
ગુજરાતમાં રોજેરોજ ચોરી લૂંટને અંજામ આપતી ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે મહેસાણાના કડી તાલુકાના થોર ગામે રુ. 9.12 લાખ રુપિયા ભરેલી બેગ લઈને એક શખ્સ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ચોરીનો ભોગ બનનાર શોર રુમ માલિક કૌશિક પટેલે બાવલું પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
હાલ ગોતામાં રહેતા કૌશિકભાઈ પટેલ ભાગીદારીમાં થોળ ગામે દુર્ગા ઓટો મોબાઈલ શો રૂમ ચલાવે છે. ગત સોમવારે કૌશિકભાઈએ સાંજના લગભગ 5 વાગે શો રૂમ બંધ કરી ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન શો રૂમના તથા સામાજિક મંડળના રૂ.1.30 લાખ મળી કુલ રૂ.9,12,974ની રોકડ બેગમાં મૂકી તે બેગ ગાડીમાં મૂકી શો રૂમનું શટર બંધ કરવા ગયા હતા. શટર બંધ કરીને પાછા ગાડીએ આવ્યા ત્યારે ગાડીમાં પૈસા ભરેલી બેગ ગુમ હતી. જેથી કૌશિકભાઈ હચમચી ગયા હતા. બાદમાં શો રૂમના CCTV કેમેરા ચેક કરતાં એક યુવક તેમની ગાડીનો દરવાજો ખોલી બેગ ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનું માલુમ પડ્યું હતુ. જેથી આ ઘટના અંગે બાવલું પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV કેમેરા અને લોકોની પૂછપરછ આદરી આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
આ સમાચાર પણ વાંચોઃ લેટરકાંડ વિવાદ: પાયલ ગોટીની ભાજપ નેતા દિલીપ સંઘાણી સાથે મુલાકાત તો બીજી તરફ ધાનાણીનું ટ્વિટ; રાજકારણ ગરમાયું