
- Starlink: ફાસ્ટ ઇન્ટરનેટ સેવા કે ‘આજા ફસાજા’ સ્કીમ?
એલોન મસ્કની કંપની સ્ટારલિંક માટે ભારતના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ભારતની સૌથી સફળ મોબાઇલ નેટવર્ક કંપનીઓ જિયો અને એરટેલ એલોન મસ્કની કંપની સ્ટારલિંકને સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવામાં મદદ કરશે. સ્ટારલિંક એક ખૂબ જ હાઇસ્પીડ ઇન્ટરનેટ સેવા છે. એલોન મસ્કની કંપની સ્પેસએક્સ 100 કરતાં વધુ દેશોમાં આ સેવા પૂરી પાડી રહી છે. આ પહેલી વાર હશે જ્યારે એલોનની સ્ટારલિંક ભારતમાં પગ મૂકશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ડીલ ભારતમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીને નવી ઊંચાઈ આપવા માટે કરવામાં આવી રહી છે.
નોટબંધીના જેવી રીતે અનેક ફાયદા ગણાવવામાં આવ્યા હતા, તેવી રીતે આના પણ ઘણા ફાયદા ગણાવવામાં આવી રહ્યા છે. જેમ કે ભારતમાં ડિજિટલ ગેપ દૂર થશે. છેવાડાના વિસ્તારો જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી નબળી છે. જ્યાં ફાઇબર ઓપ્ટિક્સ અને મોબાઇલ ટાવર જેવા પરંપરાગત નેટવર્ક પહોંચાડવા મુશ્કેલ છે, ત્યાં સ્ટારલિંકનું સેટેલાઇટ ઇન્ટરનેટ ઝડપી બ્રોડબેન્ડ પ્રદાન કરી શકે છે.
કેટલાક નિષ્ણાતો કહે છે કે આનો ફાયદો ઉઠાવીને કોઈપણ આપત્તિ દરમિયાન બ્રોડબેન્ડ કામ કરવાનું બંધ કરી દે ત્યારે પણ લોકો સુધી પહોંચી શકાય છે. સ્ટારલિંકની સેટેલાઇટ ટેકનોલોજી કટોકટીમાં કનેક્ટિવિટી પૂરી પાડી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આનાથી ઈ-લર્નિંગ, ટેલિમેડિસિન, ઈ-કોમર્સ અને ઓનલાઈન બિઝનેસને પ્રોત્સાહન મળશે. નવી નોકરીઓનું પણ સર્જન થશે, પરંતુ આટલા બધા ફાયદાઓ વચ્ચે ઘણી બધી બાબતો સ્ટારલિંક વિશે શંકા પેદા કરી રહી છે.
ઘણા લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે સ્ટારલિંકના આગમનથી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો થઈ શકે છે. થોડા દિવસો પહેલા દિલ્હી સ્થિત થિંક ટેન્ક ડિપ્લોમસી ફાઉન્ડેશને આ સંદર્ભમાં એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ સંગઠને કહ્યું કે સ્ટારલિંક યુએસ સરકાર અને ગુપ્તચર એજન્સીઓની ખૂબ નજીક છે. આ કારણે તે જાસૂસી અને ડેટા ચોરી જેવા મુદ્દાઓમાં ખતરનાક સાબિત થઈ શકે છે. સ્ટારલિંકનો ઉપયોગ દેશ પર નજર રાખવા માટે પણ થઈ શકે છે. આ ઉપરાંત પણ સ્ટારલિંક પર ઘણી આશંકાઓ છે.
ઘણા નિષ્ણાતો કહે છે કે જો ભારત કોઈ વિદેશી કંપનીની ઇન્ટરનેટ સિસ્ટમ પર નિર્ભર બને છે, તો તે કોઈપણ ભૂ-રાજકીય કટોકટીના સમયમાં દેશ માટે એક મોટું જોખમ સાબિત થઈ શકે છે. કેટલાક નિષ્ણાતો સ્ટારલિંકને ભારત માટે ખતરાની ઘંટી માને છે.
ઝડપી ઈન્ટરનેટ સેવાની લાલચે પાંજરે પૂરાશું કે શું?
1. જાસૂસીનો ખતરો: ભારતીય ડેટા વિદેશી નિયંત્રણ હેઠળ આવવાનો ભય- સ્ટારલિંક યુએસ સંરક્ષણ અને ગુપ્તચર એજન્સીઓ સાથે ઊંડે સુધી જોડાયેલું છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સ્ટારલિંકે અનેક ગુપ્ત કરાર કર્યા છે, જેનાથી ભારતીય નાગરિકો, સરકારી સંગઠનો અને લશ્કરી પ્રવૃત્તિઓ પર નજર રાખવાની શક્યતા વધી ગઈ છે.
