
રાજકોટ નજીક શાપરમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓએ જોખમી રીતે તાપણું કરવા બદલ બે આરોગ્યકર્મીને સસ્પેન્ડ કરતાં કળભળાટ મચી ગયો છે. કરાર આધારિત ફાર્માસિસ્ટ અને લેબોરેટરી ટેક્નિશિયનને છૂટા કરાયા છે. અન્ય 2 કાયમી કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બેદરકારી બહાર આવતાં કાર્યવાહી કરાઈ છે. ઠંડીથી બચવા લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હોવાનો આરોપ છે. કેમિકલ ભરેલા કેરબા પાસે તાપણું કરતો વીડિયો વાઇરલ થયો હતો.
લેબોરેટરીમાં જ તાપણું કર્યું
શાપર ખાતે એસોસિએશને આપેલા કારખાનાના શેડમાં ચાલતા જિલ્લા પંચાયતના સામૂહિક આરોગ્ય કેન્દ્રની શનિવારે સવારે ઠંડી લાગતાં નર્સિંગ સ્ટાફે લેબોરેટરીમાં જ આગનું તાપણું કરતાં હોવાનો વિડિયો વાઈરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દરરોજ 150થી 200 દર્દી સારવાર માટે આવે છે ત્યારે તેમના જીવ જોખમમાં મુકાય તેવી રીતે લેબોરેટરીમાં તાપણું મુકાયાનો વીડિયો આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને આ મુદ્દે જવાબદારોનો ખુલાસો પૂછવા કવાયત હાથ ધરી હતી.
આરોગ્ય અધિકારીઓ પાસે તાપણાનો વીડિયો પહોંચ્યો
શનિવારે સવારે સામૂહિક આરોગ્ય કેન્દ્રની લેબોરેટરી રૂમમાં જ ઠંડીથી બચવા માટે તાપણું સળગાવ્યું હતું. સવારે 10.15 વાગ્યે અમુક દર્દીઓ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા ચોંકી ઉઠ્યા હતા અને કેમિકલના કેરબાઓ પાસે જ સળગતા તાપણાથી દુર્ઘટનાની ભીતિ વ્યક્ત કરી તેનો વીડિયો બનાવી વાઇરલ કરતાં તે આરોગ્ય અધિકારીઓ પાસે પહોંચ્યો હતો. આ બાદ ફાર્માસિસ્ટ સચિન તિવારી અને લેબોરેટરી ટેક્નિશિયન રાધિકા વાસાણીને છુટા કરાયા છે.







