
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં બુધવારે અકસ્માતને રોકવા માટે એક રસ્તા પર બનેલું સ્પિડ બ્રેકર જ અકસ્માતનું કારણ બની ગયું. અહીં પંદર મિનિટમાં સાત અકસ્માત નોંધાયા હતાં. જેમાંથી અમુક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. આપણા દેશમાં સ્પીડ બ્રેકરના કારણે વર્ષે દહાડે હજારો લોકો જીવ ગુમાવી રહ્યા છે. તો અન્ય અકસ્માતોમાં જીવ ગુમાવનારાઓની સંખ્યા તો લાખોમાં પહોંચી ગઈ છે.
દેશમાં છેલ્લા 5 વર્ષમાં માર્ગ અકસ્માતમાં સાડા સાત લાખ કરતાં વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકારે પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે, દેશમાં પાછલા પાંચ વર્ષમાં અકસ્માતમાં 7.77 લાખ લોકોનાં મોત થયા છે. તો સરકારે ગુરૂવારે જ લોકસભામાં જણાવ્યું કે, 2013થી 2022 દરમિયાન માર્ગ અકસ્માતમાં 15,02,416 લોકોની મોત થઈ હતી.
ખોટી જગ્યા અને ખોટા આકારમાં બનાવેલા સ્પીડ બ્રેકર જ બન્યા જીવલેણ
કેન્દ્ર સરકારે સંસદમાં 21 જુલાઈ, 2017ના દિવસે જણાવ્યું કે, દેશમાં સ્પિડ બ્રેકરના કારણે થતાં અકસ્માતમાં દરરોજ નવ લોકોની મોત થાય છે અને 30 લોકો ઘાયલ થાય છે. જો તેને વર્ષના હિસાબે જોઈએ તો દર વર્ષે 1104 લોકોની મોત સ્પિડ બ્રેકરના કારણે થાય છે અને આશરે 11 હજાર લોકો આ અકસ્માતમાં ઘાયલ થાય છે. સરકારે આપેલાં આંકડા મુજબ, 2015માં હાઇવે પર 11,084 અકસ્માત સ્પિડ બ્રેકરના કારણે થાય છે. આ અકસ્માતમાં 3409 લોકોની મોત થાય છે અને 9764 લોકો ઈજાગ્રસ્ત થાય છે. ભારતમાં સૌથી વધારે તકલીફ એવા સ્પિડ બ્રેકરના કારણે થાય છે, જે અનમાર્ક છે અથવા જેને કોઈ ધારા-ધોરણ વિના જ બનાવવામાં આવ્યા છે.
વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જાહેર કરવામાં આવેલા 2018થી 2022 સુધીના ડેટાના આધારે, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ‘ભારતમાં માર્ગ અકસ્માતો, 2022’ રિપોર્ટ જાહેર કર્યો છે.
નીતિન ગડકરીએ અકસ્માત ન રોકી શકવાની ભૂલ સ્વીકારી
આ મુજબ 2021માં દેશમાં માર્ગ અકસ્માતમાં 1,53,972 મૃત્યુ થયા હતા, જે 2022માં વધીને 1,68,491 થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ 12 ડિસેમ્બરે કહ્યું હતું કે દુનિયામાં રોડ એક્સિડન્ટને લઈને અમારી પાસે સૌથી ખરાબ રેકોર્ડ છે. જ્યારે પણ હું કોઈ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લેવા જાઉં છું અને ત્યાં રોડ અકસ્માતો વિશે ચર્ચા થાય છે ત્યારે હું મારો ચહેરો છુપાવવાનો પ્રયત્ન કરું છું.
વિદેશ સાથે સરખામણી કરીશું તો ઇજ્જતના કાંકર થઈ જશે
રિપોર્ટમાં આપેલા આંકડા જણાવે છે કે, સ્પિડ બ્રેકરના કારણે ભારતમાં જેટલાં લોકોની મોત થાય છે, તેમાંથી ઓછા લોકો બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં માર્ગ અકસ્માતમાં મરે છે. વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયામાં માર્ગ અકસ્માતમાં 2937 અને બ્રિટનમાં 3409 લોકોની મોત થઈ હતી.
