
Rajkot: રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના રેવાણીયા ગામમાં શાળાની બાજુમાં વસતા 150 ગરીબ દેવીપૂજક પરિવારોને 35 વર્ષથી વીજળીનું જોડાણ મળ્યું નથી. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા આ પરિવારોને વીજ જોડાણ આપવામાં નિષ્ફળતા સર્જાઈ છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે પરિવારો વિંછીયા PGVCL કચેરી સામે ધરણા કરવાની તૈયારીમાં છે.
150 ગરીબ દેવીપુજક સમાજ વીજળી નહીં
ગુજરાત સરકાર દાવો કરે છે કે દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાની યોજના અમલમાં છે. સરકારની નીતિ અનુસાર, જ્યાં દસ કે તેથી વધુ પરિવારોની વસાહત હોય ત્યાં વીજળીનું જોડાણ આપવું ફરજિયાત છે. જોકે, રેવાણીયા ગામના 150 પરિવારોની વસાહત હોવા છતાં, આ યોજનાનો અમલ થયો નથી.
2023ના આંકડા મુજબ, ગુજરાતમાં ઝૂંપડપટ્ટીઓમાં રહેતા 3,50,45,998 પરિવારો અને કુલ 16,80,000ની વસ્તી હતી. નીતિ આયોગની નેશનલ એનર્જી પોલિસીના ડ્રાફ્ટ અનુસાર, દેશભરમાં 30.4 કરોડ લોકો ઊર્જાથી વંચિત છે, જેમાંથી ગુજરાતના 1% હિસ્સા તરીકે 30 લાખ લોકો (અંદાજે 5 લાખ કુટુંબો) વીજળી વિના જીવન જીવે છે.કેન્દ્ર અને રાજ્ય સરકારના દાવાકેન્દ્ર સરકારે 2022 સુધીમાં દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું હતું.
વિધાનસભામાં કરાયો હતો દાવો
ગુજરાત વિધાનસભામાં દાવો કરવામાં આવ્યો હતો કે અમદાવાદ જિલ્લામાં 2022 સુધીમાં ઝૂંપડપટ્ટીઓમાં 5,767 વીજ જોડાણો આપવામાં આવ્યા. આ ઉપરાંત, મોરબી જિલ્લામાં ડિસેમ્બર 2022 સુધીમાં ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ 1,117 જોડાણો આપવામાં આવ્યા. પરંતુ રેવાણીયા ગામના દેવીપૂજક સમાજના પરિવારો આવી સુવિધાથી વંચિત રહ્યા છે.
સ્થાનિકોનો આક્રોશ
વીજળીના અભાવે રેવાણીયા ગામના બાળકોના શિક્ષણ, રોજિંદા જીવન અને આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. ગરીબ અને વંચિત વર્ગના આ પરિવારોનો આક્ષેપ છે કે સરકારની યોજનાઓ માત્ર કાગળ પર જ રહી છે. આ મુદ્દે વિંછીયા PGVCL કચેરી સામે ધરણા કરીને પોતાનો અવાજ ઉઠાવવાનો નિર્ણય લેવાયો છે.
તાત્કાલિક વીજજોડાણ આપવાની માંગ
સ્થાનિક લોકોની માંગ છે કે PGVCL તાત્કાલિક રેવાણીયા ગામની વસાહતમાં વીજળીના જોડાણો આપે. ગુજરાત સરકારે પોતાની નીતિનું પાલન કરીને દસથી વધુ પરિવારોની વસાહતોમાં વીજળી પૂરી પાડવી જોઈએ. આ ઉપરાંત, ઝૂંપડપટ્ટી વીજળીકરણ યોજનાના અમલમાં પારદર્શિતા અને ઝડપ લાવવાની જરૂર છે. આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવામાં ન આવે તો ધરણા અને આંદોલન વધુ તીવ્ર બની શકે છે.
આ પણ વાંચો:
Rajkot: સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના સ્ટાફનું ગેરવર્તન, સિંગર મીરા આહિરે લગાવ્યા ગંભીર આક્ષેપ
Gujarat Rain Forecast: ગુજરાતના 11 જિલ્લામાં રેડ એલર્ટ, IMD દ્વારા ભારે વરસાદની આગાહી