
- સાબરકાંઠા: ડંન્કી રૂટથી અમેરિકા જતાં પ્રાંતિજના પટેલ યુવકનું મોત; પત્ની-પુત્ર અધવચ્ચે ફસાયા
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દિલીપ પટેલ નામના એક વ્યક્તિનું અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસતી વખતે મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ યુવકે પોતાની પત્ની અને એક બાળક સાથે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂષણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, ડન્કી રૂટથી અમેરિકા પહોંચતા પહેલા જ યુવકનું મોત નીપજ્યું છે. યુવકના મોત બાદ તેની પત્ની અને બાળક નિકારાગુઆ અટવાયા હોવાનું જાણવા મળી રહ્યુ છે. તો બીજી તરફ યુવકે પોતાની જમીન વેચીને એક કરોડથી વધુની રકમ એજન્ટને આપી હોવાની માહિતી પણ સામે આવી રહી છે.
આ ઘટના ખરેખર દુ:ખદ અને ચિંતાજનક છે. છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે રીતે અમેરિકા પહોંચવાના પ્રયાસો દરમિયાન ગુજરાતીઓના મોત અને મુશ્કેલીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. તો અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં ગુજરાતીઓને શોધી-શોધીને હાથમાં હાથકડીઓ પહેરાવીને પરત મોકલવામાં આવી રહ્યા છે. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ લોકો અમેરિકાનો મોહ છોડતા નથી. તેથી પોતે અને પોતાના પરિવારને પણ મુશ્કેલીમાં મૂકી દઈ રહ્યા છે.
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી મામલે વધુ એક ગુજરાતી યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના રહેવાસી દિલિપ પટેલ નામના યુવકે પોતાની પત્ની અને બાળક સાથે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી માટે એજન્ટોનો સહારો લીધી હતો.
મળતી માહિતી મુજબ, એકથી દોઢ મહિના પહેલા યુવકને નિકારાગુઆથી અમેરિકા પહોંચડવા માટે એજન્ટ દ્વારા ગોઠવણ કરવામાં આવી હતી. આ પછી યુવક તેની પત્ની અને બાળક સાથે રવાના થયો હતો. જો કે, નિકારાગુઆ ખાતે યુવકની તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
નિકારાગુઆમાં યુવકની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન હોસ્પિટલમાં ડાયાબિટિસની દવા ન મળતા યુવક કોમામાં જતો રહ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે હવે યુવકનું મોત નીપજતાં મૃતક યુવકના પત્ની અને બાળક નિકારાગુઆ ફસાઈ ગયા છે.
આ મુદ્દે મૃતક યુવકનો પરિવાર સરકાર પાસે મદદની માગ કરી રહ્યું છે. બીજી તરફ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ ન થાય તે માટે એજન્ટો દ્વારા મૃતકની માતા પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો- Chhaava: ચેમ્પિયન્સ ટ્રોફીના ક્રેઝ વચ્ચે ‘છાવા’ની બોક્સ ઓફિસ પર ધૂમ, 700 કરોડનો આંકડો પાર કરશે?