રોડ-રસ્તા સારા બનાવવાની વાત છોડો પહેલા સ્પીડ બ્રેકર યોગ્ય જગ્યાએ ધારાધોરણ પ્રમાણે બનાવો
સરકારે પણ માન્યું છે કે, આ સમસ્યા દેશભરમાં છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, તે રાજ્ય સરકારને લખશે કે, તે સુનિશ્ચિત કરે કે સ્પિડ બ્રેકર બનાવતા સમયે નિયમોનું પાલન કરવામાં આવે. અમારૂ મંત્રાલય નક્કી કરશે કે, સ્પિડ બ્રેકર એક નિશ્ચિત સ્થાન પર સમજી વિચારીને બનાવવામાં આવે. હકીકતમાં દિશા-નિર્દેશ વિનાના સ્પિડ બ્રેકર રસ્તાના બાંધકામ, ટ્રાફિક નિયંત્રક સંસ્થાઓ અને માર્ગ સલામતીની કાળજી લેતી સંસ્થાઓ વચ્ચે સંકલનના અભાવનું પરિણામ છે.
દેશમાં અકસ્માતનો આંકડો શું કહે છે
દેશમાં 2022માં 4.61 લાખ માર્ગ અકસ્માતો થયા છે. રિપોર્ટ અનુસાર, 2022માં દેશમાં કુલ 4,61,312 માર્ગ અકસ્માતો નોંધાયા હતા, જેમાંથી 1,55,781 (33.8%) જીવલેણ હતા. આ અકસ્માતોમાં 1,68,491 લોકોનાં મોત થયા હતા અને 4,43,366 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 2021ની સરખામણીમાં 2022માં કુલ માર્ગ અકસ્માતોમાં 11.9%નો વધારો થયો છે, જ્યારે માર્ગ અકસ્માતોમાં મૃત્યુની સંખ્યામાં 9.4% અને ઇજાગ્રસ્તોની સંખ્યામાં 15.3%નો વધારો થયો છે.
માર્ગ અકસ્માતો અને મૃત્યુના ડેટા દર્શાવે છે કે દેશના કુલ રોડ નેટવર્કના માત્ર 5% હાઇવે છે, પરંતુ 55%થી વધુ અકસ્માતો તેમના પર થાય છે, જેમાં કુલ મૃત્યુના 60%થી વધુ તેમના પર થાય છે. 2022માં કુલ અકસ્માતોના 32.9% અને કુલ મૃત્યુના 36.2% રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર થયા છે.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે મૃત્યુ
સૌથી વધુ 1.08 લાખ મોત ઉત્તરપ્રદેશમાં થયા છે. આ પછી તામિલનાડુ 84 હજાર મૃત્યુ સાથે બીજા અને ત્રીજા સ્થાને અને 66 હજાર મૃત્યુ સાથે મહારાષ્ટ્ર છે. તો પાછલા પાંચ વર્ષમાં ગુજરાતમાં 36 હજાર 626 લોકોના મોત અકસ્માતમાં થયા છે.
અકસ્માતમાં સ્પીડ બ્રેકરની ભૂમિકા અને સ્પીડ બ્રેકરના નિયમો
સ્પિડ બ્રેકરને ગાડીઓની સ્પિડ ઓછી કરવા માટે બનાવવામાં આવે છે. પરંતુ, કેન્દ્ર સરકારે 11 એપ્રિલ, 2016ના દિવસે આપેલા પોતાના આદેશમાં રાજ્યોને નક્કી કરવાનું કહ્યું કે, કોઈપણ નેશનલ હાઇવે પર કોઈ સ્પિડ બ્રેકર ન બનાવી શકે. સરકારે આ આદેશ એ વચન પૂરુ કરવા માટે કર્યો, જેમાં કહેવામાં આવ્યું કે, નેશનલ હાઇવે પર ગાડીઓને કોઈપણ મુશ્કેલી વિના હાઈ સ્પિડે જવા દેવામાં આવશે.
જોકે, સરકારે એવું પણ કહ્યું કે, નેશનલ હાઇવે પર દુર્ઘટના સંભવિત વિસ્તાર, મોટા વળાંક અને અમુક વિસ્તારમાં રંબલ સ્ટ્રીપ લગાવવામાં આવે. આ સ્થિતિ ત્યારે છે જ્યારે ભારતમાં રસ્તા પર થતા અકસ્માતોમાંથી 32.9 ટકા અકસ્માત નેશનલ હાઇવે પર થાય છે.