તે ઉપરાંત, જો સ્ટારલિંક ઉપગ્રહો દૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટ પહોંચાડી શકે છે, તો તે પણ શક્ય છે કે તેઓ તે બધો ડેટા મેળવી પણ શકે છે. આમાં વ્યૂહાત્મક અને નાગરિક મહત્વ બંનેનો ડેટા શામેલ હોઈ શકે છે. તેમનું વિદેશી નિયંત્રણ હેઠળ હોવું ભારતની સુરક્ષા માટે ખતરનાક બની શકે છે.
2. ડ્યુઅલ-યુઝ ટેકનોલોજી
આનો અર્થ એ થયો કે સ્ટારલિંકનો ઉપયોગ જાહેર ઉપયોગ અને લશ્કરી હેતુ બંને માટે થઈ શકે છે. ઉદાહરણ તરીકે યુક્રેનમાં રશિયન સાયબર હુમલાઓનો સામનો કરવા માટે સ્ટારલિંકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નિષ્ણાતો માને છે કે જો આ ટેકનોલોજી ભારતમાં કામ કરશે તો તેનો ઉપયોગ ખોટા હેતુઓ માટે પણ થઈ શકે છે.
3. ભૂ-રાજકીય હથિયાર તરીકે ઉપયોગ
તાજેતરની ઘટનાઓએ દર્શાવ્યું છે કે શક્તિશાળી રાષ્ટ્રો ભૂ-રાજકીય દબાણ લાવવા માટે ટેકનોલોજી અને નાણાકીય સિસ્ટમનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે 2022માં પશ્ચિમી દેશોએ રશિયાને SWIFT બેંકિંગ સિસ્ટમમાંથી દૂર કર્યું, જેના કારણે આંતરરાષ્ટ્રીય વ્યવહારો કરવાની તેની ક્ષમતા ઓછી થઈ ગઈ હતી. અમેરિકા અને યુરોપે $300 બિલિયનથી વધુ રશિયન સંપત્તિ ફ્રીઝ કરી દીધી હતી.
જો ભારત આવી કટોકટીમાં ફસાઈ જાય અને અમેરિકા ભારતમાં સ્ટારલિંકને સસ્પેન્ડ કરે અથવા પ્રતિબંધિત કરે તો આવી પરિસ્થિતિમાં શું થઈ શકે?
1. બેંકિંગ અને નાણાકીય વ્યવહારો અટકી શકે છે
2. ભારતીય બેંકો અને શેરબજારોને અસર થઈ શકે છે.
3. સરકારી સંદેશાવ્યવહાર ખોરવાઈ શકે છે
4. આનાથી ભારતની સૈન્ય અને ગુપ્તચર એજન્સીઓની કામગીરી પર અસર પડી શકે છે.
5. એવી પણ શંકા છે કે સંરક્ષણ પ્રણાલીઓ નબળી પડી શકે છે
6. ભારતીય લશ્કરી અને સરકારી સંદેશાવ્યવહાર વિદેશી નિયંત્રણ હેઠળ આવી શકે છે.
4. જિયો અને એરટેલનું વર્ચસ્વ –
સ્ટારલિંકે જિયો અને એરટેલ સાથે સોદો કર્યો છે. આ બંને ભારતની બે સૌથી મોટી મોબાઇલ નેટવર્ક કંપનીઓ છે. બજારમાં તેમનો બીજો કોઈ હરીફ નથી. નિષ્ણાતોને ડર છે કે આ બંને કંપનીઓ કોઈપણ ભય વગર ગ્રાહકો માટે નિયમો, કિંમતો અને શરતો નક્કી કરશે અને ગ્રાહકોએ તેમની માંગણીઓ સામે ઝૂકવું પડશે.
ભારતમાં સ્ટારલિંકના આગમન સાથે આ આશંકાઓની સાથે તેનો ઉકેલો પણ શોધવામાં આવી રહ્યા છે. ભારતીય નિષ્ણાતોની માંગ છે કે ભારતીય કંપનીઓએ પોતાનું સેટેલાઇટ નેટવર્ક વિકસાવવું જોઈએ જેથી સંદેશાવ્યવહાર પ્રણાલી પર કોઈ વિદેશી નિયંત્રણ ન રહે. ભારતીય ડેટાની સુરક્ષા પણ સુનિશ્ચિત કરી શકાય છે.
જોકે, સ્ટારલિંક ભારતમાં આવવા માટે તૈયાર છે. સ્ટારલિંક એક વિદેશી કંપની છે તે ધ્યાનમાં લેતા શું ભારત સરકારે દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ પગલાં લીધાં છે? ડેટા ચોરી અને તેના પર વિદેશી નિયંત્રણ કેવી રીતે અટકાવી શકાય? તે ઉપરાંત, શરતો, નિયમો અને કિંમતો પર મોટી નેટવર્ક કંપનીઓના વર્ચસ્વને ટાળવા માટે શું પગલાં લેવામાં આવશે?
આ પણ વાંચો- CAGએ રેલ્વેમાં 2,604 કરોડ રૂપિયાની ગેરરીતિઓ શોધી કાઢી; સરકારે સ્પષ્ટતા આપવી જોઈએ: સંજય સિંહ