્યવાહીની સખત માંગ કરી ‘પોલીસના પટ્ટા ઉતરી જશે’ એમ કહી દારૂ અને ડ્રગ્સ કડક રીતે બંધ કરાવવા માંગ કરતા ગુજરાતના રાજકારણમાં તેના જોરદાર પડઘા પડ્યા હતા અને પોલીસ પરિવારે મેવાણી વિરુદ્ધ રેલીઓ કાઢતા અને ગૃહમંત્રીએ પણ નિવેદન કરતા મામલો વધુ ગરમાયો હતો અને એવી છાપ ઉભી થઇ હતી કે મેવાણી દારૂ-ડ્રગ્સ બંધ કરાવવા નીકળ્યા છે અને ભાજપ અને પોલીસ પરિવાર તેને અટકાવી રહયા છે પરિણામે ભારે વિવાદ વચ્ચે આ મુદ્દો ટોક ઓફ ધ ગુજરાત બન્યો છે ત્યારે હવે આગામી 6 ડિસેમ્બરે થરાદમાં ફરી મેવાણી આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરનાર હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો:
સિનિયર પત્રકારો શ્રી મયુરભાઈ જાની અને શ્રી હિમાંશુ ભાયાણીએ ગુજરાતમાં ચાલી રહેલા આ ગંભીર મામલે શુ કહ્યું, સાંભળો,ખાસ ચર્ચા