શું છે સ્પીડ બ્રેકરના દિશા-નિર્દેશ
ઈન્ડિયન રોડ કોંગ્રેસ (આઈઆરસી)એ 1996માં સ્પિડ બ્રેકર બનાવવાને લઈને દિશા-નિર્દેશ બનાવ્યા હતાં. આ દિશા-નિર્દેશ અનુસાર, એક આદર્શ સ્પિડ બ્રેકરની ઊંચાઈ 10 સેમી, લંબાઈ 3.5 મીટર અને કર્વેચર રેડિયસ 17 મીટર હોવી જોઈએ. આ સિવાય ડ્રાઇવરને સ્પિડ બ્રેકરની જાણકારી આપવા માટે સ્પિડ બ્રેકરથી 40 મીટર પહેલાં એક ચેતવણી બોર્ડ લગાવવાનો પણ નિયમ છે. તેના પર 20 સેમી ઊંચાઈ અને 60 સેમી લાંબુ બોર્ડ લગાવવું જોઈએ. રસ્તા પર ગાડીઓની સ્પિડ ઓછી કરવા માટે ઘણી રીત અપનાવવામાં આવે છે, જેને સાઇન બોર્ડ લગાવવું અને સ્પિડ પર નજર રાખવા માટે કેમેરા લગાવવાં.
રસ્તા પર સ્પિડ બ્રેકર બનાવવા માટે દિશા-નિર્દેશ તો નક્કી કરવામાં આવ્યા છે, પરંતુ આ દિશા-નિર્દેશનું પાલન કેટલું થાય છે તેની જાણકારી કોઈની પાસે નથી. સામાન્ય રીતે રહેણાંક વિસ્તારો, શાળાઓ અને હોસ્પિટલોની બંને તરફ સ્પિડ બ્રેકર બનાવવાની જોગવાઈ છે. પરંતુ થાય છે એવું કે, જેને જ્યાં જરૂર જણાય ત્યાં સ્પિડ બ્રેકર બનાવી દે છે. આ સ્પિડ બ્રેકર બનાવવામાં કોઈ દિશા-નિર્દેશોનું પાલન કરવામાં નથી આવતું. ઘણી જગ્યાએ લોકો ટ્રાફિક નિયંત્રણ કરવા માટે ઈંટની મદદથી ડીઆઈવાઈ બમ્પર બનાવી દેવાય છે.
નીતિન ગડકરીએ સ્વીકારતા કહ્યું કે અકસ્માત ઘટવાની વાત છોડો વધુ વધી ગયા છે…
લોકસભામાં માર્ગ અકસ્માતો પર ચર્ચા દરમિયાન ગડકરીએ કહ્યું હતું કે સ્વીડને માર્ગ અકસ્માત શૂન્ય પર લાવી દીધા છે અને અન્ય ઘણા દેશોએ તેમાં ઘટાડો કર્યો છે. હું ખૂબ જ પારદર્શક છું તેથી જ હું કહી રહ્યો છું કે જ્યારે મેં માર્ગ પરિવહન મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો ત્યારે મેં 2024 સુધીમાં માર્ગ અકસ્માતો અને તેના કારણે થતા મૃત્યુને 50% સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું હતું.
અકસ્માતો ઘટાડવા વિશે ભૂલી જાઓ, તેઓ વધ્યા છે તે સ્વીકારવામાં મને કોઈ શરમ નથી. તેથી જ જ્યારે કોઈ પણ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં રોડ એક્સિડન્ટની ચર્ચા થાય છે ત્યારે હું મારો ચહેરો છુપાવવાનો પ્રયત્ન કરું છું. ગડકરીએ કહ્યું- મને અકસ્માતોનો અગંત અનુભવ છે પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્નનો જવાબ આપતાં નીતિન ગડકરીએ કહ્યું કે ભારતમાં પરિસ્થિતિ ત્યારે બદલાશે જ્યારે માનવ વર્તન અને સમાજમાં પરિવર્તન આવશે અને કાયદાનું સન્માન થશે.
ગુજરાતના મોટા ભાગના ગામડાઓમાં સ્પીડબ્રેકર અંગેના દિશા-નિર્દેશોનો ઉલ્લંઘન
ગુજરાતના ગામડાઓના રોડ-રસ્તાઓ ઉપર સ્પીડ બ્રેકરના દિશા-નિર્દેશોને ધ્યાનમાં લેવામાં આવતા નથી. ગ્રામીણ વિસ્તારમાં ગમે તે જગ્યાએ ગમે તે આકારનો સ્પીડ બ્રેકર બનાવી દેવામાં આવે છે. ઘણી જગ્યાએ તો સ્પીડ બ્રેકર કબરની સાઇઝના બનાવી દેવામાં આવતા હોવાથી વ્યક્તિ અકસ્માત સર્જિને સીધો કબરમાં પણ પહોંચી જતો હોય છે. આમ ગુજરાતમાં સ્પીડ બ્રેકરના દિશા-નિર્દેશ પ્રમાણે સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તો અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવી શકે છે.







